જુઓ, સાવ એવું નથી કે આખો દેશ ખાડે ગયો હોય… માત્ર દેશના રોડ જ ખાડે ગયા છે !
બલ્કે, દેશનો એક સૂપત તો અવકાશમાં ગયો છે ! અને દેશની ઇકોનોમી પણ ત્રીજા નંબરે જ ગઈ છે ! એ જ વાત પર સાંભળો, આ આશ્વાસન ઇનામ સમું કાવ્ય…
***
સાવ એવું નથી કે
રસ્તામાં ખાડા વધી ગયા છે
કારણમાં એટલું જ કે
વરસાદમાં ‘બે ઈંચ’ વધી ગયા છે !
***
સાવ એવું નથી કે
પુલ હતા તે પડી ગયા છે
કારણમાં એટલું જ કે
લોકોનાં ‘વાહનો’ વધી ગયાં છે !
***
સાવ એવું નથી કે
ભ્રષ્ટાચારો કરોડો સુધી ગયા છે
કારણમાં એટલું જ કે
‘વિકાસ’નાં બજેટો વધી ગયાં છે !
***
સાવ એવું નથી કે
તપાસમાં લોલમલોલ છે
કારણમાં એટલું જ કે
કૌભાંડમાં ‘સગાં’ વધી ગયાં છે !
***
સાવ એવું નથી કે
નાણાં ‘ઓન પેપર’ ખવાઈ ગયાં છે
કારણમાં એટલું જ કે
વહીવટો ‘ઓનલાઈન’ થઈ ગયા છે !
***
સાવ એવું નથી કે
ગુનેગારો ફ્રીમાં છૂટી ગયા છે
કારણમાં એટલું જ કે
મરનારનાં ‘વળતર’ વધી ગયાં છે !
***
સાવ એવું નથી કે
સરકારમાં સૌ બેફિકર છે
કારણમાં એટલું જ કે
રાજ્યમાં ‘દેશપ્રેમી’ વધી ગયા છે !
***
સાવ એવું નથી કે
પ્રજા હવે જાગતી જ નથી
કારણમાં એટલું જ કે
જગાડનારા વિરોધપક્ષો જ…
… ઊંઘી ગયા છે !
જય હો !!
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment