ઓંય કણે કાળોતરો નેંકળે હે !

એક તો ઉત્તર ગુજરાતનું ધાનેરા જેવુ નાનકડું ગામ, એમાંય વળી રગડ ધગડ રીતે ચાલતી નગર પંચાયત અને એમાંય રાતના અંધારા રસ્તા પર ઝાંખી લાઈટના ગોળાવાળા થાંભલા !

બસ, આવા જ એક લાઈટના થાંભલાની આસપાસ છે આજનો કિસ્સો !

વાત છે સિત્તેરના દાયકાની જ્યારે નિશાળમાં ભણતાં છોકરાંઓને ન તો મોબાઈલનું વળગણ હતું કે ન તો ભણવાનું પ્રેશર હતુ. આવા અમારા ધાનેરાના ત્રણ મહા-બારકસ છોકરા હતા : કૈલાસ, કાન્તિ અને મગન. એમાં મગન સૌથી વધારે અળવીતરો.

એક દહાડો એ રબરનો લાંબો વાંકોચૂકો ટુકડો લાવીને કહે છે ‘જુઓ લ્યા, આ સાપ લાયો !’

મગન એ ‘સાપ’ ક્યાંથી લાવેલો ? તો કહે કે જ્યાં ટ્રકોનાં ઘસાઈ ગયેલાં ટાયરોનું ‘રિ-સાયકલિંગ’ થતું હોય એવા ગેરેજમાંથી !

તમને યાદ હોય તો, એ જમાનામાં આવાં ટ્રકનાં ટાયરોમાંથી નાનાં છોકરાંઓને રમવા માટે ‘પૈડાં’ ઉતારી લેતા હતા. ત્યાર બાદ વધેલા ટાયરના ટુકડાઓ સસ્તી ક્વોલીટીનાં ચંપલો બનાવવામાં વપરતાં હતાં, બરોબર ?

એવા જ એક ગેરેજ પાસેથી મગનને એક વાંકોચૂકો ટુકડો હાથ લાગી ગયેલો. મગનના ખેપાની દિમાગે ‘ખતરો’ ઊભો થાય એવો ખતરનાક આઇડિયા વિચાર્યો ‘હેંડો લ્યા, ઓંનો સાપ બનાઈને લોકોને બીવરાઈયે !’

એના માટે એમણે જગ્યા પણ ‘મોકાની’ શોધી કાઢી. અહીં ઝાંખા બલ્બવાળા થાંભલાની બાજુમાં જ મોટું લીમડાનું ઝાડ હતું ! જેના કારણે રસ્તાના અડધો અડધ ભાગમાં અંધારું જ રહેતું હતું.

આ ટોળકીએ પેલા રબરના ટુકડાને એક છેડે ખીલી વડે કાણું પાડીને એમા પતંગી દોરી પરોવી દીધી. પછી રસ્તાના અંધારામાં ખૂણે બેસીને દોરી વડે ‘સાપ’ને ચલાવવાની પ્રેક્ટિસ પણ કરી લીધી.

હવે તોફાની ત્રિપુટી તૈયાર હતી. એમણે જે રસ્તો પસંદ કરેલ ત્યાં સાંજે સાત આઠ વાગ્યા પછી સન્નાટો છવાઈ જાય. પરંતુ એ જ રસ્તેથી ધાનેરા ગામની બજારના દુકાનદારો પોતાની દુકાનો આઠેક વાગે ‘વધાવીને’ (વાસીને) અહીંથી નીકળે…

બસ, જેવો કોઈ એકલ-દોકલ દુકાનદાર નીકળે કે તરત આ ત્રિપુટી સાપની દોરી ખેંચવા માંડે ! રાતના ઝાંખા અજવાળામાં સરકતો વાંકોચૂકો આકાર જોઈને પેલો માણસ ભડકીને ઊભી પૂંછડીએ ભાગે !

પણ એટલાથી અટકે તો આ તોફાની બારકસો શેના કહેવાય ? એટલે દોરી ખેંચવાની હથોટી આવી ગયા પછી પેલા ભડકેલા માણસના પગમાં જ સાપ ધસી આવતો હોય એ રીતે દોરીને ત્રાંસી ખેંચે !

‘એ સાઆઆપ ! સાઆઆપ !’ એવી બૂમો પાડે કે તરત આ ટોળકી ‘મદદે’ દોડી આવે ! ‘શું થ્યું કાકા ?’ કાકો કહે ‘ઓંય કણે મેં સાપ જોયો !’ ‘એંમ ? હાહરીનો આટલામોં જ હશી ! ઊભા રો ? આપણેં હાહરીનાને મોંયથી (અંદરથી) બા’ર કાઢીએ !’

એમ કરીને રસ્તાની બાજુની ઝાડીઓમાં પથ્થર મારવાનાં નાટકો કરે ! લાગ આવે તો પેલી ઝાડીમાં ફસાયેલી દોરીને ખેંચીને વધારે બીવડાવે !

આમ તો આ તોફાન ખાસ લાંબું ચાલ્યું ના હોત પણ એક મણિલાલ નામના વેપારીને કારણે ‘વાતનું વતેસર’ થઈ ગયું !
વાત એમ હતી કે મણિલાલ શરીરે જેટલા પાતળા હતા એનાથી પાતળો એમનો અવાજ હતો !

નાની ઉંમરે તો એમનો અવાજ સાવ છોકરી જેવો જ હતો પણ હવે પુરા પાંત્રીસ વરસના થવા છતાં અવાજ તો તીણો જ રહી ગયેલો ! ઉપરથી સ્વભાવે એટલા બીકણ કે જ્યારે ૧૯૭૧માં છેક બાંગ્લાદેશમા યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે અમારા મણિલાલ અમારા ધાનેરા ગામમાં રોજ રાત્રે ખાટલાની નીચે ભરાઈને ઊંઘી જતા હતાં ! (ઊંઘતા હશે કે કેમ, એ પણ રામ જાણે… આખી રાત ફફડતા જ હશે.)

પેલા મગનને ક્યારનું થયા કરતુ હતું કે આ મણિકાકો લાગમાં આવે તો મજા પડે ! પરંતુ આ બીકણ ફોસી મણિલાલ રોજ  કોઈને કોઈ સંગાથ શોધીને જ અહીંથી પસાર થાય !

એક અંધારી રાતે લાગ મળી ગયો. મણિલાલ એકલા આવતા દેખાયા ! મગન જુએ છે કે મણિકાકો લાઈટનાં થાંભલાથી ખાસ્સો દૂર ધોતિયું ઝાલીને ઊભો રહી ગયો છે !

મગને એના બંને સાથીદારોને મોકલ્યા ‘અલ્યા, પેલા મણિકાકાને હમજાઈ પટાઈને ઓંય કણે તેડી લાવો !’

કૈલાસ અને કાન્તિ પહોંચ્યા મણિકાકા પાસે. ‘કાકા, સાપની બીકથી ઓંય ઊભા છો ? હેંડો અમીં તમારી જોડે આઈયે !’

આમ આ બાજુ મણિકાકાની હિંમત વધારીને બે બારકસો એમને ‘છટકા વિસ્તારમાં’ ખેંચી લાવે છે અને બીજી બાજુ મગન પેલા ઝાંખા અંધારામાં રસ્તા વચ્ચે પડેલા કાળા સાપની દોરી બરોબર એવા ટાઇમિંગ સાથે ખેંચે છે જ્યારે મણિલાલ અને સાપ વચ્ચે માંડ ચાર-પાંચ ફૂટનુ જ અંતર હોય !

હજી મણિલાલ ચીસ પાડે એ પહેલાં કૈલાસ અને કાન્તિએ ચીસાચીસ કરી મુકી ‘કાકા સાઆઆપ ! કાકા સાઆઆપ !’

મણિકાકો ભડક્યો ! એમાં વળી મગને દોરીને ઝાટકો મારીને પેલા સાપને મણિકાકા તરફ ફંગોળ્યો ! મણિકાકો એ જોઈને જે ચીસાચીસ કરતો ભડકીને ભાગ્યો છે… વાત ના પૂછો !

ના, ના, વાત તો પૂછવા જેવી હવે આવે છે ! કેમકે ચીસો પાડવામાં પાતળા મણિલાલનો પાતળો અવાજ એટલી હદે ફાટી ગયો કે ચાર દહાડા લગી ગળામાંથી અવાજને બદલે ‘શ્વાસ’ જ નીકળે !

પાંચમા દિવસે જ્યારે મણિલાલના પાતળા ગળાનો પાતળો અવાજ પાછો આવ્યો ત્યારે આખા ગામમાં એ જેને મળે તેને કહી વળ્યા : ‘અલ્યા પેલા રસ્તે ના જતા, ત્યોં હાહરીનો કાળોતરો નાગ છ !’

આ અફવા ધાનેરા ગામમાં ફેલાઈ ગયા પછી કૈલાસ, કાન્તિ અને મગનની ત્રિપુટીની આખી મજા જ મરી ગઈ ! કેમકે હવે અહીંથી કોઈ એકલ દોકલ વ્યક્તિ પસાર થાય જ નહીં !

આમ જ એકાદ બે મહિના પસાર થઈ ગયા. એ પછી આ લાઈટના થાંભલા પાસેના પેલા ‘કાળોતરા’ને લોકો લગભગ ભૂલી તો ગયા હતા, છતાં અહીંથી રાતના અંધારામાં પસાર થતી વખતે બે-ત્રણ જણા સાથે જ નીકળતા.

આમાં આપણી ટોળકીએ જોયું કે લોકો અંદરો અંદર વાતો કરવામાં મશગુલ હોય ત્યારે પેલો ‘કાળોતરો’ રસ્તા ઉપર ‘હલન-ચલન’ કરતો હોય તો પણ એમનું ધ્યાન પડતું નહોતું !

સાલું, આ તો કેમ ચાલે ? એટલે મગને નવી તરકીબ શોધી કાઢી. પેલા ત્રણ-ચાર જણા વાતો કરતાં આવી રહ્યાં હોય એની જોડે જોડે કૈલાસ અને કાન્તિ જોડાઈ જાય ! પછી બરોબર ચારેક ફૂટ બાકી હોય ત્યારે આંગળી ચીંધીને બૂમાબૂમ કરી મુકે ‘સાપ ! સાપ ! સાઆઆપ !’

અને પછી જુઓ ભાગમભાગની મઝા ! પણ આ જ તુક્કો એકવાર એમને બહુ મોંઘો પડ્યો.

બન્યું એવું કે જેવી કૈલાસ-કાન્તિની જોડીએ ‘સાપ… સાપ..’ ની બૂમાબૂમ કરી તે વખતે ગભરાઈને દોડી રહેલા એક જુવાનિયાના પગમાં પેલી ‘કાળોતરા’ની દોરી ફસાઈ ગઈ !

દોરી પગમાં ભેરવાઈ જવાથી એ પહેલાં તો એની બહુ જ ‘ફાટી’ ! પણ પછી જોયું કે સાલી આ દોરી સાથે પેલો કાળોતરો પણ ખેંચાઈ રહ્યો છે… ત્યારે…. કૈલાસ, કાન્તિ અને એમના ‘સૂત્રધાર’ મગનને જે માર પડ્યો છે, જે માર પડ્યો છે !

આમ તો આટલી માર ખાધા પછી મગનની ગેંગે આ ખેલ બંધ જ કરી દીધો હોત પણ સાહેબ, આ તોફાની ટોળકીએ એટલી સહેલાઈથી હાર માને ખરી ?

જિનિયસ મગને હવે નવી ટેકનિક શોધી કાઢી ! ટેકનિક શું હતી? કે એક મોટો ખીલો રસ્તાના એક છેડે ખોસી રાખવાનો. એમાં પેલા કાળોતરા નાગની દોરી ૯૦ અંશના ખૂણે ભેરવીને બેસવાનું ! ટુંકમાં, તમે જુઓ તો કાળોતરો ભલે રસ્તો ક્રોસ કરતો દેખાય, પણ પેલા ભોળા, ડાહ્યા, ડમરા અને ‘મદદગાર’ છોકરાંઓ તો છેક પંદર વીસ ફૂટ દૂર રસ્તાની બાજુમાં શાંતિથી બેઠેલા દેખાય !

પેલો માર ખાધા પછી ધાનેરા ગામમાં આપણા દોરી સંચાલિત કાળોતરાની ધાક તો રહી જ નહોતી ! એટલે આ નવા ૯૦ ડીગ્રીવાળા પ્રયોગનો ‘પ્રેક્ટિકલ’ પેલા ફટ્ટુસ નંબર વન મણિલાલ ઉપર જ કરવાનું નક્કી કર્યું.

આ વખતે ટાઈમિંગ પણ પરફેક્ટ હતું. મણિકાકો ધોતિયું ઝાલીને સાવચેત પગલે લાઈટના થાંભલા પાસેથી પસાર થઈને જેવા અંધારામાં ડગલાં ભર્યાં કે તરત એમના પગમાં પેલો કાળોતરો વીંટળાયો !

મણિકાકાએ ચીસાચીસ કરતાં દોડવા ગયા ! એમાં પોતે જ પોતાના પગની આંટી વડે ભોંયે પટકાયા ! એમાં વળી મગને શી ખબર શી રીતે દોરી ખેંચી હશે, તે પેલો કાળોતર બરોબર એમની છાતી પરથી પસાર થઈ ગયો !

આનું તાત્કાલિક પરિણામ એ આવ્યું કે મણિલાલના ઝાડા છૂટી ગયા ! એ તો ઠીક, એ પછી એમની પાતળી ‘વાચા’ તો દસ દિવસ સુધી જતી રહેલી !

એમનું બીપી એટલું વધી ગયેલું કે માઈલ્ડ હાર્ટ-એટેક પણ આવી ગયેલો. જેના કારણે એમને હોસ્પિટલમાં દાખલ કરીને બાટલા ચડાવવા પડ્યા હતા !

જોકે પોતાના પ્રયોગના આટલા ગંભીર પરિણામો જોઈને એ ત્રિપુટીએ ‘કાળોતરો’ પડતો મુકી દીધો હતો. (ક્યાંક ખબર પડે તો હવે આખું ગામ મારવા આવે ને ?) 

પરંતુ તમે નહીં માનો, પેલા મણિકાકા જીવ્યા ત્યાં સુધી આ રસ્તેથી કદી નીકળ્યા નહોતા ! બોલો.

*** 

- મન્નુ શેખચલ્લી

(કથાબીજ : વિનોદ જોશી -ડીસા)

વાચક મિત્રો, આપના ધ્યાનમાં આ પ્રકારના રમૂજી કિસ્સા હોય તો તે પત્ર દ્વારા અથવા ઈમેલ કરીને મોકલી શકો છો.
ઇમેઇલ : havamagolibar@gujaratsamachar.com
પત્ર માટે : ગુજરાત સમાચાર કાર્યાલય, ખાનપુર, અમદાવાદ-૧

અથવા ડાયરેકટ મને મોકલી શકો છો 
E-mail : mannu41955@gmail.com

Comments

  1. અનંત પટેલ, ગાંધીનગર18 June 2025 at 16:50

    અતિ સુંદર

    ReplyDelete

Post a Comment