બ્રિજ ટેસ્ટિંગની સાચી મેથડ !

એક પૂલ તૂટી પડ્યો એટલે હવે બાકી બચેલા તમામ પૂલોનું ‘ટેસ્ટિંગ’ ચાલી રહ્યું છે ! બોલો.

જોકે આ ટાઈપના ટેસ્ટિંગમાં એન્જિનિયરીંગ કોલેજોના કોર્સમાં નથી હોતા ! આ તો અલગ જ ટાઈપનું ટેસ્ટિંગ હોય છે…

*** 

જોઈન્ટ ટેસ્ટ :
અહીં બ્રિજના સાંધાઓની વાત જ નથી ! અહીં તો એ ચેક કરવાનું હોય છે કે બ્રિજ બાંધનાર કોન્ટ્રાક્ટરના ‘સાંધા’ ક્યાં ક્યા અડે છે ! કેમકે જો સાંધા ના અડતો હોય તો કરોડોના કોન્ટ્રાક્ટો મળતા જ નથી ને ?

*** 

બોન્ડિંગ સ્ટ્રેન્થ ટેસ્ટ :
અહીં સિમેન્ટ-કોંક્રીટનું બોન્ડિંગ નથી જોવાનું ! બોન્ડિંગ એટલે સંબંધ ! કોન્ટ્રાક્ટરના સંબંધો કોની કોની સાથે છે અને તે કેટલા મજબૂત છે એના હિસાબે તો કરોડોના કોન્ટ્રાક્ટની રકમ નક્કી થતી હોય છે.

*** 

સ્પ્લીટ ટેસ્ટ :
બિચારા એન્જિનિયરો એમ સમજતા હશે કે બ્રિજના મટિરીયલના ટુકડા કરો તો કેટલી મજબૂતાઈ હશે તે જાણવા મળતું હશે ! પણ ના ભાઈ, ના ! અહીં ‘સ્પ્લીટ’ એટલે ભાગલા ! ટેન્ડરની કુલ રકમના શી રીતે ભાગલા પાડવામાં આવ્યા છે ?

મંત્રીજીને કેટલા, એન્જિનિયરોને કેટલા, સુપરવાઈઝરોને કેટલા અને ‘કમલમ્‌’ના કેટલા ? જો આ ‘સ્પ્લીટ’ બરાબર હોય તો એ કોન્ટ્રાક્ટરની મજબૂતાઈ વિશે સવાલો થતા જ નથી.

*** 

ગોટ ટેસ્ટ :
આ વળી કયો ટેસ્ટ ? અરે ભઈ, આ છે ‘બકરા’ ટેસ્ટ ! જો આખા પ્રોજેક્ટમાંથી કોઈ બોપાળું બહાર આવે તો ‘બકરા’ કોને બનાવવાના છે ? એ તો શિલારોપણ વખતે જ નક્કી હોય છે !

*** 

ટાઈમ ટેસ્ટ :
તમે શું સમજ્યા, કે બ્રિજ કેટલો સમય ટકી રહેશે ? ના ! એ બ્રિજનું કૌભાંડ લોકો કેટલા સમયમાં ભૂલી જશે… એ જ તો આખો ટેસ્ટ છે !

*** 

પાવર ટેસ્ટ :
ફરી થાપ ખાધી તમે ! અહીં બ્રિજની તાકાતનું કોણ પૂછે છે ? તાકાત તો રાજકીય પાર્ટીની હોય ! જ્યાં સુધી ભાજપ પાવરમાં છે ત્યાં સુધી તમે ભલભલું ઉખાડવાના ટેસ્ટ કરી જુઓ… કંઈ વળશે નહીં !

- બસ, આ જ એક  ‘ગેરંટી’ હોય છે. બધા બ્રિજમાં !

***

- મન્નુ શેખચલ્લી

Comments