નવાં નફાકારક સ્ટાર્ટ અપ !

આંકડાઓએ કહે છે કે ભારતમાં ૯૦ ટકા સ્ટાર્ટ અપ શરૂઆતના પાંચ જ વરસમાં નિષ્ફળ જાય છે ! પણ બોસ, એ લોકોએ નવાં જોરદાર સ્ટાર્ટ-અપ્સને તો ધ્યાનમાં જ નથી લીધાં ! જેમકે…

*** 

ઇન્સ્ટાગ્રામ લવ’ સ્ટાર્ટ અપ :
લગભગ ઝીરો મૂડી રોકાણનું સ્ટાર્ટ અપ છે ! આમાં બસ, ઇન્સ્ટાગ્રામથી ફ્રેન્ડશીપ કરવાની હોય છે, પછી ‘લવ’માં પડવાનું, પછી લગ્નની લાલચ આપીને જુદી જુદી હોટલોમાં ‘બળાત્કાર’ કરવાના અને દરમ્યાનમાં ‘મમ્મીનું ઓપરેશન છે’ ‘નવો ફ્લેટ લેવો છે’ ‘બિઝનેસમાં જોઈએ છે’ એવાં બહાનાં કરીને ૨૫-૩૦ લાખનો પ્રોફીટ કમાઈ લેવાનો હોય છે !

*** 

ઓટીપી’ સ્ટાર્ટ અપ :
આ ઝીરો ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ અપમાં મામૂલી ટેકનિકલ કોર્સ કરવાનો હોય છે. પછી ‘તમારું બેન્ક ખાતું બંધ થઈ જશે’ ‘લાઈટ કટ થઈ જશે’ અથવા ‘નવું ડેબિટ કાર્ડ બની ગયું છે’ જેવા હજારો રેન્ડમ મેસેજો મોકલીને એમાંથી જે મુરખાઓ ફસાય તેમને ઓટીપી સેન્ડ કરીને એમના બેન્ક ખાતાં ખાલી કરી દેવાનાં હોય છે.

(આમાં વરસે કુલ ૧૭૭ કરોડનો બિઝનેસ થાય છે. આપની જાણ ખાતર.)

*** 

સ્માર્ટ ઇન્વેસ્ટમેન્ટ’ સ્ટાર્ટ અપ :
આમાં થોડું મૂડીરોકાણ જરૂરી છે કેમકે અહીં સ્માર્ટફોનવાળી યંગ જનરેશનને ૧૦૦૦ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ સામે શરૂઆતમાં ૨૦૦૦ ચૂકવવાના હોય છે. પણ પછી જ્યારે એ યંગસ્ટર એકાદ કરોડનો ‘ઓનલાઈન’ પ્રોફિટ તમારા ખાતામાંથી ઉપાડવા જાય ત્યારે નંબરો સ્વીચ-ઓફ કરી દેવાના હોય છે.

*** 

ડિજીટલ એરેસ્ટ’ સ્ટાર્ટ અપ :
આમાં ખાસ મૂડીરોકાણ નથી પણ એક્ટિંગ આવડવી જરૂરી છે ! કેમ કે અહીં કસ્ટમ ઓફિસર, પોલીસ કમિશનર, હાઈકોર્ટના જજ એવા અઘરા રોલ ભજવવાના હોય છે ! જોકે કન્ઝ્યુમર (શિકાર) બિચારો સિનિયર સિટીઝન હોય છે એટલે એક એક ડીલ આરામથી બે દોઢ કરોડની બને છે !

*** 

મનરેગા ઓન પેપર’ સ્ટાર્ટ અપ :
આ લેટેસ્ટ છે ! જોકે આમાં થોડું ક્વોલિફીકેશન માગે છે ! જેમ કે તમારે કોઈ નેતાના દીકરા ભત્રીજા કે ભાણિયા હોવું જોઈએ. જો પકડાઈ ના જાવ તો એમાં ૧૦૦થી ૨૦૦ કરોડનો ધંધો છે !

(જો પકડાઈ જાવ તો શું કરવું એની ઇન્કવાયરી ગાંધીનગરમાં મૂકી છે… જવાબ મળે ત્યાં સુધી રાહ જુઓ.)

***

- મન્નુ શેખચલ્લી

Comments