'જેન-ઝિ'નો જડબાતોડ જવાબ !

‘સૈયારા’ ફિલ્મ જોઈને આજકાલનાં બચોળિયાં જુવાનિયાં જે રડારોડ કરે છે, કપડાંને ફાડીને ચીસો પાડે છે અને ભોંય પર આળોટે છે…

એવા વિડીયો જોઈને વડીલો તો એમને ધમકાવવા જ મંડી પડ્યા છે ! કે આ શું વેવલાવેડા છે ? તો સાંભળો, જવાબમાં જેન-ઝિ વાળા શું કહી રહ્યા છે…

*** 

૪૫ થી ૬૦ વરસની આન્ટીઓ… રડવાની બાબતે બહુ દોઢ-ડહાપણ કરતા જ નહીં ! કેમકે સન ૨૦૦૦માં જ્યારે ભૂકંપ આવ્યો હતો ત્યારે જે દસેક હજાર લોકો મરી ગયા એની પાછળ નહીં…

પણ ટીવીમાં ‘સાસ ભી કભી બહુ થી’વાળો મિહીર વીરાણી મરી ગયો એનાં દસ-દસ એપિસોડ જોતાં જોતાં તમે હજારોની સંખ્યામાં ઘેર ઘેર રડતાં હતાં ! ભૂલી ગયા ?

- એ મિહીર તમારો શું થતો હતો ?

*** 

અને અંકલ લોકો… અમારામાંથી બે ચાર જણ ગુસ્સામાં છાતીઓ કૂટતા હોય એમાં આટલા બધા ભાષણો શેના આપો છો ?

તમારા ટાઈમમાં જ્યારે ઇન્ડિયન ટીમ શારજહા કપ કે વર્લ્ડ કપ હારીને પાછી આવતી હતી ત્યારે તમે તો એમની બસ ઉપર પથ્થરમારો કરતા હતા ! એમના ઘરો પર જઈ જઈને સળગતા કાકડા ફેંકતા હતા !

એ ક્રિકેટરો એ તમારું શું લૂંટી લીધું હતું ? તમારી નોકરી ?

*** 

અને એક જમાનામાં રાજેશ ખન્નાની પાછળ પાગલ થઈ ગયેલી અને આજે લાકડીના ટેકે ચાલનારી ડોશીઓ… તમે પણ સાંભળી લો !

એ વખતે તમે રાજેશ ખન્નાને પોતાના લોહીથી પત્રો લખ્યા, એની કારને કીસ કરી કરીને લિપસ્ટીકથી રંગી નાંખી, એના ફોટા પર્સમાં રાખીને સપનાં જોયાં…

બદલામાં રાજેશ ખન્નાએ તમને શું આપ્યું ? ગેસનો બાટલો ?

*** 

ફાઈનલી, આજના તમામ કાકાઓ આખી જિંદગીમાં નથી તમને કદી પ્રેમ થયો, નથી તમારું કોઈ બ્રેક-અપ થયું, નથી તમારાં કોઈ દિલ તૂટ્યાં…

છતાં મિનિમમ બે ડઝન સેડ સોંગ તમે હજી મોબાઈલમાં વગાડ્યા કરો છો કે નહીં ?

એ તો ઠીક, તમારામાંના અમુક તો હજી ઘેર બેઠાંબેઠાં મોટા અવાજે, કરાઓકેમાં રાગડા તાણે છે : ‘દિલ તોડને વાલે… તુઝે દિલ ઢૂંઢ રહા હૈ…’

- કાકા, વેવલા તમે લોકો છો કે અમે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments