ગુજરાતભરમાં વરસાદ થયા પછી ફેસબુકમાં કવિઓ મચી પડ્યા છે ! ચાલો સારું છે, પણ યાર, ‘માટીની સુગંધ’ ‘અષાઢી વાયરો’ ‘મનનાં મેઘધનુષ’… એવા વરસો જુના સબ્જેક્ટોને બદલે કંઈક નવા ટોપિકો પકડોને ? દાખલા તરીકે…
***
કહો કવિને, કરે કવિતા
આ વરસાદના વાંધા પર !
કહો કવિને, કરે કવિતા
સ્લીપરથી ઉડતા છાંટા પર !
***
કહો કવિને, કરે શાયરી…
રોડમાં પડતા ખાડા પર
એનાં ડહોળાં ગંદા પાણી પર
ને સુધરાઈની ‘સુધરાઈ’ પર !
***
કહો કવિને, લખે ગઝલ…
ફૂદાં, જીવડાં, તમરાં પર
મચ્છરના ગણગણાટ પર
ને ‘ગુડનાઈટ’ની લાઈટ પર !
***
કહો કવિને, લખે નઝમ…
નહીં સૂકાયેલાં કપડાં પર
ઘરમાં બાંધેલી દોરીઓ પર
ને ભીના ગંધાતા, ટુવાલ પર !
***
કહો કવિને, લખે અછાંદસ…
શરદી, ખાંસી, તાવ પર
તુલસી-મરીના ઉકાળા પર
ને દવાના વધતા ભાવ પર !
***
કહો કવિને, લખે હાઈકુ…
કાણાંવાળી છત્રી પર
લીક થતા રેઈનકોટ પર
ને પચ-પચ થયેલાં મોજાં પર !
***
કહો કવિને, લખે જોડકણાં…
હવામાનની આગાહી પર
ભજીયાંની તળનારી પર
ને એની મરચાં જેવી વાણી પર !
***
કહો કવિને, લખે રૂબાઈ…
પૂરમાં તણાતી કાર પર
હવામાં ઉડતાં છાપરાં પર
ને ડુંગર ફાટ્યાના ફેક-ન્યુઝ પર !
***
કહો કવિને, લખે મહાકાવ્યો…
ઊંઘતા સરકારી તંત્રો પર
ઉભરાતી ગંદી ગટરો પર
ને રોજ ખોદાતા રોડ પર !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment