‘બાપુજી, આપડી હોટલની હાંમો આ લોકો રોજ હવાર પડે ને અઘવા બેહતા છે તેનું કંઈ કરોનીં ?’
દક્ષિણ ગુજરાતમાં શૌચક્રિયા માટે ‘અઘવું’ એવો શબ્દ છે. એટલું જ નહીં, અઘવા માટે તમે જે લોટો લઈને જાઓ તેને ‘અઘરી કહલી’ (કહલી એટલે નાનો લોટો) કહેવાય ! એ જ રીતે જો ડબલું લઈને બેસો તો ‘અઘરું ડબલું’ કહેવાય ! (સહેલું છે નહીં ?)
પંદરેક વરસના થઈ ગયેલા વિનુનો પ્રોબ્લેમ એ હતો કે એનો ભણવામાં કોઈ કક્કો ચાલ્યો નહીં એટલે એના બાપે એને નિશાળમાંથી ઉઠાડીને પોતાની ‘જયભારત લોજિંગ એન્ડ બોર્ડીંગ’ નામની હોટલના ગલ્લા પર બેસાડી દીધેલો.
વિનુ વિચારે છે કે ‘જતે દા’ડે આ હોટલનો માલિક તો મેં જ થવાનો… પણ હહરીના આ ગામનાં ઉતાર જેવી પરજા બરોબર મારી હોટલની હાંમ્મે જ હવા હવારના અઘવા બેહે તો મારી હોટલમાં ઘરાક કેમ કરીને આવવાના ?’
આખી ભૌગોલિક સિચ્યુએશન એવી હતી કે પેલી ‘જયભારત હોટલ’ની બાજુમાં જ રોડ, અને રોડને અડીને એક ખુલ્લી ગટર પસાર થાય ! (આ એ જમાનાની વાત છે જ્યારે નાનાં શહેરોની સુધરાઈ એટલી ‘સુધરી’ નહોતી કે અંડરગ્રાઉન્ડ ગટરો નંખાવે. એ તો છોડો, ગામમાં પણ અડધો અડધ ઘરોમાં જાજરૂ નહીં બનેલાં.)
આ ગટર એટલે કંઈ સીધી સાદી નીક નહીં પણ ખાસ્સી અઢી ફૂટ ઊંડી અને ચારેક ફૂટ પહોળી હતી. જેમાં ત્રણે સાઈડે લાદીઓ જડેલી હતી. એમાંય નીચેનો ભાગ થોડો ‘વી’ આકારમાં હોય, જેથી મેલું પાણી વચ્ચે એકઠું થઈને આગળ વહી શકે.
પરંતુ આ જ ‘ડિઝાઈન’ સવાર સવારના ‘ઝાડે ફરવા’ આવતા અમુક અઠંગ મુલાકાતીઓને બહુ ફાવતી મળી ગઈ હતી ! કેમકે તમે અંદર બેસી જાઓ એટલે તમારું માથુ જ સ્હેજ બહાર રહે અને બાકીનું શરીર લોકોની ‘મેલી નજર’થી ઢંકાયેલું રહે !
એમાંય અહીં રેગ્યુલરલી આવનારા ત્રણ અઠંગ ‘શૌચવીરો’ હતા. એમાંના સૌથી પહેલો તો બોંત્તેર વરસનો ભાણજી વલ્લભ નામનો ‘દાદો’ ! આ દાદો એનાં ઘરમાં પૌત્રો રમતાં થયાં એટલે જ નહીં, પણ સ્વભાવથી પણ જબરો દાદાગિરીવાળો ! એક તો આ ઉંમરે પણ ભાણજીદાદો શરીરે કકરો હતો. ઉપરથી બોલવામાં ય એટલો જ આખો !
આપણો વિનુ પૂછે કે ‘ડોહા, અંઈ ખુલ્લામાં કેમ બેહતા છે ?’ તો રોકડું પરખાવે : ‘પોયરા, મેં તારી ઉંમરનો ઉતો ત્યારથી ખેતરમાં જ જતો ઉતો…. પણ ગામના લોકે આ તારા બાપની જેમ બધાં બંગલા તાણી બાંઈધાં, તો મેં કાં જાઉં ? મને તો ખુલ્લામાં જ ફાવે !’
ભાણજીદાદા પછી બીજા નંબરે આવે જગુ ભદો ! ચાલીસેક વરસનો જગુ શરીરે જાડીયો પાડીયો. ઉપરથી આખા શરીરે કાળા કાળા વાળ ! એને તમે સાત સાત વાર નવડાવો છતાં એને પરસેવો જ એટલો બધો થાય કે પંદરમી મિનિટે એ નાહ્યા વિનાનો હોય એવો જ ગંધાય !
ત્રીજો શૌચવીર હતો ચીમન કલર. આ ભાઈ શેરડીના સાંઠા જેવો પાતળો ! ગામમાં દરજીકામની દુકાન તો ખરી જ, પણ સાથે સાથે જીભ પણ એટલી ચીંધરી (અણીદાર) કે એનું નામ ‘ચીમન કાતર’ પડી ગયેલું. એ હંમેશા બાંય વગરનું બનિયાન અને લીટીવાળો પાયજામો પહેરીને ફરતો દેખાય. (હા ભાઈ હા, ‘ઝાડે ફરતો’ પણ આ જ વેશમાં, બસ?)
આ ત્રણેને એક ‘ગેંગ’ બનાવતી કોમન કડી હતી : કબજીયાત ! એક વાર ‘બેઠક’ પછી મિનિમમ અડધો કલાક તો ખરો જ ! એમાંય પેલો ચીમન કાતર તો પોતાનો ટ્રાન્ઝિસ્ટર રેડીયો સાથે લઈને બેસે !
આ ત્રણ ‘શૌચવીરો’નું જોઈને ગામના બીજા દસ બાર જણા પણ એ જ ગટરમાં સવાર સવારના પોતપોતાનાં ડબલાં લઈને બેસી ગયા હોય ! આ દૃશ્ય જોઈને ‘જયભારત’માં ગલ્લે બેઠેલો વિનુ સખ્ખત અકળાય પણ શું થાય ?
વિનુની અકળામણનું બીજું પણ એક કારણ હતું. (ખરેખર તો ‘ત્રણ’ કારણ હતાં. શી રીતે ?) પેલા જે ત્રણ શૌચવીરો હતા તેમની ‘પાદશક્તિ’ પણ ગજબની હતી ! એમની વા-છૂટ એટલી હદે ગંધાય કે રોડની સામેની બાજુ ‘જયભારત’ના ગલ્લે બેઠેલા વિનુના નાક સુધી એ ગંધ પહોંચે !
એમાંય વિનુ તો હવે ત્રણ અલગ અલગ ગંધ પારખતો થઈ ગયેલો ‘આ… હહરીના ભાણજી દાદાએ મૂકી ! અને આ નક્કી ચીમન કાતરે કાલે રાતના વાલની દાળ ખાધેલી લાગે !’ કેરીની સિઝનમાં તો બાકીના જે મુલાકાતીઓ હતા એમના ‘ઉત્સર્ગ’મા આફૂસ, લંગડો કે તોતાપુરીની ફ્લેવરો ઉમેરાતી હતી !
તમને આવું બધું વાંચીને હસવું આવતું હશે, પણ વિનુ માટે હવે આ પાણી ‘નાક’ સુધી આવી ગયાં હતાં. તેણે બે ચાર વાર આ શૌચવીરો સાથે માથૂકટ કરવાની કોશિશ કરી જોઈ પણ પેલા ત્રણેય શૌચવીરો પોતાનું ‘દબાણ’ છોડવાની બાબતે ટસથી મસ થતા નહોતા.
આખરે વિનુએ નવો અખતરો શરૂ કર્યો. તેણે કાંકરા મારવાના ચાલુ કર્યા ! પોતે જ્યાં બેઠો હોય ત્યાંથી તો પેલી શૌચગેંગનાં માથાં જ દેખાય ને ? એટલે વિનુ પોતાના ગલ્લેથી બહાર આવીને સટાસટ કાંકરા મારે ! એકાદ બે જણાના માથે વાગે અને તેઓ હજી ઊભા થવા જાય ત્યાં વિનુ બારણાં પાછળ લપાઈ જાય !
પણ એકવાર ભાણજી વલ્લભની ટાલ પર એવો જોરથી કાંકરો વાગ્યો તે દાદો બેઠો હતો ત્યાંથી ઉછળ્યો ! અને એ જ ઘડીએ વિનુ નજરમાં ઝડપાઈ ગયો !
પછી તો શું ? ભાણજીદાદાની આગેવાનીમાં આખી શૌચગેંગ ‘જયભારત’ના ઓટલે પહોંચી ગઈ ! પેલા ત્રણે શૌચવીરોએ પોતપોતાની આકરી ભાષામાં વિનુના બાપાને ધમકી આપી કે ‘અવે પછી જો તારો પોયરો આમ કાંકરીચાળો કરતો દેખાયો છો તો તારી હોટલના ઓટલે અમારાં ડબલાં ભરીભરીને ગટરનું મેલું પાણી ઠાલવી જહું !’
વિનુના બાપા બિચારા ઢીલા એટલે સામું કંઈ બોલ્યા નહીં. ઉપરથી વિનુને ખખડાવ્યો. ‘તું તારી મેળે ગલ્લે બેહનીં ? ભણવામાં તો કંઈ ભલીવાર નીં મલે, અવેં હરખો ધંધો કરતાં તો હીખ ?’ (શીખ)
વિનુ ગમ ખાઈ ગયો. પણ એ કંઈ ઓછો નહોતો. નિશાળમાં પણ એ ભણવા કરતાં તોફાની બારકસ તરીકે વધારે જાણીતો હતો. વિનુએ હવે નવી તરકીબ અજમાવી…
એ હવે સવાર સવારના બે માળવાળી હોટલના ધાબા ઉપર ચડી જતો ! ત્યાં તેણે મોટા મોટા પથરા સંઘરી રાખેલા ! લાગ જોઈને રોજના એકાદ બે મોટા પથરા પેલી ગટરમાં લાઈનસર બેઠેલા મુલાકાતીઓ ઉપર નાંખે !
એ પથરો કોઈવાર ‘છપ્પાક’ કરતો કોઈની પૂંઠની પાછળની બાજુએ પડે ! કોઈવાર એકાદ જણાનું ડબલું ગબડાવી નાંખે ! તો કોઈવાર બરાબર પાકું નિશાન લાગ્યું હોય તો માથા ઉપર જ વાગે !
‘એની બેનને.. આ પથરા કોણ મારતું છે ?’ કરીને પેલો ઊભો તો થાય, પણ કોઈ દેખાય તો ને ? એમને શંકા તો જાય કે ‘પેલો હોટલવાળો વિનિયો જ ઓહે’ પણ એ તો ગલ્લે દેખાય નહીં ?
પરંતુ એકવાર વિનુ પેલા જાડીયા જગુ ભદાની નજરે ચડી ગયો ! ‘ઓત્તારી ! આ તો હહરીનો વિનિયો ! એ જુવો, ધાબા પરથી નાઠો !!’
વિનુની આ ઉશ્કેરણી ભારે પડી. જે રીતે તોફાની તત્વો પોલીસચોકી ઉપર હુમલો કરે છે એ જ રીતે પેલા ત્રણ શૌચવીરોની આગેવાનીમાં આખા ટોળાંએ ‘જયભારત હોટલ’ ઉપર હુમલો કર્યો. હુમલો પણ જેવો તેવો નહીં ! અગાઉ આપેલી ચેતવણી મુજબ ડબલે ડબલાં મેલું પાણી ભરી ભરીને ઓટલો ‘રંગી’ નાંખ્યો !
આ વખતે તો વિનુના બાપાએ એને મારવા જ લીધો હોત. પણ બિચારા સ્વભાવના ઢીલા એટલે ખખડાવીને કહી દીધું ‘આજ પછી તારે હોટલના ગલ્લા પર બેહવાનું બંધ ! તું જીંદગીમાં રખડી જ ખાવાનો !’
બાપાના એક ટોણાથી પંદર સોળ વરસનો વિનુ ‘રખડુ’ બની ગયો. એમાં અમુક રખડેલ છોકરાઓની સંગતમાં એને એક નવી ચીજ જોવા મળી… એ છોકરાઓ ક્યાંકથી પેટ્રોલ ચોરી લાવે અને પછી એમાં ગાભો બોળીને ઊંડો શ્વાસ ખેંચીને ‘નશો’ કરે !
વિનુને એ નશાવાળું તો માફક ન આવ્યું પણ એણે બીજું એક કૌતૂક જોયું ! એણે જોયું કે વધ્યું ઘટ્યું પેટ્રોલ જો પાણીમાં નાખીએ તો તે પાણી પર ‘તરે’ છે ! બસ… હવે એને નવું અને 'અકસીર' પરાક્રમ સુઝ્યું !
એક સવારે એ ડબલામાં પેટ્રોલ ભરીને ગટરમાં ઉતર્યો. પછી ધીમે ધીમે વહેતા ગંદા પાણીમાં તેણે પેટ્રોલ રેડવા માંડ્યું… અમુક જણ બેઠા બેઠા જુએ છે કે ‘હહરીનો વિનીયો આ હું કરતો છે ?’
જેવો એ રેલો ગટરમાં બેઠેલા મોટાભાગના લોકોની નીચે પહોંચ્યો કે તરત વિનુએ પાણીમાં તરી રહેલા પેટ્રોલમાં માચિસ વડે આગ ચાંપી દીધી !
ભડભડ કરતી આગ તો પાણીના રેલા કરતાં દસ ગણી સ્પીડે આગળ પહોંચી ગઈ ! હજી ત્યાં ‘બેઠેલા’ લોકો કંઈ સમજે, વિચારે (અમુકની તો પીઠ એ તરફ હતી એટલે દેખાયું પણ નહીં) ત્યાં તો પાંચ સાત જણા આગના ભડકાથી ‘ચોક્કસ’ જગ્યાઓ દાઝી ગયા !
એમાંય પેલો શૌચવીર નંબર વન, ભાણજીદાદો, એમનું સમગ્ર ધ્યાન કબજીયાતને કારણે ‘જોર’ કરવામાં હતું એટલે પીઠ તરફ આવતી આગની જ્વાળાઓની બરોબર લપેટમાં આવી ગયો !
એ લપેટના કારણે ભાણજીદાદાની હાલત તો એટલી ખરાબ થઈ ગયેલી કે ચાર પાંચ દિવસ સુધી તો પહોળા પગ રાખીને ચાલવું પડતું હતું ! લોકો પૂછે કે ‘ડોહા, કેમ આમ પહોળો ચાલતો છે ?’ તો જવાબ આપવાને બદલે મારવા દોડતો હતો !
જે હોય તે, પછી આપણા વિનુની અકસીર ચાવી પેલા શૌચવીરોના તાળામાં બરોબર લાગુ પડી ગઈ હતી !
વિનીયો રોજ સવારે પેટ્રોલ ભરેલું ડબલું લઈને ગટરમાં પહોળા પગ કરીને ઊભો રહેતો હતો… કોઈ ગટરમાં બેસતો દેખાય કે તરત ડબલું દેખાડીને પૂછતો : ‘આ રેડું કે ?’
***
-મન્નુ શેખચલ્લી
(કથાબીજ : વિનોદ જોશી - ડીસા)
વાચક મિત્રો, આપના ધ્યાનમાં આ પ્રકારના રમૂજી કિસ્સા હોય તો તે પત્ર દ્વારા અથવા ઈમેલ કરીને મોકલી શકો છો.
ઇમેઇલ : havamagolibar@gujaratsamachar.com
પત્ર માટે : ગુજરાત સમાચાર કાર્યાલય, ખાનપુર, અમદાવાદ-૧
અથવા ડાયરેકટ મને મોકલી શકો છો
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment