વર્લ્ડ બેન્કે દુનિયાની ગરીબીરેખાને ‘ઊંચી’ લઈ લીધી છે ! પહેલાં રોજના ૨.૧૫ ડોલર કમાનાર ગરીબ હતો, હવે તમારે ‘ગરીબ’ ગણાવા માટે ૩ ડોલરથી ઓછું કમાવું પડે !
જોકે આપણા દેશમાં ‘ગરીબી’ના ઘણા જુદા પ્રકારો છે, જેની વર્લ્ડ બેન્કને ખબર જ નથી ! જુઓ…
***
જો તમે મોલમાંથી ૩૦૦૦ રૂપિયાનો ડ્રેસ ખરીદવામાં કોઈ કચકચ ના કરતા હો, પણ લારી પરથી ૩૦ રૂપિયાનું શાક ખરીદવામાં રકઝક કરતા હો…
તો તમે ‘ઓર્ડિનરી’ ગરીબ છો !
***
જો તમે આરતીની થાળીમાં ૧૦ રૂપિયાની નોટ મુકીને ૧૧ રૂપિયાનું પરચૂરણ ઉપાડી લેતા હો…
તો તમે ‘ચાલાક ગરીબ’ છો !
***
‘અલ્યા, મારામાં આ ડાઉનલોડ નથી થતું, તું આ ચાર-પાંચ મુવી તારા મોબાઈલમાં ડાઉનલોડ કરીને મને પેન-ડ્રાઈવમાં આપ ને…’ જો તમે આ રીતે મુવીઝ જોતા હો…
તો તમે ‘સ્માર્ટ ગરીબ’ છો !
***
જો તમે ઓનલાઈનથી મોંઘા કપડાં મંગાવીને બે દિવસ માટે લગ્ન પ્રસંગમાં પહેરી લીધા પછી રીટર્ન કરી પૈસા પાછા મંગાવી લેતા હો…
તો તમે ‘ઓનલાઈન સ્માર્ટ ગરીબ’ છો !
***
અને તમે મોલમાં જઈને જુદાં જુદાં મસ્ત કપડાં ટ્રાય કરીને દર વખતે સેલ્ફીઓ લઈ લઈને એક પણ ખરીદી ના કરો, અને સળંગ પંદર દિવસ સુધી સોશિયલ મીડિયામાં તમારી સેલ્ફીઓ પોસ્ટ કર્યા કરતા હો…
તો તમે ‘સોશિયલ ગરીબ’ છો !
***
એ જ રીતે સોશિયલ મીડિયામાં ફરી રહેલી જોક્સ, શાયરીઓ કે ચાંપલા બોધવાળી વાતો બેધડક ઉઠાવીને તમારાં પોતાનાં રીલ્સ બનાવતા હો…
તો તમે ‘ક્રિએટીવ ગરીબ’ છો !
***
બાકી વોટ્સએપ ગ્રુપોમાં બધું જ જોવા, વાંચવા અને સાંભળવા છતાં છ-છ મહિને માંડ એક સ્માઈલી પણ ના મુકતા હો…
તો તમે ‘એન્ટિ-સોશિયલ ગરીબ’ છો !
***
અને હા, તમે ઇચ્છતા હો કે તમે ટેક્સ પણ ના ભરો, લોનના હપ્તા પણ માફ થઈ જાય, મફતમાં અનાજ પણ મળે, બસ-ટ્રેનમાં પ્રવાસ પણ મફતમાં થાય, રોગના ઇલાજો અને ઓપરેશનો મફતમાં થાય…
છતાંય જ્યારે ચૂંટણી આવે ત્યારે તમને તમારા વોટના બદલામાં પૈસા, બાટલી અને ટીવી ત્રણેય ચીજો દરેક પાર્ટી તરફથી મળવી જોઈએ એવું માનતા હો...
તો તમે ‘વોટ બેન્ક ગરીબ’ છો !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment