જો તમે રાજકોટથી ગોંડલ તરફ જતી પેલી ખડખડપંચમ જેવી લોકલ એસટી બસમાં જતા હો અને એ બસ સાવ ખાલી હોવા છતાં જો એના દરવાજે બરોબર સળિયો ઝાલીને સતત ઊભા જ રહેલા કોઈ કાકાને જુઓ તો સમજી જવું કે એ અમારા કોદરકાકા હશે !
‘કાકા, બેહી જાવ ને ? આટલી બધી સીટું ખાલી પડી છે, છતાં કેમ આંયાં ઊભા છો ?’
આવું કોઈ કહે ત્યારે એમનો જવાબ ફિક્સ જ હોય : ‘બસ, એક બે સ્ટોપ પછી ઉતરી જ જાવું છે.’
પરંતુ બે શું, છ ગામડાં જતાં રહે છતાં કોદરકાકા જાણે ખખડેલી બસનું બારણું ચોકીદારની જેમ સાચવવા માટે જ જન્મ્યા હોય એમ ત્યાં જ સળિયો ઝાલીને અડીખમ ઉભેલા દેખાય !
ઉતરનારા પેસેન્જરોમાં ક્યારેક કોલેજના જુવાનિયાઓ હોય તો કોદરકાકાની ફીરકી લે, ‘કાકા, જરીક આઘા ઊભા રે’તા હો તો ? કે પછી અમારા હડદોલા ખાવાનો મજો લ્યો છો ?’
તરત જ કોદરકાકો છંછેડાય જાય : ‘એ વાંદરીના ! તું તારી મેળે ઉતરતીનો હોય તો ઉતર ને ? નકર હમણાં ખાઈશ મારા અવળા હાથની !’
બસના કંડક્ટરો પણ ટેવાઈ ગયેલા. એમણે તો કંઈ કહેવાનું જ બંધ કરી દીધેલું. છતાં એમના ખભે લટકતો મોટો ચોરસ આકારનો પહોળો ઝોલો જોઈને પૂછે ‘કાકા, આમાં હું છે ?’
‘બંગડીયું !’ કાકા તોછડાઈથી સામું વડચકું ભરે, ‘બોલ, તારે પે'રવી છે ?’
હા, કોદરકાકાના ખભે દરજી પાસે ખાસ સીવડાવેલો એક ચોરસ આકારનો ઝોલો હતો. એ ઝોલામાં કાચનું હરતું ફરતું ‘શો-કેસ’ હતું ! અઢી બાય અઢી ફૂટના એ શો-કેસમાં સત્તર પ્રકારની બંગડીઓને એનાં નાનાં નાનાં ખાનામાં ખોસેલી હોય.
એ ઉપરાંત કોદરકાકાના ખભે બીજા બે થેલા હોય, એને તમે ‘ગોડાઉન’ કહી શકો ! કેમકે એમાં પણ અલગ અલગ ખોખાંમાં બંગડીઓ જ હોય ! અને હા, બે ચાર ખોખામાં ‘બક્કલો’ હોય (એ જમાનામાં સ્ત્રીઓ પોતાના વાળમાં જે રંગબિરંગી ડિઝાઈનવાળી હેર-પિનો ખોસતી, તેને ‘બક્કલ’ કહેતા.)
અડધી પડધી વધેલી દાઢી, વારંવાર સરકીને નાક પર આવી જતાં જાડા ચશ્મા, ઇસ્ત્રી કર્યા વિનાનાં પેન્ટ અને બુશકોટ, પગમાં દેશી મોચી પાસે સીવડાવેલી મજબૂત ચંપલ અને ગળામાં મેગાફોનના ભૂંગળા જેવો બુલંદ અવાજ…
‘એઈ…. બક્કલ બંગડીઈઈ…’
આવી આલબેલ પોકારતા કોદરકાકા જ્યાં કોઈ ગામના ફળિયામાં પ્રવેશ કે તરત ત્યાંના ટાબરિયાં એમના ચાળા પાડતાં બોલી જ ઊઠ્યા હોય :
'એઈ… કાકાની અક્કલ બગડીઈઈઈ !’
બસ, પછી ફળિયામાં મજેદાર જોણું થાય ! કોદરકાકો મણમણની જોખાવતો ટાબરિયાં પાછળ દોડતો હોય અને ટાબરિયાં જાણે ફળિયાને કબડ્ડીનું મેદાન બનાવીને કોદરકાકાનો ‘દાવ’ લેતા હોય !
ખેર, થોડી વારે આ શમી જાય ત્યાં સુધીમાં ફળિયામાં વહુઓ, છોડીઓ અને બૈરાંઓને ખબર પડી જાય કે ‘કોદરકાકો આઈવો લાગે…’ (એક રીતે જોવા જાવ તો કોદરકાકાનું આ ‘એડવર્ટાઇઝિંગ ગિમિક’ હતું !)
કોદારકાકો એકાદ મોટા ઘરનો ઓટલો શોધીને બેઠક જમાવે. એમના ઝોલામાંથી પેલું શો-કેસ કાઢીને ખુલ્લું મુકે ત્યાં સુધીમાં ફળિયાની છોકરીઓ અને વહુઓ આવી પહોંચી હોય.
‘કાકા ઓલી બતાવો ને…’ ‘આ સું ભાવ દીધી…’ ‘મેં તમને કીધું તું ઈ નો લાઈવા…?’ ‘આમાં બીજો કોઈ રંગ નથી..?’ એમ એકસામટી મળીને કલબલાટ કરી મુકે !
આપણને થાય કે અલ્યા, આ કાકો દર પંદર-વીસ દહાડે આ ગામમાં આવે છે (એ જ રીતે બીજા ગામડામાં પણ જાય છે) છતાં દર વખતે આ મહિલા મંડળ શા માટે આટલું હરખથી એમની બંગડીઓ વ્હોરવા ઉમટી પડતી હશે ?
તો સિક્રેટ એ હતું કે કોદરકાકાને છેતરીને એ વહુ-છોડીઓ થોડી બંગડીઓ અંદરોઅંદર એકબીજીને બતાડવાને બહાને સેરવી લેતી હતી !
એટલું જ નહીં, કોદરકાકાને હિસાબમાં પણ ગોથાં ખવરાવે ! ‘કાકા, ત્રણ રૂપિયે ડઝનવારી તો ચાર જ લીધી… ને બે રૂપિયે ડઝનવારી છ થઈ… ઈમાંય તમને લીલા રંગની પાછી નો દીધી ? ને કેમ, ભૂલી ગ્યા, આ ઝરીવાળી તો ગઈ ફેરા નાની પડતી તી, ઈના બદલામાં હમણાં આ સાદી લીધી… કાકા, તમેય હાવ ભૂલકણા છો !’
કોદરકાકા જ્યારે ઓટલેથી ઊભા થાય ત્યારે સરવાળે તે ખોટમા જ હોય. છતાં એમનું મગજ તર-બ-તર હોય !
પૂછો કેમ ? કેમકે તમે જ કહો, આ ઉંમરે, આવા દેદારવાળા કાકાને કઈ જુવાન છોકરીઓ અને વહુવારુઓ પોતાનો હાથ પકડવા દે ?
એ તો ઠીક, કોદરકાકો પણ બડો ચાલાક ! એ જાણીજોઈને પહેલાં તો નાની સાઈઝની બંગડીઓ પહેરાવી દે ! પછી પાછી કાઢવાને બહાને છોકરીઓનાં રૂપાળાં કાંડા પંપાળવાની મજા લેતા હોય !
આમ જોવા જાવ તો દરેક બંગડીવાળો સામેવાળીનું કાંડુ શી રીતે પકડવું, શી રીતે સ્ત્રીની આંગળીઓ તથા અંગૂઠાને ચોક્કસ રીતે ‘ગ્રીપ’માં લઈને તેની ઉપર બંગડીઓ સરકાવી દેવી એ કળામાં માહેર જ હોય. પરંતુ કોદરકાકા પાસે એક વધારાનો ‘કસબ’ હતો.
એ હતો બંગડીઓને ‘ઉતારવાનો’ સુગંધીદાર કસબ ! એકવાર નાની સાઈઝની બંગડીઓ પહેરી લીધા પછી છોકરીઓ કે વહુઓને તેને જાતે તો પાછી કાઢી ના શકે ? ત્યારે કોદરકાકો થેલામાંથી એક ખાસ પ્રકારની શીશી કાઢે ! એમાં કેવડા કે ગુલાબના અત્તરથી મઘમઘતું ચોક્કસ પ્રકારનું તેલ હોય !
કોદરકાકો બહુ પ્રેમથી છોડીનો હાથ પોતાના હાથમાં લે… પેલું તેલ ચોપડતો જાય અને કહેતો જાય ‘અરે ગાંડી ! કાંઈ નો થાય… જો અબઘડી તારી બંગડીયું ઉતરી જાશે… બસ તું તારું પોંચું નરમ રાખ્ય, મારી માડી !’
એમાંય જો વળી કોઈ કન્યા સિસકારો કરે તો કાકો ઔર મજો લ્યો : ‘આલેલે ! આ તો બવ નમણી નાગરવેલ, બા ! હજી આટલી બંગડીમાં આટલી કલવાઈ ગઈ ન્યાં લગન પછી તો હું થાહે ?’
આવી વાતે કોદરકાકાને ખભે એકાદ મીઠી થપ્પડ પણ પડી જાય ! પણ કોદરકાકો પોતાનું ડાચું સતત બાઘા જેવું જ રાખે, એમાં એ બચી જાય !
એમ તો કોદરકાકાનાં ઘરાક મોટી ઉંમરવાળાં બૈરાં પણ ખરા. પરંતુ કોદરકાકો એમને એમજ કહીને ‘કિનારે’ રાખે કે ‘આ છોડીયુંનું પતવા દ્યો ને, પછી તમારે વળી ક્યાં હાલ ને હાલ પિયર વઈ જાવું છે ?’
કોદરકાકો આમ દર વખતે ખોટનો ધંધો કરે એટલે એમનાં ઘરવાળાં બહુ અકળાય. ‘આ તમે દર ફેરી હંધેયથી છેતરાઈને આવો છો, ઇના કરતાં આ ધંધો જ બંધ કરતા હો તો ?’
ત્યારે કોદરકાકો સામો હુમલો કરે ‘તમને બૈરાંવને ધંધામાં હું હમજ પડે ? હું કાંઈ છેતરાઈ આયવો નથ ! આ તો ચા અને ચવાણામાં વપરાઈ ગ્યા હઈશે !’
હા, કોદરકાકાની આ બીજી ‘લત’ હતી ! એમને એક તો ઘરની ચા ખાસ ફાવે નહીં, અને જ્યારે બંગડીઓ વેચવા જાય ત્યારે બે ચાર ચોક્કસ ઠેકાણે ‘ચા’ પીવા બેસી જાય !
તમને થાય કે ચા પીએ, એમાં વળી શું ? પણ ના. કોદરકાકો દર વખતે ચાર-પાંચ ચા ઠોકી જાય ! અને સાથે એમને એકાદ શેર જેટલું ચવાણું પણ જોઈએ ! છોકરાંઓએ આની પણ ચીડ પાડેલી : ‘ચાર ચા અને શેર ચવાણું !’
એ જમાનામાં કોદરકાકા એમનો જથ્થાબંધ સામાન રાજકોટના બજારમાંથી ઉધારીમાં લાવે. પછી રૂપિયા વાળવાના આવે ત્યારે કાકો તો ‘માઈનસ’માં જ હોય ? એટલે રાજકોટના વેપારીનું પોસ્ટકાર્ડ આવે :
‘તમોએ લીધેલ માલની ઉઘરાણી કર્યાને છ મહિના થયેલ હોવા છતાં તમોએ લીધેલ માલના રૂપિયા ચૂકવેલ નથી. તો હવે હમો શું કાર્યવાહી કરીએ તે જણાવશો.’
કોદરકાકો કંઈ જવાબ વાળતો હશે ? એ તો કોઈ બીજા વેપારીને ત્યાંથી ઉધારીમાં માલ લઈ આવે ! એવામાં અગાઉના વેપારીની ધીરજ ખૂટી જાય એટલે કોદરકાકાના ઘરે જબરા દેખાતા ઉઘરાણીવાળાને મોકલે !
હાથમાં લાકડીઓ સાથે ઉઘરાણીવાળા એમને ધમકાવે ત્યારે કોદરકાકો દર વખતે ગુસ્સામાં આવીને ડાયલોગ મારે : ‘મને તું હમજે છે હું ? હું ગાય-કૂતરાનું ખાઈશ, પણ તારા રૂપિયા ચૂકવ્યા વના, ઉપરવાળો તેડવા આવે તોય નંઈ જાવ !’
ખેલ, આવું વરસો લગી ચાલ્યું. છેવટે જ્યારે કોદરકાકાના દીકરાઓ કમાતા થયા ત્યારે જબરદસ્તી કરીને બાપાને ઘરે બેસાડવાની ફરજ પાડતા. ‘હજી શું ધંધો કર્યા વનાના રે’ઈ ગ્યા તા ? જંપીને ઘરમાં બેહી રીયો ને ?’
કોદરકાકો એકાદ મહિનો ઘરમાં પગ વાળીને બેસે ય ખરા. પણ પછી કોણ જાણે ક્યાંથી થોડા રૂપિયાનો વેંત કરીને ગામડાંઓમાં નીકળી પડે : ‘એઈ… બક્કલ બંગડીઈઈઈ….!’
મૂળ શું, કે પોચા નમણા હાથ પકડવાનો ‘નશો’ એમ કાંઈ સહેલાઈથી થોડો ઉતરે ?
***
-મન્નુ શેખચલ્લી
(કથાબીજ : અનંતભાઈ પટેલ - ગાંધીનગર)
વાચક મિત્રો, આપના ધ્યાનમાં આ પ્રકારના રમૂજી કિસ્સા હોય તો તે પત્ર દ્વારા અથવા ઈમેલ કરીને મોકલી શકો છો.
ઇમેઇલ : havamagolibar@gujaratsamachar.com
પત્ર માટે : ગુજરાત સમાચાર કાર્યાલય, ખાનપુર, અમદાવાદ-૧
અથવા ડાયરેકટ મને મોકલી શકો છો
E-mail : mannu41955@gmail.com
મઝા આવી ગઈ.. કોદરકાકો કેવું પડે... અભિનંદન અને શુભકામના 🌹🌹
ReplyDelete