આપણે લોકો ભલે મિડલ ક્લાસિયામાંથી ધનવાન કેટેગરીમાં પહોંચી ગયા હોઈએ… પણ આપણી અમુક આદતો તો એવી ને એવી જ રહેવાની ! જુઓ…
***
જે રીતે શાકભાજી લીધા પછી મફતમાં ધાણા માગી લઈએ છીએ…
એ જ રીતે ડોક્ટર પાસે તાવની દવા લીધા પછી મફતમાં બીપી ચેક કરાવી લઈએ છીએ.
***
જે રીતે દસ પાણીપુરી ખાધા પછી એક કોરી પુરી માગી લઈએ છીએ…
એ જ રીતે મોંઘી હોટલમાં રૂમ બુક કરાવતી વખતે પૂછી લઈએ છીએ કે ‘મોર્નિંગ બ્રેક-ફાસ્ટ તો ફ્રી મેં મિલેગા ના ?’
***
જે રીતે કોઈપણ ખરીદી કર્યા પછી પ્લાસ્ટિકની કોથળી માગી લઈએ છીએ…
એ જ રીતે નવી કાર ખરીદી લીધા પછી સેલ્ફી ફોટો મુકવા માટેની ફોટો-ફ્રેમ પણ માગી જ લઈએ છીએ ને !
***
જે રીતે ‘રાજધાની’ કે ‘વંદે ભારત’માં ટિકીટ બુક કરતાં પહેલાં ટ્રેનમાં ચા, નાસ્તો, ચોકલેટ વગેરેમાં શું શું આપે છે તે પૂછી લઈએ છીએ…
એ જ રીતે મોંઘી હોસ્પિટલમાં આપણા વડીલની ઘુંટણની સર્જરી માટે દાખલ કરાવતી વખતે અહીંની ‘કેન્ટિન’માં શું શું મળે છે એ પણ પૂછી લઈએ છીએ !
***
જે રીતે ફાફડા સાથે એકસ્ટ્રા ચટણી, ઢોંસા સાથે એકસ્ટ્રા સાંભાર અને સમોસા સાથે એકસ્ટ્રો સોસ મંગાવી જ લઈએ છીએ…
એ જ રીતે લગ્નસરામાં સાડીઓ ખરીદવા જઈએ ત્યારે એ.સી. શો-રૂમમાં બેઠાં બેઠા બબ્બે વાર (એ પણ બધાને માટે) કોલ્ડ ડ્રીંક્સ મંગાવી જ લઈએ છીએ ! હાસ્તો વળી…
***
એ તો ઠીક, પણ ટ્રેનમાં ગાયન ગાઈને ભીખ માગતા ભિખારી પાસે આપણે જે રીતે બે ગાયનો વધારે ગવડાવી લેતા હતા…
એ જ રીતે કવિ સંમેલનમાં આપણે ‘દૂબારા… દૂબારા…’ કરીને પેલા કવિ પાસે બે શાયરીઓ વધારે બોલાવી જ લઈએ છીએ !
(ખાતરી ના થતી હોય તો પૂછી જોજો કવિઓને.)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment