જ્ઞાનીઓના જ્ઞાનમાં પંચર !


આજે ‘જ્ઞાન’ સૌથી સસ્તું છે ! જ્યાં જાવ ત્યાંથી મળે છે ! પણ બોસ, એ બધા જ્ઞાનના ફુગ્ગામાં એક જ ટાંકણી મારો ત્યાં જ્ઞાનનો ફૂગ્ગો ફટી જાય છે ! જુઓ…

*** 

જ્ઞાન :
દુનિયામાં આપણે ખાલી હાથે આવીએ છીએ અને ખાલી હાથે જવાનું છે.

ટાંકણી :
એ તો બરાબર, પણ ખાલી હાથે જીવવું શી રીતે ? હાથમાં મોબાઈલ વિના ?

*** 

જ્ઞાન :
ઉપરવાળો બધું જુએ છે.

ટાંકણી :
ભલેને જોતો ? એ ક્યાં આપણા વિડીયો ઉતારીને વાયરલ કરવાનો છે ?

*** 

જ્ઞાન :
બૂરે કામ કા બૂરા નતીજા.

ટાંકણી :
અચ્છા ? તો પછી આ બધા વકીલોને શેના માટે રાખ્યા છે ?

*** 

જ્ઞાન :
જોયું ? મોત કોઈપણ ક્ષણે આવી શકે છે…

ટાંકણી :
પણ સાહેબ, ઇન્શ્યોરન્સની સિસ્ટમ એટલા માટે જ તો ચાલુ કરી છે !

*** 

જ્ઞાન :
પૈસા વડે સુખ ખરીદી શકાતું નથી.

ટાંકણી :
હા, પણ હજી સુધી કોઈએ પોતાનું સુખ ‘વેચવા’ કાઢ્યું ?

*** 

જ્ઞાન :
લાઇફ બિગિન્સ એટ સિક્સ્ટી.

ટાંકણી :
જો એવું જ હોત તો સિનિયર સિટીઝનો માટે બાલમંદિરો ચાલતાં હોત !

*** 

જ્ઞાન :
ત્રીજા વિશ્વયુદ્ધની ખબર નથી, પણ ચોથું વિશ્વયુદ્ધ પથ્થરો વડે લડાશે.

ટાંકણી :
એવું છે ? તો અત્યારથી માળિયામાં પથ્થરોનો સ્ટોક ભરી રાખોને !

*** 

જ્ઞાન :
શુધ્ધ હૃદયથી કરેલી દરેક પ્રાર્થના જરૂરથી ફળે છે.

ટાંકણી :
એવું હોય ? જો કોઈનું કોલેસ્ટ્રોલવાળું હાર્ટ હોય તો ના ફળે ? જરા પૂછાવી જોજોને…

***

- મન્નુ શેખચલ્લી

Comments