જે રીતે અંગ્રેજીમાં ‘હાઈટ ઓફ ફલાણા..’ અને ‘હાઈટ ઓફ ઢીંકણાં…’ હોય છે એવું જ અમે ગુજરાતીમાં બનાવ્યું છે… જુઓ.
***
આળસની હદ…
‘મોર્નિંગ વોક’ માટે મોબાઈલમાં સવારે ’૧૦ વાગ્યાનું’ એલાર્મ મુકવું… એ પણ પાછું ‘સાયલન્ટ મોડ’માં !
***
બચતની હદ…
કિચનમાં લાગેલી આગ માટે ફાયર બ્રિગેડમાં ‘મિસ-કોલ’ મારવો!
***
ભોળપણની હદ…
‘યોર કોલ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ અસ’… એવું વીસ મિનિટ સુધી સાંભળ્યા પછી પણ પોતાની જાતને ઇમ્પોર્ટન્ટ માનવી !
***
ટેકનોલોજી પર ભરોસાની હદ…
‘ગુગલ મેપ’ની સુચનાઓ સાંભળીને તેનું ચુસ્ત પાલન કરતાં કરતાં કારને ગટરના ખાડામાં ઉતારી દેવી !
***
ઓનલાઈન શોપિંગની હદ…
‘શાદી ડોટ કોમ’ ટાઈપના એપમાં જઈને યુવતીની પસંદગી કરતાં પહેલાં ‘યુઝર્સ રેટિંગ’ ચેક કરવાની કોશિશ કરવી !
***
કોન્ફીડન્સની હદ…
પંચાણું વરસની ઉંમરે પાંચ વરસનો ડેટા પ્લાન ખરીદવો !
***
ન્યાયતંત્રની હદ…
૪૦ વરસ પહેલાં થયેલા બળાત્કાર કેસમાં આજે ૮૫ વરસના થઈ ચુકેલા આરોપીને જન્મટીપની સજા એટલા માટે સંભળાવવી કે ‘આવા માણસને સમાજમાં છૂટ્ટો રાખવો તે સમાજ માટે જોખમરૂપ છે !’
***
શાર્પ મેમરીની હદ…
પત્નીને માત્ર એટલું જ કહો કે ‘ગઈકાલે તેં એક ભૂલ કરેલી…’ અને પછી જુઓ !
***
અમદાવાદીપણાની હદ (૧)…
કેશ ઓન ડિલીવરીના માણસ જોડે ભાવતાલની રકઝક કરવી કે ‘ચલો, આ ખોખું તમને પાછું આપું તો તમે કેટલા ઓછા કરો ?’
***
અમદાવાદીપણાની હદ (૨)…
યુ-ટ્યુબમાં પાણીપુરી બનાવવાની રીત જોઈ લીધા પછી છેલ્લે કહેવું ‘લે, આમાં છેલ્લે કોરી પુરી તો આવી જ નહીં !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment