સમોસા, જલેબી... જોખમમાં ?!

લો, સ્વાસ્થ્ય મંત્રાલય હવે નવો નિયમ જાહેર કરશે કે જલેબી, પકોડા, સમોસા વગેરેમાં કેટલું ‘તેલ’ છે, કેટલી ‘ખાંડ’ છે, તેની ‘ચેતવણી’ આપતાં બોર્ડ મારવાં પડશે ! મતલબ કે…

*** 

મોદીજી પકોડા વડે દેશના યુવાનોને જે ‘રોજગાર’ અપાવવા માગતા હતા એ આખી યોજના જોખમમાં ?

અરે, રાહુલજી તો જલેબીનાં ‘કારખાનાં’ લગાવવાનાં હતાં ! એ આખી ક્રાંતિ હવે ખતમ ?

*** 

જો આમ જ ચાલ્યું તો કરિયાણાની દુકાનો ઉપર બોર્ડ મારવાં પડશે કે ‘અહીં તેલ અને ખાંડ જેવી હાનિકારક ચીજોનું વેચાણ થાય છે ! સાવધાન !’

*** 

એટલું જ નહીં, તેલના ડબ્બા ઉપર મોટું સ્ટીકર મારવું પડશે કે ‘સાવધાન ! આ ડબ્બામાં ‘તેલ’ છે !’

*** 

જો આમ જ ચાલ્યું તો મગફળીનાં ખેતરો આગળ પાટિયાં મારવાનાં ફરજિયાત હશે કે ‘અહીં તેલ જેવી ખતરનાક વસ્તુનો કાચો માલ પેદા થઈ રહ્યો છે ! સાવધાન !’

*** 

જોકે સરકાર જ્યારે ટેકાના ભાવથી મગફળીની ખરીદી હશે ત્યારે જે કોથળામાં મગફળી ઓછી અને ધૂળ-રેતી કે ફોતરાં વધારે હશે તેને વધારે ભાવ આપશે !

કેમકે એમાં પેલા ‘હાનિકારક તેલ’ની કાચી સામગ્રીમાં ઘટાડો થયેલો છે !

*** 

શુગર ફેકટરીઓની બહાર તો અલગ જ ટાઈપનાં બોર્ડ લગાડવાં પડશે જેમાં લખવું પડશે કે…

‘ખતરનાક ઝોન ! અહીં ઉત્પાદિત થતી ખાંડ વડે જલેબી જેવી ‘ભયાનક’ વાનગીઓ બની શકે છે !’

*** 

સરકાર આ બધું જ કરશે પણ…

જે ‘ટોમેટો સોસ’માં માંડ બે ટકા જ ટામેટાં હોય છે…
જે ‘આટા બ્રેડ’માં માંડ નવ ટકા જ ઘઉં હોય છે…
જે ‘કાજુ બિસ્કિટ’માં માંડ ચાર ટકા જ કાજુ હોય છે…
અને જે નહાવાના સાબુ ઉપર લીંબુનો મોટો ફોટો હોય એમાં લીંબુનો રસ તો હોતો જ નથી….

ત્યાં એવું મોટા અક્ષરે લખવાની ફરજ કદી નહીં પાડે ! 

કેમ ? કેમકે એ બધી ચીજો મોટી મોટી ‘કંપનીઓ’ દ્વારા ઉત્પાદિત થાય છે.

જ્યારે મગફળી, શેરડી, તેલ, તેલીબિયાં, જલેબી, પકોડા, સમોસા કે ગુલાબજાંબુ જેવી ચીજો ‘કંપનીઓ’ નથી બનાવતી ને ? એટલે !

***

- મન્નુ શેખચલ્લી

Comments