આપણે વિશ્વગુરુ તો ઓલરેડી છીએ જ ! પણ જ્યારે ભારત દુનિયાની ઇકોનોમી નંબર વન બની જશે ત્યારે કેવો સીન હશે ?...
***
મોબાઈલ ફોનના ઉત્પાદનમાં ભારતનો વર્લ્ડ રેકોર્ડ હશે કેમકે છ-છ મહિનાના બાળકના હાથમાં પણ પોતાનો મોબાઈલ હશે !
***
કારોની સંખ્યા તો એટલી બધી વધી જશે કે અમદાવાદ-મુંબઈ હાઈવે પર થતો ટ્રાફિક જામ ૫૦-૬૦ કિલોમીટરનો હોય એ તો ‘કોમન’ જ હશે !
***
બેંગ્લોરમાં તો એટલો જબરદસ્ત વિકાસ, સોરી, ટ્રાફિક જામ હશે કે લોકો કારમાં જ ઘર બનાવીને રહેતા હશે ! એને ‘વર્ક ફ્રોમ કાર’ કરતા હશે…
***
છતાં ભારતના બજેટનો સૌથી મોટો ભાગ રોડમાં પડેલા ખાડા પુરવામાં જ ખર્ચાઈ જતો હશે ! (કેમ કે અડધા ખાડા તો ‘ઓન પેપર’ જ હશે ને !)
***
શેરબજારમાં એટલી બધી તેજી હશે કે કોઈ કંપનીના ડિરેક્ટરને છીંક આવે એમાં રોકાણકારોનું ૫૦-૬૦ લાખ કરોડનું ‘ધોવાઈ’ થઈ જાય એ તો રોજની ઘટના હશે !
***
છોકરાંઓને ભણાવવા માટે રોબોટ હશે અને હોમવર્ક કરવા માટે છોકરાંઓએ એઆઈ આસિસ્ટન્ટો રાખ્યા હશે. (ચેટ જીપીટી તો બોસ, બાલમંદિરનો કોર્સ હશે !)
***
ભારત ઓનલાઈન ફ્રોડમાં પણ દુનિયામાં નંબર વન હશે ! (કંઈ એમ ને એમ નંબર વન ઈકોનોમી થઈ ગઈ? આખી દુનિયાને લૂંટતા હોઈશું !)
***
અંબાણી, અદાણી જેવા અબજોપતિઓ તો સ્પેસમાં જ રહેતા હશે ! (જમીન ઉપર તો ગરીબો જીવે) અને વંદા, મચ્છર, માખી, કરચલા, મંકોડા જેવી વાઈલ્ડ-લાઈફ માટે સ્પેસમાં જ એક ‘વનતારા’ સ્ટેશન હશે !
***
નકલી જજ, નકલી ઓફિસર, નકલી મિનિસ્ટર… એ બધું તો જુનું થઈ ગયું હશે ! એ વખતે તો એક આખું ‘નકલી ઇન્ડિયા’ પકડાશે ! વિકાસ ભાઈ વિકાસ…
***
અને છતાં હેપ્પીનેસ ઇન્ડેક્સમાં તો ભારતનો નંબર ૧૧૭મો જ હશે ! તમે જોજો.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment