દર અઠવાડિયે આપણને ફિલોસોફીનો ડોઝ પીવડાવતા ચિંતનકારો ક્યારેક એવું અઘરું અઘરું લખી નાંખે છેકે આપણે ગોથાં જ ખાધા કરીએ છીએ ! દાખલા તરીકે…
***
ચિંતનકાર :
‘જો એક માનવી બીજા માનવીનું દુઃખ સમજે તો દુનિયાના અડધો અડધ દુઃખો એની મેળે દૂર થઈ જાય.’
આપણે :
‘સાહેબ, આ ડોક્ટરો એ જ તો કરે છે ! પણ પછી આપણું દુઃખ દૂર કરવાના પૈસા બહુ માગે છે !’
***
ચિંતનકાર :
‘ઇશ્વરની રોજ એ રીતે રાહ જુઓ કે એ આજે બપોરે જમવા પધારવાના છે.’
આપણે :
‘સાલું, રોજ એ રીતે રાહ જોવાની ? એમના માટે રોજ ત્રણ-ચાર રોટલી વધારે બનાવવાની ? શાક પણ એકસ્ટ્રા બનાવી રાખવાનું ? અને પછી ના આવે ત્યારે ? બધું કામવાળીને આપી દેવાનું ?’
***
ચિંતનકાર :
‘વાદળો ઉપરથી બધું જુએ છે.’
આપણે :
‘અચ્છાઆઆ ! એટલે જ મસ્ત મજાની ક્રિકેટ મેચ ચાલતી હોય ત્યારે વરસી પડે છે ! અને ભૈશાબ, બરોબર કેરીની સિઝન હોય ત્યારે જાણી ‘જોઈને’ આપણી મજા બગાડવા જ વરસતાં હશે, નહીં ?’
***
ચિંતનકાર :
‘પુસ્તકો સાથે મૈત્રી કરો. પુસ્તકથી સારો કોઈ દોસ્ત નથી.’
આપણે :
‘બહુ ટ્રાય કરી ! પણ સાહેબ, ફેસબુકમાં એકેય પુસ્તકની ‘ફ્રેન્ડ રીક્વેસ્ટ’ આવતી જ નથી ! આમાં ફ્રેન્ડશીપ કરવી શી રીતે ?’
***
ચિંતનકાર:
‘વૃક્ષ અને માણસ વચ્ચે જેમ સંવાદ રચાતો જાય છે તેમ તેમ એની ભીતરમાં થોડું ‘વૃક્ષત્વ’ ધામા નાખાવા લાગે છે.’
આપણે :
‘અચ્છા, એવું હોય ? એ હિસાબે જેના પેટમાં પથરી થાય છે એમણે ‘પથરાઓ’ જોડે વાતો કરવી જ ના જોઈએ ને?’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment