અર્થતંત્રના અર્થ 'તાંત્રિકો' !?

અલ્યા, ભારતનું અર્થતંત્ર થોડા દિવસ પહેલાં ચોથા નંબરે હતું, અને ફરી પાછું પાંચમા નંબરે સરકી ગયું ? અને બોસ, જો પાંચમા નંબરે જ છીએ તો ડોલર સામે રૂપિયાની કિંમત કેમ નબળી પડતી જાય છે ?

આવા અઘરા સવાલો છોડો, અને દુનિયાના અર્થશાસ્ત્રીઓ વિશેની હળવી મજાક માણો…

*** 
કહેવાય છે કે ક્રિસ્ટોફર કોલંબસ દુનિયાનો સૌથી પહેલો અર્થશાસ્ત્રી હતો ! કેમ ?

કેમકે જ્યારે તે ‘ઇન્ડિયા’ની શોધમાં નીકળ્યો ત્યારે તેને ખબર નહોતી કે તે ક્યાં જઈ રહ્યો છે. એ જ્યારે ‘અમેરિકા’ પહોંચ્યો ત્યારે એને ખબર નહોતી તે ક્યાં પહોંચ્યો છે ! 

અને એણે આ બધું જ સરકારી ખર્ચે કર્યું !

મજાની વાત એ છે કોલંબસે જેને ભૂલથી ‘ઇન્ડિયન્સ’ કીધા હતા, તેને હજી સુધી આખી દુનિયા પણ ‘ઇન્ડીયન્સ’ જ કહે છે!

*** 

અર્થશાસ્ત્રી એ વિદ્વાન છે જેને કોઈ સિસ્ટમ ખરેખર ‘પ્રેક્ટિકલ’ સફળ થતી દેખાય છે, છતાં તે વિચારતો રહે છે કે ખરેખર ‘થિયરી’માં આ શક્ય છે કે નહીં ?

*** 
મહાન અર્થશાસ્ત્રીઓ બે પ્રકારના હોય છે. એક, તે કંઈ જ જાણતા નથી. અને બીજા, જે હજી જાણતા નથી કે તે પોતે કંઈ જાણતા નથી !

*** 

એક બલ્બને બદલવા માટે કેટલા અર્થશાસ્ત્રીઓની જરૂર પડે ?

એક પણ નહીં, કેમકે અર્થશાસ્ત્રીઓ માને છે કે ‘જો બલ્બ બદલવાનો સમય થયો હશે તો બજારનાં ઉતાર-ચડાવે તેને બદલી જ નાંખ્યો હશે !’

*** 

અર્થશાસ્ત્રી એ મહાન અભ્યાસુ છે જે ગયા વરસે આવેલી મંદી કે તેજીનાં કારણો આવતા વરસે તો જરૂર આપી શકશે !

*** 

શું તમને ખબર છે, કે કાચના ગોળામાં જોઈને, પડછાયાનો આકાર જોઈને, તાશનાં પત્તાં ખોલીને કે પોપટ પાસે પત્તું ઉપડાવીને જ્યોતિષ જોવાની રીતો શા માટે શોધાઈ ?

જેથી ચાર્ટ જોઈને આગાહી કરનારા અર્થશાસ્ત્રીઓને આપણે ‘સાચા’ કહી શકીએ !

*** 

શું ભારતના અર્થશાસ્ત્રીઓ ગરીબોની ગરીબી દૂર કરી શકે ?

- એ તો ખબર નથી, પણ ભારતના એક અર્થશાસ્ત્રીને નોબેલ પ્રાઈઝ એટલા માટે મળ્યું હતું કે તેમણે ‘ગરીબીની વ્યાખ્યા’ કરી હતી ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments