બીરજુ બેન્ડવાલાની 'રમઝટ' શરત !

‘બીરજુભાઈ, આમાં તો તમે સરટ હારી જવાના !’

‘વાતમાં હું માલ છે ? આ બીરજુ બેન્ડવાલો આજ લગી એક બી સરટ હાઈરો નથી. આ વખતે બી જીતીને બટલાવું !’

આ વાત છે અમારા લીલાપોર ગામના બેન્ડ માસ્ટર બીરજુ બેન્ડવાલાની. આમ જુવો તો લીલાપોર નાનું સરખું ગામ છે પણ ઔરંગા નદીને પાર કરો કે તરત આવે વલસાડ. અને વલસાડમાં એમની નાની સરખી દુકાન પર રંગીન પાટિયું મારેલું જોવા મળે:

રમઝટ બેન્ડ’
કોઈપણ શુભ પ્રસંગે 
ભલભલાને નાચતા 
કરી દેવાની ગેરંટી.
પ્રો : બીરજુ બેન્ડવાલા

અહીં રંગીન પાટિયામાં જેની ગેરંટી લખેલી હતી એ બીરજુ બેન્ડવાલાની શરત રહેતી કે ‘તમારી જાનમાં મારા બેન્ડ પર જો વરરાજો નાચી નાચીને પરસેવે રેબઝેબ નીં થેઈ જાય તો પૈહા પાછા !’

જોકે વાત પણ ખોટી નહીં. બીરજુ બેન્ડવાલો એક હાથે પેલું ‘યામાહા’નું કી-બોર્ડ વગાડે, બીજી હાથે માઈક પકડી રાખે અને એક પછી એક એવાં એવાં ગાયનોની રમઝટ બોલાવે કે ભલભલા અકડુ ટાઈપના કાકાઓ પણ નાચતા થઈ જાય ! એમાંય જ્યારે બીરજુ કી-બોર્ડ છોડીને ઢોલ હાથમાં લે… તો તો વાત જ ના પૂછો !

બીરજુએ ગળામાં માઈક ગોઠવવા માટે ખાસ ટાઈપનું એક સળિયાનું ‘સ્ટેન્ડ’ બનાવડાવેલું ! આમાં તો બીરજુ માસ્ટરના બંને હાથ છૂટ્ટા થઈ જાય ! એ ગાતો જાય, ઢોલ વગાડતો જાય અને સાથે સાથે નાચતો પણ જાય !

આ રીમોટ માઈક્રોફોન તો હમણાં આવ્યાં પણ એ જમાનામાં માઈક સાથે વાયર લગાડેલો રહેતો. આમાં થતું એવું કે ઝનૂને ચડીને બીરજુ માસ્ટર ઢોલ વગાડતાં જો ફેર-ફૂદરડી લેવા માંડે તો માઈકનો વાયર આજુબાજુ વીંટળાઈ વળે ને ય એટલે એક છોકરો ખાસ એ વાયરને ‘ઉકેલવા’ માટે રાખતા હતા !

હવે તમે જ કહો, આવી ‘રમઝટ’ બોલાવનારો બેન્ડ માસ્ટર હોય તો કયો વરરાજો શરત જીતવાની લાલચમાં નાચવાનું છોડી દે?

પરંતુ આ વખતે જે લગન હતાં એમાં વરરાજો પુરા ૭૪ વરસનો એક ભગલો ‘ડોહો’ હતો ! 

ગામના લોકોને ડાઉટ હતો કે ‘હહરીનો ભગલો ડોહો એકવાર જરીક નાચે હો ખરો, પણ એની બેનને… ડોહાને આંખમા મોતિયો આવી ગેલો, મોઢામાં દાંતનું ચોકઠું પે’રે… ને લાકડી વગર તો ઘરની બા’ર પગ નીં મુકે ! તે ડોહો પરસેવે રેબઝેબ થાય તાં લગણ થોડો નાચવાનો ?’

બધાને હતું કે આ વખતે તો બીરજુ બેન્ડવાલો ‘સરટ’ હારી જવાનો !

આમ જુવો તો બીરજુ બેન્ડવાલાની એક અલગ જ પર્સનાલીટી હતી. હંમેશા તે વ્હાઈટ શર્ટ, વ્હાઈટ પેન્ટ અને વ્હાઈટ કલરનાં જૂતાં પહેરે. ગળામાં મસ્ત લાંબો લાલ કલરનો રૂમાલ ગાંઠ વાળીને બાંધેલો હોય, ઉપરથી આંખે કાળા ગોગલ્સ… અને વાળ ? બિલકુલ શમ્મીકપૂર સ્ટાઈલના, એમાંય બીરજુ આગળની લટોમાં મેંદી લગાડે !

આવો બીરજુ રંગમાં આવીને જેવી ‘યાઆઆહુ !!’ની શમ્મીકપૂર સ્ટાઈલમાં ત્રાડ પાડે એમાં જ એકાદ ડઝન જુવાનિયા નાચવા માટે કૂદી પડતા !

આમાં બીરજુએ વધુ એક ‘ગિમિક’ ઘૂસાડેલું. એ શું કરે કે જ્યારે જોનારાની ભીડ વધી જાય ત્યારે ઢોલના તાલે જોડકણું શરૂ કરે : ‘જોઈ હું રૈ’લા અ’વે જોડાઈ જાવ !’

અસલમાં આ તો ૧૯૭૪ના ‘નવનિર્માણ આંદોલન’ વખતે જે સરઘસો નીકળતાં તે સમયનું સૂત્ર હતું : ‘જોઈ શું રહ્યા છો, જોડાઈ જાવ !’ પણ બીરજુ માસ્ટરે રોયલ્ટી ચૂકવ્યા વિના તેનું ‘સુરતી રૂપાંતર’ કરી નાંખેલું !

આમ જોવા જાવ તો ‘રમઝટ’ બેન્ડની સફળતામાં આખી ટીમને યશ આપવો પડે કેમકે એમના ત્રણ ત્રણ ઢોલી, ચાર મોટાં ‘બ્રાસ’ પિપૂડાંવાળા, પ્લસ ખંજરીવાાળા અને એક ક્લેરિયોનેટવાળો… આ બધા ચેમ્પિયનો હતા. એમનું બીજું સિક્રેટ એમની ‘સિકવન્સીંગ’માં હતું.

સિકવન્સીંગ એટલે ? સમજો ને, કે શરૂઆત ધીમા ગરબાથી થાય કે ‘શેરી વળાવીને સછ કરાવું (સ્વચ્છ કરાવું) ગુણપતિ ઘેરે આવોને…’ પણ પછી ધીમે ધીમે ‘આધા હૈ ચંદ્રમાં, રાત આધી’ ‘રમૈયા વત્તા વૈયા…’ કરતાં કરતાં જમાવટ કરે ‘ઝૂમ બરાબર ઝૂમ શરાબી’ ‘તૂઉઉ ઔરોં કી ક્યૂં હો ગઈ’ અને છેલ્લે તો ‘બોલે તારારારા…’ ‘તૂણક તૂણત તૂન ધાધાધા’ સુધીમાં જાનને એવી તાન ચડાવે કે હજી નાચનારો હજી માંડ થોડો ઢીલો પડ્યો હોય ત્યાં નવા ગીતની એન્ટ્રી થતાં જ બમણી જોશથી ‘ધૂણતો’ થઈ જાય !

તમને કદાચ એમ હોય કે બીરજુ માસ્ટરની આખી ટીમ આટલી જોરદાર હોય તો ‘રમઝટ’ જામે જ ને ? પણ ના, એકવાર એવું બનેલું કે…

જાન વલસાડથી નીકળી જવાની હતી છેક મહારાષ્ટ્રમાં એક વિક્રમગઢ નામના ગામમાં ! ચાર લકઝરી બસો ભરાય એવી મોટી જાન હતી. બધાને મનમાં ગુમાન હતું કે ‘હહરીના વિક્રમગઢનાં ગામવારાં હો યાદ કરહે કે જબ્બરી જાન આવેલી ! બો’ નાચેલા… ને બો’ નચાવેલાં ! ભ્ભાઈ !’

પણ લોચો થયો સાવ અણધાર્યો... વાત એમ થઈ કે લાઉડ સ્પીકર ચલાવવા માટે જે મોટી પેટી જેવડી સાઈઝની બેટરી હોય તેની નીચે એક લાકડાનું પાટિયું ‘ખસી’ ગયેલું ! એમાં સાલી બેટરી ‘ઉતરી’ ગઈ !

હવે તમે પૂછવાના કે એમાં વળી શેની બેટરી ઉતરી જાય ? તો પ્રભુ, એવું છે કે જ્યારે હેવી વાહનો ચાલે ત્યારે એમાં એક પ્રકારનું મેગ્નેટિક ફિલ્ડ ઊભું થતું હોય… એટલે બસનો જે લોખંડના પતરાવાળો ફ્લોર હોય એના ડાયરેક્ટ સંપર્કમાં બેટરી આવે તો તેનો ‘પાવર’ ખેંચાઈ જાય !

આવું પાટિયું બેટરી નીચે તો મુકેલું જ હતું, પણ બોસ, છેક વલસાડથી વિક્રમગઢ સુધીનો રસ્તો હતો પુરા સાડા ચાર કલાકનો... એમાં વાજાંવાળાં ઊંઘી ગયા ! પેલું લાકડાનું પાટિયું ધીમે ધીમે કરતાં ક્યારે સરકી ગયું તેની કોઈને ખબર જ રહી નહીં !

હવે ? જાનૈયાઓને એમ કે 'એની બેનને અ’વે કેમ કરીને નાચવાના ? હાહરીની મઝા જ મરી ગેઈ !’

પણ બીરજુ માસ્ટર એમ કંઈ ગાંઠે ? એણે જોયું કે કન્યા પક્ષે પણ એક ‘ગરીબ’ ટાઈપનું બેન્ડ છે, જેમાં એક કેસિયો કી-બોર્ડ, એક માઈક અને બે ઢોલી છે. બીરજુએ સીધા જઈને એ બેન્ડવાળાને ‘હિન્દી’માં ઓફર આપી (કેમ કે બેન્ડવાળા મરાઠી હતા.)

‘યે ટુમેરે કા કેસિયો ને માઈક મેરે કુ દેટા હૈ ? ટુમેરે કો જિટના પૈહા મિલનાવારા હૈ, ઉસ કા ડબ્બલ પૈહા મેં દેટા હે, લે પકડ !’

એમ કરીને બીરજુએ ખિસ્સામાંથી નોટો કાઢીને પેલાના હાથમાં પકડાવી દીધી !

પછી તો શું ! નવજોત સિદ્ધુ કહે છે તેમ ‘તાકત બલ્લે મેં નહીં હોતી ગુરુઉઉ… બલ્લા ચલાનેવાલે મેં હોતી હૈ !’ એ રીતે પેલું રમકડાથી સ્હેજ મોટી સાઈઝનું કેસિયો અને સસ્તામાંનું મામૂલી માઈક હાથમાં આવતાં જ બીરજુ માસ્ટરે અને એમની ટીમના ઢોલીઓએ જે ‘રમઝટ’ બોલાવી છે !!

તમને થતું હશે કે આ મન્નુભાઈએ સ્ટોરીની શરૂઆત જે પેલા ૭૪ વરસના ભગલા ડોહાથી કરેલી, તેનું શું થયું ? તો સાંભળો…

જાન વાજતે ગાજતે ૪૪ વરસની કન્યાને માંડવે પહોંચી ત્યાં સુધી તો ભગલો ડોસો બેસી જ રહેલો. પણ મંડપ પાસે આવ્યા પછી બધાના આગ્રહથી ‘ચાલ, જરીક નાચી બતલાવું’ એમ કરતાં ઊભો થયો.

બીરજુ માસ્ટરને આટલું જ જોઈતું હતું ! એણે શરૂઆત તો જુના ફિલ્મ સ્ટાર ભગવાન દાદાનાં સ્લો ગાયનોથી કરી : ‘ભોલી સૂરત દિલ કે ખોટે…’ ‘શામ ઢલે ખિડકી તલે તુમ સીટી બાજના છોડ દો…’ 

આવાં જુનાં ગાયનો ઉપર ડોસાને ડોલાવ્યા પછી લય વધારતાં ‘ગોવિંદા આલા રે…’ ‘જા રે હટ નટખટ, ના છેડ મેરા ઘૂંઘટ..’ ઉપર ડોસાને રેલાતી ચાલે રમતો કર્યો.

એ પછી જ્યારે ‘ધીરે સે જાના ખટિયન મેં, ઓ ખટમલ.’ જેવું ‘રંગીલું’ ગાયન આવ્યું ત્યારે ભગલો ડોસો ચગ્યો !

એમાં વળી જ્યારે વરરાજાને પોંખવા વરની સાસુને આવતાં જરીક વાર લાગી ત્યાં બીરજુ માસ્ટરે ચાલુ કર્યું ‘તેરે દ્વાર ખડા એક જોગી… ના માંગે યે સોના ચાંદી માંગે દરશન દેવી તેરે…’

આમાં તો ભલો ડોસો લાકડી ઘુમાવીને નાચતો થઈ ગયો ! પણ ખરી મજા ત્યારે શરૂ થઈ જ્યારે બીરજુ માસ્ટરે અચાનક ચાલ બદલીને દક્ષિણ ગુજરાતનું દેશી લગ્નગીત અસલી લહેકામાં શરૂ કર્યું :

ઓ વેવાણ… તારો જમાઈ આઈવો !
દારૂનો બાટલો લાવજે… તારો જમાઈ આઈવો !’

આમાં તો ડોહો ખરેખર બાટલીની જેમ જ ઝૂમવા લાગ્યો ! બીરજુએ હવે ધીમે ધીમે સ્પીડ વધારવા માંડી ‘તારો જમાઈ આઈવો !! બાટલો લાવ તારો જમાઈ આવો !'

ભગલા જમાઈને નાચતો જોઈને ૬૪ વરસનાં વેવાણ પણ રંગમાં આવી ગયાં ! એ જોઈને બીરજુએ ફટકાર્યું ‘નાચ રે વેવાણ નાચ ! તારો જમાઈ આઈવો…’

સાસુને નાચતી જોઈને ડોસો ઔર ચગ્યો ! બીરજુએ ઔર સ્પીડ પકડી ! છેવટે… વરરાજાને ખરેખર પરસેવો છૂટી ગયો અને તે ડોળા અધ્ધર ચડાવીને ઢળી પડ્યો !

હોહા મચી ગઈ ! 

વરરાજાને મંડપમાં લઈ જવાને બદલે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો ! 
આ બાજુ આવો તમાશો જોઈને પેલી ૪૪ વરસની ‘કન્યા’એ ના પાડી દીધી : ‘આવા ડોહાને મેં નીં પણવાની !’

આખરે લગ્ન તો કેન્સલ જ થયાં પણ આપણા બીરજુ બેન્ડવાલાએ હોસ્પિટલના આઈસીયુની બહાર ‘ઊભેઊભ’ ઉઘરાણી કરી કે ‘મારા પૈહા આપી દેવો ! સરટ વરરાજાને નચાવવાની ઉતી, તે મેં નચાઈવો કેનીં ? અવે વરરાજા જ મરી ગિયો તો મેં નીં જાણું !’

ટુંકમાં ‘સરટ’ના પૈસા તો અમારા બીરજુ માસ્ટર લઈને જ રહ્યા.


***

- મન્નુ શેખચલ્લી 

(કથાબીજ : નારણદાસ પ્રજાપતિ -વલસાડ)

વાચક મિત્રો, આપના ધ્યાનમાં આ પ્રકારના રમૂજી કિસ્સા હોય તો તે પત્ર દ્વારા અથવા ઈમેલ કરીને મોકલી શકો છો.

ઇમેઇલ : havamagolibar@gujaratsamachar.com
પત્ર માટે : ગુજરાત સમાચાર કાર્યાલય, ખાનપુર, અમદાવાદ-૧

અથવા ડાયરેકટ મને મોકલી શકો છો 
E-mail : mannu41955@gmail.com

Comments

  1. જબર જસ્ત આલેખન! આંખ હાંમે ભગો ડોહો નાચતો દેખાયડો! બીરજુનું બેંડ તો અજુ હો હંભરાતુ છે જો પીરા.....

    ReplyDelete
  2. અનંત પટેલ26 June 2025 at 08:43

    મજેદાર લેખ

    ReplyDelete

Post a Comment