ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જે ‘ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ’ થયા છે તેની અમુક મિશ્ર અસરો ભારતમાં જોવા મળી રહી છે ! સાંભળો, અમારા લેટેસ્ટ ‘ફેક ન્યુઝ’ બુલેટિનમાં…
***
ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ હવે ઇંગ્લેન્ડનો ઓરીજીનલ દારૂ ભારતમાં હવે લગભગ અડધા ભાવે મળશે એની જાણ થતાં જ ગુજરાતના ‘શોખીનો’માં હરખની લહેર દોડી ગઈ છે ! કે હાશ, હવે તો વ્હિસ્કી બ્રાન્ડી અને સ્કોચ અડધા ભાવે મળશે !
***
પરંતુ ગુજરાતના બૂટલેગરોમાં અંદરખાને ફફડાટ પેસી ગયો છે કે હવે જે ઘરાકોને તેઓ ‘ફોરેનનો અસલી માલ’ કહીને નકલી માલ પધરાવતા હતા એવી બાટલીઓના ભાવ હવે સાવ ઘટી જશે !
***
બીજી તરફ ભારતમાં નકલી બ્રાન્ડી, વ્હીસ્કી અને સ્કોચ બનાવતી પાર્ટીઓએ ઇંગ્લેન્ડના લિકર કિંગોને એવી ખાનગી ઓફર આપી છે કે ‘બોસ, તમે ત્યાંથી ખાલી બાટલીઓ જ મોકલો ! અમે કન્ટેનર છોડાવ્યા પછી એમાં અદ્દલ તમારા જેવો દારૂ ભરી લઈશું ! તમે પણ કમાઓ, અમે પણ કમાઈએ…’
***
વધુ વિગતમાં જઈએ તો હવે ભારતથી ઇંગ્લેન્ડ મોકલાતી ચા ઉપર પણ ટેક્સ નહીં લાગે ! આ વાતની ખબર પડતાં જ ભારતના એક ઉત્સાહી બિઝનેસમેને ઇંગ્લેન્ડની ‘લિપ્ટન ટી કંપની’ને ઓફર આપી છે કે ‘બોસ, આપણે ભેગા મળીને આખા ઇંગ્લેન્ડમાં ઠેરઠેર ‘ખેતલા આપા ટી સ્ટોલ’ની ચેઈન ચાલુ કરી દેવી છે ?’
***
એ જ રીતે મગફળી વગેરેની નિકાસ સહેલી થઈ જવાને કારણે ટુંક સમયમાં સૌથી પહેલાં લંડનમાં એક ‘રાયપુર ભજીયા હાઉસ’ ચાલુ થવાનું છે !
***
જોકે ભારતના બાસમતી રાઈસ, ઘઉં તથા વિવિધ શાકભાજી ઉપરના ટેક્સ હટી જતાં જ ઇંગ્લેન્ડમાં જે ‘ઇન્ડિયન ફૂડ’ની રેસ્ટોરન્ટો ચાલી રહી છે એમના માલિકોના પેટમાં ફાળ પડી છે કે ‘સાલું, હવે તો સાવ મામૂલી દેશી વાનગીઓના ચીરીને ભાવ લઈ શકાશે નહીં !’
***
બીજી તરફ ઇંગ્લેન્ડમાં વસતા મિડલ ક્લાસ ઇન્ડિયનોએ રાહતનો શ્વાસ લીધો છે કે ‘હાશ, હવે વરસમાં એકાદ વાર અહીં ઇન્ડિયન રેસ્ટોરન્ટમાં પણ જમવા જઈ શકાશે !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment