આપણે કોઈ વિચિત્ર સમયખંડમાં જીવી રહ્યા છીએ, જ્યાં ભલભલાં પાપી ‘કૃત્યો’ વડે નહીં, પણ થોડાક ‘શબ્દો’ વડે લાખો લોકોની લાગણીઓ દુભાઈ જાય છે ! જુઓને…
***
જ્યારે હત્યા, બળાત્કાર,ગેંગ-રેપ, કોમી રમખાણ, સામુહિક હિંસા કે આતંકવાદી ઘટના થાય ત્યારે લાગણીઓ ખાસ દુભાતી નથી…
પરંતુ એના વિશે કોઈ કશું બોલે કે સોશિયલ મિડીયામાં કંઈ લખે તો હાહાકાર મચી જાય છે !
કેમકે સવાલ લાગણીઓનો છે !
***
વિધિની વિક્રતા તો જુઓ ?
પહેલગામમાં ચાર આતંકવાદીઓ શી રીતે ‘ઘૂસી’ આવ્યા એનું ઇન્વેસ્ટીગેશન બાજુ પર રહી જાય છે…
અને એક મહિલા સૈન્ય અધિકારી વિશે એક નેતા શું ‘બોલી’ ગયા, તેના માટે દેશની સુપ્રીમ કોર્ટ ‘સ્પેશીયલ ઇન્વેસ્ટીગેશન ટીમ’ બનાવવાના આદેશો આપે છે !
કેમકે સવાલ લાગણીઓનો છે !
***
બંગાળના મુર્શિદાબાદમાં અત્યંત ક્રૂર ધાર્મિક હિંસક હુમલાની ઘટના બને છે ત્યારે બંગાળની પોલીસને હરકતમાં આવતાં ખાસ્સી વાર લાગે છે…
પણ છેક ગુરુગ્રામમાં ભણતી એક સ્ટુડન્ટ કોઈ ટીકા કરે છે તો બંગાળની પોલીસ છેક ગુરુગ્રામ સુધી ધસી જઈને તેની ધરપકડ કરે છે !
કેમકે સવાલ લાગણીઓનો છે !
***
હકીકતમાં ‘લાગણીઓની ખેતી’ એ એક નવો ઉદ્યોગ બની ગયો છે ! જ્યાં…
પહેલાં તો તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા ધિક્કારનાં બીજ વાવવામાં આવે છે.
પછી એ બીજમાં સોશિયલ મિડીયા, પ્રિન્ટ મિડીયા, ઇલેક્ટ્રોનિક મિડીયા વડે તેમાં પાણી સીંચવામાં આવે છે.
ત્યાર પછી જ્યારે આ લાગણીઓને સામસામી ટકરાવવામાં આવે છે ત્યારે…
આ ટકરાવને કારણે હજારો લાખો લોકોની લાગણીઓ રોજેરોજ ‘દુભાવા’ લાગે છે !
બસ, આ લાગણીઓને સતત દુભાયેલી રાખ્યા પછી જ્યારે ચૂંટણી આવે ત્યારે એમાંથી તૈયાર થતા ‘મત’નો પાક લણી લેવામાં આવે છે.
કેમ કે ‘મત’નો અર્થ ‘ઓપિનિયન’ થાય છે !
આ દેશમાં લોજિક, હકીકતો કે લોકોનાં હિત વડે કદી 'ઓપિનિયન' નથી બનતા, પણ દુભાયેલી લાગણીઓ આ કામ ‘ઇન્સ્ટન્ટલી’ કરી આપે છે !
અને હા, આ ‘ખેતી’ પણ ટેક્સ-ફ્રી છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment