જમાનો એવી રીતે બદલાતો જાય છે કે અમુક જુની અને જાણીતી કહેવતો હવે ખોટી પડી રહી છે ! માન્યમાં નથી આવતું ? તો જુઓ…
***
જુની કહેવત હતી : ‘ધાર્યું ધણીનું થાય.’
આજે આખા ગુજરાતમાં કોઈપણ ઘરમાં જઈને પૂછી જોજો, ધાર્યું ધણીનું નહીં, ‘ધણિયાણી’નું જ થાય છે !
***
જુની કહેવત હતી : ‘ખાડો ખોદે તે પડે…’
હવે તમે જ કહો, આજે ખાડા કોણ ખોદે છે ? સરકાર ! અને પડે છે કોણ ? જનતા !
***
‘વડ તેવા ટેટા, અને બાપ તેવા બેટા…’
બોલો, સાવ ખોટી કહેવત છે ને ? ના ના, તમે મને કહો, શું તમે ‘આળસું, તોછડા, તરંગી, બેફીકર, નિશાચર અને સાવ બેજવાબદાર’ કહી શકાય એવા ‘બાપ’ જોયા છે? પણ એવા બેટા, જથ્થાબંધના ભાવે જોવા મળશે…
***
એક ડહાપણ ભરી કહેવત આપણને ભણાવતા હતા કે ‘સંપ ત્યાં જંપ’…
પણ આજે જુઓ, ‘સંપ’ કરીને કોણ બેઠા છે ? નેતાઓ, અધિકારીઓ, સરકારી કર્મચારીઓ, પોલીસો, કૌભાંડીઓ, ભ્રષ્ટાચારી, ઉદ્યોગપતિઓ, ગુનેગારો અને ખુદ ન્યાયતંત્ર !
અને ‘જંપ’ કોને નથી ? તમે જોઈ શકો છો…
***
‘સો દહાડા સાસુના તો એક દહાડો વહુનો !’
ખરેખર ? સાલું, આવું તો હવે ટીવી સિરીયલોમાં પણ નથી રહ્યું ! બિચારી સાસુઓ તો આજકાલ ફફડે છે વહુઓથી !
***
‘પુત્રનાં લક્ષણ પારણામાં અને વહુનાં લક્ષણ બારણામાં…’
જોકે આમાં હવે ચિત્ર બદલાઈ ગયું છે. બાળક હજી ઘોડિયામાં હોય ત્યાંથી જ એનાં લક્ષણો મોબાઈલ માગે છે ! અને વહુનાં લક્ષણો બારણાંની બહાર જતાં જ પ્રગટ થાય છે !
***
‘ધીરજનાં ફળ મીઠાં…’
અરે યાર, તમે કોઈપણ ફળ બોલોને, ‘બ્લિન્ક-ઈટ’ પરથી માત્ર આઠ મિનિટમાં આવી જાય છે ! બોલો હવે ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment