તમે મંદબુદ્ધિ બાળકોને જોયાં છે ?
કપાળ મોટું હોય, ખોપરી પણ સ્હેજ મોટી હોય, આંખોમાં ચમક, નાક સ્હેજ દબાયેલું, આગલા દાંત છૂટા-છૂટા, હાઈટ થોડી ઓછી, રંગ ગોરો અને માસૂમ બાળક જેવા ચહેરા ઉપર સતત એક એવું સ્મિત રમતું હોય કે જાણે હમણાં જ મસ્ત મજાનો પેંડો ખાવાનો જલ્સો કર્યો હોય !
અમારા બિલીમોરાના ગટુ આવોજ હતો ! ભલે એની ઉંમર વીસેક વરસની થઈ હશે, પણ બુદ્ધિના મામલે એની ‘પાવલી’ જરા ઓછી જ હતી.
ભગવાને એની ‘મેમરી ચીપ’ એવી ફીટ કરેલી કે એમાં તમે કીધેલા વાક્યનો છેલ્લો શબ્દ જ યાદ રહે ! બીજું બધું જ ‘ઇરેઝ’ !
આના કારણે ફળિયાના લોકો એની ખુબ મજા લેતા. કોઈ પૂછે ‘ગટુ, ગવાસકર સારો કે કપિલ દેવ ?’
તો પટ કરતો બોલે ‘કપિલ દેવ !’ તરત જ બીજું કોઈ પૂછે ‘ગટુ, કપિલદેવ સારે કે ગવાસકર ?’
તો ગટુ એટલા જ ઉત્સાહથી જવાબ આપે : ‘ગવાસકર !’
પણ પછી રમત આગળ ચાલે. ‘ગટુ, તું કોની હાથે પણવાનો (પરણવાનો) ? હેમામાલિની કે રેખા ?’
જવાબ આવે, ‘રેખા !’ તરત જ ફળિયાવાળા પાડોશમાં રહેતી રેખા નામની છોકરીને પકડી લાવે ! ‘જો, આ આઈવી રેખા ! અ‘વે એની હાથે પણવાનો કે ?’
ગટુ છેલ્લો શબ્દ પકડીને એજ શુધ્ધ, નિર્મલ, સાત્વિક અને માસૂમ સ્મિત સાથે બોલે ‘પણવાનો !’
‘તું મોટો થાય પછી પણવાનો કે અમણાં જ !’
‘અમણાં જ !’ આવો જવાબ મળતાંની સાથે ગટુ રેખાના હાથની એક મીઠી થપ્પડ ખાય !
કેમકે આવી ગમ્મત ફળિયાની ગીતા, મીતા, સ્મિતા, રમલી, સવલી અને… તમે નહીં માનો, કંકુ ડોશી જોડે પણ થઈ ચૂકી હોય !
આમ તો ગટુ બિચારો અનાથ, પણ ફળિયાના રવજીદાદાએ એને પોતાના ઘરમાં જ મોટો કરેલો. એને કોઈપણ કામ સોંપો એટલે તે દોડીને કરવા લાગે. માત્ર રવજીદાદાના ઘરનું જ નહીં. આખા ફળિયામાં કોઈપણ વ્યક્તિ ગટુને કંઈ કામ સોંપે કે તરત એનો ચહેરો ૪૪૦ વોલ્ટના ગોળાંની માફક ચમકી ઊઠે !
જોકે એને સૂચના આપવામાં ધ્યાન રાખવુ પડે, કેમકે જો તમે એમ કહો કે ‘જા ગટુ, ઘંટીએથી લોટ લેઈ આવ, રમલીકાકીને તાંનો !’
તો એ ફૂલ સ્માઈલ સાથે રીપીટ કરશે : ‘રમલીકાકી !’ કેમકે એની ‘મેમરી’ ચિપમાં માત્ર છેલ્લો શબ્દ જ સ્ટોર થતો હતો.
ગટુની બીજી નબળાઈ હતી એને ભાવતું ભોજન ! આમેય એને હંમેશા પેટ ભરીને ખાવા જોઈએ. અને ખાધા પછી એ ઘસઘસાટ ઊંઘી જ જાય ! પછી બપોર હોય કે રાત ! એટલે એને ઊંઘ ચડે એ પહેલાં એની પથારી સુધી પહોંચાડી જ દેવો પડે.
ગટુનો આ ‘આજ્ઞાંકિત‘ સ્વભાવ જ એક જબરા કિસ્સાનું કારણ બની ગયો. કિસ્સો ચોમાસાના ટાઈમનો.
એક સાંજે રવજીદાદા અમારા બિલીમોરાના જાણીતા સોમનાથ મહાદેવ મંદિરના દર્શને ગયેલા. જોકે આ તો એમનો રોજનો ક્રમ હતો પણ આજે તે છત્રી લઈ જવાનું ભૂલી ગયેલા.
એટલે એમના ઘરની વહુએ અમારા ગટુને કામ સોંપ્યું. ‘આ છત્રી પકડ અને તારા દાદાને આપી આવ, મંદિરે જઈને..’
‘મંદિરે !’ ગટુએ તરત જ તેના દિમાગની ચિપમાં છેલ્લો શબ્દ ફીટ કરી લીધો.
હવેનું કામ તો આસાન જ હતું ? કેમકે છત્રી ગટુના હાથમાં હતી અને તેણે મંદિરનો રસ્તો જોયેલો હતો. મંદિરમાં રવજીદાદા એને જોશે એટલે છત્રી પહોંચી જશે… પૂત્રવધુનું ‘પ્રોગ્રામિંગ’ તો પરફેકટ હતું. પણ -
આખો ગોટાળો થયો એક ગરનાળાને કારણે ! વાત એમ હતી કે અમારું ફળિયું રેલ્વે લાઈનની આ બાજુ અને મંદિરના રેલ્વેના પાટાની પેલી બાજુ હતું. ત્યાં જવા માટે એક ગરનાળું હતું જે રવજીદાદાનો રોજનો ‘શોર્ટ-કટ’ હતો.
પરંતુ ચોમાસાને કારણે એમાં ભરાયેલું પાણી ! એટલે રવજીદાદાએ એમનો ‘રૂટ’ બદલી નાંખેલો ! હવે આ વાતની ખબર આપણા ‘પ્રિ-પ્રોગ્રામ્ડ’ ગટુને થોડી હોય ? એટલે એ ઉપડ્યો પેલા ગરનાળાવાળા રસ્તે !
હજી એ ગરનાળાની અધવચ્ચે, ઘુંટણથી સ્હેજ ઓછા પાણીમાં પહોંચ્યો હશે ત્યાં પાછળથી એક ભાઈ પોતાની મોટર સાઈકલ લઈને એક જ ઝાટકે ગરનાળું પાર કરવાના ટાર્ગેટથી ફૂલ-સ્પીડમાં ધસી આવ્યા !
એક તો બાઈકનો ધડધડ… ધડધડ અવાજ ગરનાળામાં ગુંજે ! સાથે સાથે પાણીમાં અચાનક ‘ભરતી’ આવેલી જોઈને ગટુ ભડક્યો ! પાછળથી ધસમસતી આવી રહેલી બાઈકથી બચવા એ ડાબે-જમણે ભાગવા ગયો એમાં સરવાળે બાઈકમાં જ અથડાયો !
બંને પછડાયા પાણીમાં ! પેલા ભાઈએ પહેલાં તો ગટુને મોટી મોટી (સુરતીમાં) સંભળાવી પણ જોયું કે ગટુ ઉપર તો એની કોઈ અસર જ નથી ! ઉલ્ટું એ તો આ ‘અચાનક સ્નાન’થી રાજીરાજી થઈ ગયો છે !
‘આમ દાંત હું બટલાવીયા કરે ? જીરીક મદદ કરનીં, બાઈકને ધક્કો મારનીં ?’
ચાવી લાગુ પડી ગઈ. ગટુ બોલ્યો : ‘ધક્કો !’
ગટુએ બાઈકને ધક્કો મારીને ગરનાળાની બહાર કાઢી આપી. હવે ભાઈનો ગુસ્સો ઓગળી ગયો. એ બોલ્યા :
‘તું તો આખો પિલ્લાઈ ગેલો પિરા. ચાલ તને નવાં કપડાં અપાવું.’
‘નવા કપડાં !’ ગટુ ખુશ ખુશ થઈ ગયો !
વાત એમ હતી કે એ ભાઈનો રેડીમેઈડ કપડાંનો શો-રૂમ હતો. એમને થયું કે આ બિચારાનાં કપડાં મારા કારણે પલળીને મેલાંદાટ થઈ ગયાં છે, આટલું ‘ઇનામ’ તો આપવું જ જોઈએ.
એ ભાઈનું નામ સુરેશભાઈ. બિલિમોરામાં એણે નવી નવી રેડીમેઇડ કપડાંની દુકાન ચાલુ કરેલી. પાછલી સીટ પર બેસાડીને સુરેશભાઈ આપણા ગટુને પોતાની દુકાને લઈ ગયા. શોપિંગ સેન્ટરના કોમન બાથરૂમમાં એને નવડાવીને નવાં કપડાં પહેરાવ્યાં. પછી પૂછ્યું :
‘બોલ, અવે તને કાં મુકી આવું ?’
ગટુ શું બોલે ? કેમેકે પેલા મિનિ-અકસ્માતમાં એની ટોટલ ‘મેમરી’ ઇરેઝ થઈ ગઈ હતી ! હાથમાં છત્રી તો હતી પણ ‘મંદિર’ ‘રવજીદાદા’ એવું કશું યાદ જ રહ્યું નહોતું.
ગટુના ચહેરા ઉપર રમી રહેલું પ્રશ્નાર્થ ચિન્હ જોઈને સુરેશભાઈએ પૂછ્યું ‘કંઈ નાસ્તો કરવાનો કે ? ભૂખ લાગેલી છે?’
‘ભૂખ !!’ ગટુનો ચહેરો ૪૪૦ વોલ્ટના બલ્બની જેમ ખીલી ઉઠ્યો!
આ જોતાંની સાથે જ સુરેશભાઈને થયું કે આને બરાબર કકડીને ભૂખ લાગી લાગે છે. એમણે તો સમોસા, કચોરી, ભજીયાં અને બિલીમોરાનાં પ્રખ્યાત વાટીદાળના ખમણ મંગાવ્યા ! ગટુને કીધું ‘તું દુકાન પછાડી (પાછળ) શાંતિથી બેહીને ખાઈ લેજે હાં કે ?’
ગટુને દુકાનના પાછળના ભાગમાં બેસાડીને સુરેશભાઈ કંઈ હિસાબના કામમાં લાગી ગયા. આમેય વરસાદની સિઝન એટલે ઘરાકી સાવ ઓછી હતી. એમ કરતાં અંધારું થઈ ગયું.
આ બાજુ ગટુએ તો પેટ ભરીને ખાધા પછી ત્યાં જ લાંબી નીંદર તાણી હતી ! પરંતુ દુકાનના સામાન પાછળ સુરેશભાઈને એ દેખાયું જ નહીં ! એમને એમ, કે છોકરો એની મેળે જતો રહ્યો હશે. એ તો દુકાનને તાળુ મારીને ગયા !
પેલી બાજુ અમારા ફળિયામાં ચાલી શોધાશોધ ! કેમકે રવજીદાદા તો ક્યારના મંદિરેથી પાછા આવી ગયેલા, પણ ગટુનો પત્તો જ નહીં.
છેવટે ફળિયાવાળાએ રાત્રે દસેક વાગે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. પોલીસવાળો કહે :
‘હહરીનું, ટમારે આમાં ‘બો’ હાચવવાનું જો ! કેમકે આજકાલ એક ગેંગ ફરટી છે. ટે આવાં નાલ્લાં પોયરાંને પકડીને લેઈ જાય, ને પછી ટેમની પાંહે ભીખ મંગાવે ! ટમારો ગટુ ટો બિચારો એમ બી ગગો છે, એટલે ગેંગને ટો ફાવટું મલી જવાનું !’
આ સાંભળ્યા પછી તો ફળિયાવાળાં આખું બિલીમોરા ફેંદી વળ્યા ! પણ ગટુ ક્યાંથી મળે ?
છેવટે બીજા દિવસે જ્યારે સુરેશભાઈ દુકાન ખોલીને જુએ છે તો ગટુ મસ્ત મજાનો બેઠો છે ! ‘ઓત્તારી ! તું અંઈ જ ઉતો ? આખી રાત ?’
‘આખી રાત !’ ગટુએ સ્માઈલ સાથે રીપીટ કર્યું !
‘તારું ઘર કાં છે ?’
‘ઘર..!’ ગટુએ રીપીટ કર્યું !
હવે આનું કરવું શુ ? આખરે એમને એક જ ઉપાય સુઝ્યો. આ છોકરાને જે રસ્તેથી લઈને આવ્યા હતા ત્યાં જ પાછા જવું… કદાચ એને કંઈ યાદ આવી જાય ?
પણ સુરેશભાઈ હજી પેલા ગરનાળા પાસે પહોંચે છે ત્યાં તો અમારા કોઈ ફળિયાવાળાની નજર પડી ! એ સમજ્યો કે ‘હહરીનો આ તો પેલી પોયરાંને ઉઠાવી જતી ગેંગવારો !’
એણે પહેલાં તો પોતાનું ચંપલ ઉતારીને છૂટ્ટું માર્યું ! પછી હાથમાં ઝાલેલી છત્રી વડે સીધો મિસાઈલ કર્યો ! એ મિસાઇલ બરોબર નિશાન પર વાગ્યું !
માથા પર છત્રી વાગવાને કારણે ગબડી પડેલા સુરેશભાઈ સાથે બાઈક અને ગટુ પણ ગબડ્યા ! ભીડ ભેગી થઈ ગઈ ! ધોલધપાટ ચાલુ થઈ ગઈ….
એ તો સારું થયું કે એ ભીડમાં સુરેશભાઈની દુકાનના બે-ચાર ઘરાક હતા ! માંડમાંડ મામલો થાળે પડ્યો.
છેવટે અમારા ફળિયાવાળાએ ગટુને પૂછ્યું : ‘તું કાં ઉતો ? તને તો મંદિરે મોકલેલો ને ?’
ગટુએ સાચો જવાબ આપ્યો : ‘મંદિરે !’
***
-મન્નુ શેખચલ્લી
(કિસ્સાનું કથાબીજ : મધૂસુદન મિસ્ત્રી - બર્મિંગહામ)
E-mail : mannu41955@gmail.com
ગટુ તો ગટુ જ હોય. રાધે રાધે!
ReplyDeleteમસ્ત કેરેક્ટર... 👌🏿👌🏿👌🏿🌹🌹
ReplyDelete