મુંબઈયા ગુજરાતીમાં મરાઠી વઘાર !

આજકાલ મુંબઈમાં ગુજરાતી અને મરાઠી બોલવા બાબતે વિવાદ ચાલી રહ્યો છે પરંતુ અહીં ગુજરાતમાં કેટલાને ખબર છે કે જે ‘મુંબઈયા ગુજરાતી’ છે એમાં કેટલું ‘મરાઠીપણું’ છે ? જુઓ ?....

*** 

આપણે જેને‘વાટ લાગી’કહીએ છીએ તે મરાઠીમાં ‘વાટ લાવલી’નું સીધું ગુજરાતી ટ્રાન્સલેશન છે !

*** 

એ જ રીતે ‘ભંકસ થઈ ગઈ’ પણ ‘ભંકસ જાલી’નું ગુજરાતી છે.

*** 

‘ઝક્કાસ’શબ્દ તો હવે છેક અમદાવાદ સુધી પહોંચી ગયો છે. જે મૂળ તો મરાઠી શબ્દ જ છે !

*** 

‘બહુ શાણો ના બન’એમ ગુજરાતીમાં કહીએ છીએ તેનું મૂળ ‘શાણ્યા’ મરાઠીમાં છે ! એ પહેલાં ગુજરાતીમા ‘બેસ બેસ, બહુ ડાહ્યો…’ એવું કહેતાં હતા.

*** 

મુંબઈગરાઓ ‘ગુસ્સે થઈ ગયો’ એવું કહેવાને બદલે બોલે છે : ‘એ ભડકી ગયો !’તો મિત્રો, મરાઠી ‘ભડકલા’નું જ  એ ગુજરાતી વર્ઝન છે !

*** 

એ જ રીતે ‘ઝોલ-ઝાલ’ ‘મચ-મચ’, ‘ડીંડક’, ‘ચાપલુસી’ ‘શાણપટ્ટી’ ‘યેડાગિરી’ 'ટપોરી’ ‘છપરી’ ‘ઝોપડપટ્ટી’.. આ બધા મુંબઈના ગુજરાતીઓએ પોતાની જીભે ચડાવી દીધેલા મરાઠી શબ્દો જ છે !

*** 

જોકે આપણે જ્યારે એમની પ્રખ્યાત અન ગુજરાતમાં સૌએ અપનાવી લીધેલી વાનગીનું નામ ‘પાંવભાજી’ બોલીએ છીએ ત્યારે એ લોકો બહુ અકળાય છે કેમકે એનું અસલી મરાઠી નામ ‘ભાજીપાંવ’ છે !

*** 

છતાં, શું તમને ખબર છે, કે ભારતની તમામ ભાષાઓમાં માત્ર મરાઠી અને ગુજરાતી જ એવી છે જેમાં ‘ળ’અક્ષર છે !

*** 

બાકી કોણે કહ્યું કે ગુજરાતીઓ મરાઠી નથી બોલતા ? તમે કોઈ ગુજરાતી ગૃહિણીને મરાઠી કામવાળી સાથે વાત કરતાં સાંભળી છે ?

‘તુમિ કાલે કદી આવમાર ? તુમમાલા મોડા હોણાર તો મલા ને ખુબ તપલીક હોણાર ને ? અને કલ જબ ઇકડે આવે તો તિકડે સાક મારકેટ સે એક કિલો ડુંગળી લેતા આવણાર હોં ? મિ તુમાલા પૈસા દઈ દેણાર ! પણ કાલે ઝટ આણા, હોં ?’

*** 

બાકી ભૂલેચૂકે એમ ના બોલતા કે ‘હમ કો મરાઠી આવડતા નહીં હૈ…’ કેમકે મરાઠીમાં ‘આવડવું’ એટલે ‘ગમવું’ !

જોકે ‘નવરા’ એટલે ‘પતિ’… એ બંને ભાષામાં સાચો શબ્દ છે ! હોં ?

***

- મન્નુ શેખચલ્લી

Comments