આખી દુનિયા...સ્ક્રીનમાં... !


તમારા હાથમાં જે અઢી ઇંચ બાય સવા છ ઈંચનું જે ચોસલું લઈને ફરો છો… (મોબાઈલની વાત થઈ રહી છે, મિત્ર) તેણે આપણી આખી દુનિયા બદલી નાંખી છે ! જુઓ…

*** 

ફ્રેન્ડશીપ :
પહેલાં ગલીમાં, શેરીમાં, પડોશમાં, સ્કૂલમાં, કોલેજમાં કે પ્રવાસમાં ફ્રેન્ડ બની જતા હતા…

આજે ‘ફ્રેન્ડશીપ’ માટે ‘રિક્વેસ્ટ’ મોકલવી પડે છે !

*** 

ગપાટા :
પહેલાં ઘરને ઓટલે, ગામને ચોરે, સ્કૂલના કમ્પાઉન્ડમાં, કોલેજની કેન્ટિનમાં કે પછી ગમે ત્યાં બેસીને ગપાટા મારતા હતા…

આજે જુવાનિયાઓ ઘરમાં ગુંગા બેસીને ‘સ્નેપચેટ’માં ‘ચેટ’ કરે છે !

*** 

પંચાત :
પાનને ગલ્લે, મંદિરના બાંકડે, મહિલાઓની ભજનમંડળીમાં કે નવરી બજારના ચોકમાં આખા ગામની, પંચાત કરતા હતા…

આજે મોબાઈલના ચોસલામાં મોં ઘાલીને દેશની, દુનિયાની અને જાણીતા, અજાણ્યા, દેશી, વિદેશી, કરોડપતિ, અબજપતિ… સૌથી પંચાત કરીએ છીએ !

*** 

નિંદા : 
અગાઉ કોઈની નિંદા કરવા માટે તેની પીઠ ફરે તેની રાહ જોવી પડતી હતી…

હવે તો ‘ટ્રોલિંગ’ સૌથી મોટો ટાઈમપાસ થઈ ગયો છે !

*** 

પ્રેમ :
અગાઉ તો છૂપાઈ છૂપાઈને પીછો કરીને, નોટમાં પ્રેમપત્ર મુકીને, ફિલ્મોના ગાયનો ગાઈને કે બગીચાના ખૂણામાં સંતાઈને પ્રેમો થતા હતા…

હવે તો છેક પાકિસ્તાનમાં બેઠેલી કોઈ ત્રણ છોકરાંની મા ભારતમાં રહેતા કોઈ ગામડીયા સાથે ‘ઇન્સ્ટાગ્રામ’થી પ્રેમમાં પડે છે… અને ‘વાયા નેપાળ’ છેક અહીં સુધી આવી પણ ચડે છે ! બોલો.

*** 

પ્રેમમાં દગો :
પેલી પરણી જાય તો શું કરવાનું ? પ્રેમી દગો દઈ જાય તો શું કરવાનું ? મજબૂરીથી પતિને સ્વીકારવો પડે તો શું કરવાનું ? … એ જમાનામાં ઉદાસ ફિલ્મી ગાયનો ગાઈ લેતા હતાં..

આજે હનીમૂનમાં જ પતિને પતાવી દે છે ! અથવા પરણ્યા પછી ધણીને પ્લાસ્ટિકના પીપડામાં ચણી દેવાય છે !

- ક્યા ક્યા દેખના પડ રહા હૈ ?

***

- મન્નુ શેખચલ્લી

Comments