પેશન નામનો રોગ !

આજકાલની નવી જનરેશનને ‘પેશન’ નામનો એક રોગ લાગુ પડ્યો છે ! પણ તમે માર્ક કરજો, આ પેશન ફિલ્મ, ક્રિકેટ, મ્યુઝિક એવા ફિલ્ડ માટે જ હોય છે ! શું તમે બીજી રેગ્યુલર કરિયરો વિશે કદી આવું સાંભળ્યું છે કે…

*** 

શું એકાઉન્ટન્ટના મોઢે એવું સાંભળ્યું છે કે, ‘બોસ, બાળપણથી જ મને તો કેલક્યુલેટર એટલું બધું ગમતું હતું કે હું રાતે ઓશિકાની નીચે મુકીને સૂઈ જતો હતો…’

*** 

શું કોઈ ઇન્કમટેક્સ કન્સલ્ટન્ટના મોંઢે સાંભળ્યું છે કે ‘હું તો પાંચમા ધોરણમાં હતો ત્યારથી જ જાણતો હતો કે પપ્પા ઇન્કમટેક્સના રીટર્નમાં કેવા ખોટા ખોટા હિસાબો બતાડે છે..’

*** 

શું કોઈ સરકારી કર્મચારીને એવું કહેતાં સાંભળ્યો છે કે ‘હું તો નાનપણથી જ લાંચ લેતા શીખી ગયેલો ! મારા પડોશવાળા અંકલ ત્રીજા માળવાળી આન્ટી જોડેચાલુ હતા એ વાત મારી મમ્મીને ના કહેવા બદલ હું દર રવિવારે એમની પાસેથી એક કેડબરી લેતો હતો !’

*** 

અરે, કોઈ ડોક્ટરના મોઢે એવું સાંભળ્યું છે કે ‘હું તો સાતમા ધોરણમાં હતો ત્યારથી જ અમારા ફેમિલી ડોક્ટરના દવાખાનામાં કમ્પાઉન્ડરની જોડે ઊભો રહીને બધું જોયા કરતો હતો ! બારમામાં પહોંચ્યો ત્યાં લગીમાં તો મેં બધી મોટી મોટી હોસ્પિટલોની ‘જાત્રા’ કરી નાખી હતી !

અને હા, ખાસ તો, મને બધી નર્સો બહુ ગમતી હતી !’

*** 

પણ હા, આજકાલના ટેણિયાંઓ જે રીતે મોબાઈલમાં ગેઇમ રમવામાં કલાકો સુધી ચોંટી રહે છે એમાંથી જે કોઈ મોટા થઈને ગેમિંગ સોફ્ટવેરની લાઈનમાં જશે એ જરૂરથી કહેશે કે ‘હું તો ટોઇલેટમાં ગેમ રમવા જ જતો હતો ! પણ મમ્મી પપ્પાને એમ હતું કે, મને ‘કોન્સ્ટીપેશન’ છે !’

*** 

અને જે સોશિયલ મિડીયામાં ‘ઇન્ફ્લુએન્સર’ બનશે તે પણ કહેશે ‘સ્કૂલમાં ચોથા ધોરણથી જ મારા પોકેટમનીનો ખર્ચો કાઢવા માટે મેં પાંચ બોગસ નામે, એકાઉન્ટ ખોલીને ૫૦૦ જેટલા ‘બોયફ્રેન્ડો’ બનાવી રાખ્યા હતા ! અને આજે જુઓ… મને છેક ચાઈનાથી જાસૂસીની ઓફરો આવે છે !’

***

- મન્નુ શેખચલ્લી

Comments