અન્ય દાવેદારો 'શાંતિ'ના... !

‘સો ચૂહે મારકર બિલ્લી….’વાળી કહેવતને સાર્થક કરનારા ટ્રમ્પને ‘શાંતિ’નું નોબેલ પ્રાઈઝ જોઈએ છે ! પણ થોભો… અહીં આપણા દેશમાં જ ‘શાંતિ’ના ઘણા દાવેદારો છે…

*** 

મનમોહન સિંહ :
સળંગ દસ વરસ સુધી, અને ખાસ તો ૨૦૦૮ના મુંબઈ આતંકવાદી હુમલા પછી એમણે ‘શાંતિ’ જ રાખી છે ! એટલું જ નહીં, એમણે તો પાકિસ્તાન સાથે છ-છ વરસ લગી ‘શાંતિમંત્રણાઓ’ કરી છે ? કેમ ભૂલાય ?

*** 

અમિત શાહ :
મણિપુરમાં જ્યારથી સળગ્યું છે ત્યારથી છેક આજ સુધી એમણે ‘શાંતિ’ સ્થાપવાના જ પ્રયાસો કર્યા છે ને ? જો મનમોહનસિંહને ક્રેડિટ આપો છો તો અમિતભાઈને કેમ નહીં ?

*** 

કેજરીવાલ :
જ્યારથી દિલ્હીની ચૂંટણી હાર્યા છે ત્યારથી ગઈકાલ લગી આ માણસ ‘શાંત’ બેઠો છે ! અરે, ‘ઓપરેશન સિંદૂર’ પછી પણ ? બહુ કહેવાય..

*** 

બોલીવૂડ સ્ટાર્સ :
ભારત પાકિસ્તાન યુધ્ધ વખતે તો એમણે શાંત રહીને ‘શાંતિ’ની જ તરફેણ કરી હતી, સૌ જાણે છે ! પરંતુ જ્યારે ઇઝરાયેલ ઇરાન વચ્ચે યુધ્ધ ફાટી નીકળ્યું ત્યારે પણ કેટલી ‘શાંતિ’ જાળવી રાખી છે !

*** 

મમતા બેનરજી :
આ દીદીની જીભમાં કંઈ થઈ તો નથી ગયું ને ? કોઈ ચેક કરાવો, પ્લીઝ ! જો આમ જ ચાલ્યું તો ટ્રમ્પનો ચાન્સ જોખમમાં છે !

*** 

મોદી સાહેબ :
આ ઓપરેશન સિંદૂર પછી શી ખબર એમની શું જાદૂઈ લાકડી (કે ડંડો) ફરી વળી છે કે, વિરોધ પક્ષો સાવ મુંગામંતર બની ગયા છે ! નિતિશકુમાર પણ ચૂપ ? ચંદ્રાબાબુ નાયડુ પણ ચૂપ?... યે હો ક્યા રહા હૈ ?

*** 

ગુજરાત રાજ્યના લોકો :
ખરેખર તો આખું ગુજરાત શાંતિ પુરસ્કારને લાયક છે ! કેમકે ૨૦૦૨માં કોમી રમખાણો થઈ ગયાં એ થઈ ગયાં… એ પછી સળંગ ૨૩ વરસની ‘શાંતિ’ છે ! યુનોવાળા પ્લીઝ ધ્યાન આપે…

*** 

તમે...
જી હા, તમે તમારા ઘરમાં પણ શાંતિ લાવી શકો છો ! શી રીતે ? બસ, કોઈપણ હિન્દી ન્યુઝ ચેનલને ફૂલ-વોલ્યુમમાં દસ મિનિટ સુધી ચાલુ રાખો… પછી ‘ભપ્પ’ કરીને ટીવી જ બંધ કરી દો ! જુઓ, કેવી જોરદાર શાંતિ લાગે છે…

***

- મન્નુ શેખચલ્લી

Comments