‘અલ્યા, તારે મમ-મમ હાથે કોંમ છ, કે ટપ-ટપ હાથે ? છત્રી વરહનો વાંઢો બેઠો છ, તે ઘરમોં જે બૈરું આવ છ, ઇનોં કટમવારાં (કુટુંબવાળાં) કુણ છ, ને ઇની નાત હું છ, એ બધું જોંણી ન તાર હું કરવું છ ? તાર પૈણવું છ ક નંઈ ?’
આમ જોવા જાવ તો અમારા ચાણસ્મા ગામમાં ‘શિવશક્તિ કોલ્ડ ડ્રીંક્સ’ નામે બરફગોળાની લારી ચલાવનારો ૩૬ વરસનો ધીરજ જાતે રોટલા ઘડીને કંટાળ્યો હતો. હજી બીજા બે વરસ ‘કુંવારો’ રહે તો ‘વાંઢા’નું લેબલ પરમેન્ટલી લાગવાનું હતું.
બિચારો ધીરજ ગમે એટલી ધીરજ રાખે પણ એને હવે આ ઉંમરે, અને આ કમાણીમાં પોતાની ન્યાતની તો ઠીક, આસપાસનાં ગામડામાંથી યે કોઈ કન્યા મળે એવા ચાન્સ રહ્યા નહોતા.
આવા સમયે ધીરજના મામા ચંદુલાલ નામના એક ‘એજન્ટ’ને લઈને ‘શિવશક્તિ કોલ્ડ ડ્રીંક્સ’ની લારીએ આવ્યા હતા.
ધીરજે બરફ છીણીને ‘મેંગો કમ ચોકલેટ’ના શરબતવાલો બરફગોળો બનાવી આપેલો તે ચૂસતાં ચૂસતાં ચંદુલાલે જે કન્યાનો પોસ્ટકાર્ડ સાઈઝનો ફોટો બતાડ્યો એ હકીકતમાં એક ગ્રુપ ફોટો હતો !
જેમાં પાછળ એક કાચું-પાકું ઝુંપડું, આગળ એક કાળી-ધોળી બકરી અને વચમાં જે ચાર જણા ઊભા હતા તેમાં છોકરીના મામા, કાકા અને આ ચંદુલાલ પોતે હતા… અને હા, એમની પાછળ આ કન્યા, નામે સવિતા ઉર્ફે ‘સવલી’ પણ હતી ! એનું એક મોં એ બે ખભા દેખાતા હતા !
ધીરજ હજુ કન્યા વિશે પૂછવા જતો હતો કે ‘ઓનોં સિંગલ ફોટો નહીં ?’ ત્યારે ધીરજના મામા બે જ શબ્દ બોલ્યા :
‘પચ્ચી હજાર.’
ધીરજને પહેલાં તો સમજાયું જ નહીં, પણ પછી પેલા એજન્ટ ચંદુલાલે ફોડ પાડ્યો : ‘તમારે રોકડા ખાલી પચ્ચી હજાર જ આલવાના. ઉપરથી પહેરોંમણીમોં જે લુઘડોં-લત્તોં આલવાં હોય એ - કેમકે છોડીનોં કોઈ લોંબા હગાં-વ્હાલાં નહીં, આપડે તો કન્યાનું જ કોંમ છ ન ? બીજી લપમોં શું કોંમ પડવાનું ?’
ધીરજે પોતાના માટે બનાવેલા ખસખસના શરબતવાલો ગોળો ચૂસતા વિચાર્યું કે ‘બધું થઈને ત્રીસેક હજારમોં નવું નક્કોર બૈરું મલતું હોય તો શું ખોટું ?’
ધીરજના મામાએ પોતાનો ઓરેન્જ શરબતવાલો ગોળો તૂટી જાય એ પહેલાં રકાબીમાં રેડીને સબડકો ભરતાં કહ્યું ‘એંહ, આપડે આપડોં હગોં-વ્હાલોંમોં કોઈને કશુ કહ્યા વના, તૈણ ચાર જણોં જઈશું… ને ત્યોં ને ત્યોં લગન કરીને પાછા ! શું કે’ છ ધીરજીયા ?’
આમ જોવા જાવ તો આ ઉત્તર ગુજરાતની એક સામાજિક સમસ્યા છે. છોકરો ખાસ ભણ્યો ન હોય, સરખું કમાતો ન હોય, તો એમને ‘વાંઢા’ શું ‘ઢાંઢાં’ થવાની ઉંમર સુધી પરણવા માટે કન્યા મળતી નથી.
આનો ના-છૂટકે શોધી કાઢેલો સામાજિક ઉકેલ એ છે કે દૂરનાં આદિવાસી વિસ્તારનાં ગામડાંમાંથી થોડા ઘણા રૂપિયા ખર્ચીને પરણેતર ઘરે લાવવી. આપણો ધીરજ પણ એ સમસ્યાનો શિકાર હતો.
આ ચાણસ્માનો ધીરજ જ્યારે પંચમહાલના દાહોદ પાસે આવેલા લીમડાબારા નામના ગામડે કન્યાને ‘જોવા’ ગયેલો ત્યારનો સીન પણ ‘જોવા’ જેવો હતો !
એક કાચા-પાકા ઝૂંપડાની બહાર જે નાની ખાટલી હતી એમાં ચાર મહેમાનો માંડમાંડ એકબીજાને અડોઅડ બેસી શકે એવડી જ હતી. એ ખાટલીમાં ધીરજ, એના મામા, એજન્ટ ચંદુલાલ અને ધીરજના કાકા એમ ચાર જણા ‘હકડેઠઠ’ બેઠા છે.
સામે પેલી સવલી ઉર્ફે સવિતાનાં મા-બાપ ‘ઊભાં’ છે ! (બેસવા માટે બીજું કોઈ સાધન પણ હોવું જોઈએ ને?) પેલી કાળી-ધોળી બકરી આ ‘આગંતૂકો’ને નવ નવાઈથી જોઈને ‘બેં… બેં...’ કરી રહી છે.
એવામાં થોડી મિનિટો પછી સવલી હાથમા ગુલાબી કલરની પ્લાસ્ટિકની ‘ટ્રે’ લઈને પ્રવેશે છે.
ટ્રેમાં ચાર કપ છે જેમાંથી બે કપનાં હેન્ડલ તૂટેલાં છે. કપમાં જે ચા છે તે પેલી કાળી-ધોળી બકરીના દૂધની બનેલી છે અને ટ્રેમાં એ ચાર કપની સાથે ‘વેફર’નાં બે પડીકાં છે ! અકબંધ !
ધીરજ પહેલાં તો ગુંચવાયો કે આ સવલીને વેફરના પડીકાં સિવાય કંઈ રાંધતા જ નહીં આવડતું હોય ? પછી જ્યારે બકરીના દૂધની ચાનો પહેલો ઘુંટડો ભર્યો ત્યારે છેક ગળે આવીને અટકી ગયેલા સવાલનો ઘુંટડો પણ એ ગળી ગયો કે : ‘અલી, ચા બનાવતાં ય આવડે છે કે નહીં ?’
ખેર, મેઇન તો લેવડ-દેવડની વાતો જ કરવાની હતી ને ? મા-બાપનો આગ્રહ હતો કે સવલીને જે મંગળસુત્ર પહેરાવો, તેને ‘અસલી’ સોનાનો ‘ઢોળ’ ચડાવેલો હોવો જોઈએ. બાકી, પચ્ચીસ હજાર રોકડા પહેલાં આપવાના અને લગ્નવિધિ માટે ગામડાના ગોર મહારાજને બંને પક્ષની દક્ષિણા લગ્ન પતે કે તરત જ આપવાની.
મામા તો સાથે કેશ લઈને જ આવેલા ? એટલે ‘ચટ મંગની અને પટ શાદી’ થઈ ગઈ. એસટી બસમાં બેસીને બધાં પાછાં પણ આવી ગયાં.
હા, પેલા એજન્ટ ચંદુલાલે પુરા પાંચ હજાર રૂપિયા કમિશન પેટે લેવાની જીદ કરી હતી એટલે બિચારા ધીરજે એના આઠ દસ પરમેનેન્ટ ઘરાકો પાસેથી ‘આખું વરસ ખાવા હોય એટલા ગોળા ફ્રી’ની સ્કીમ મુકીને જે ‘લોન’ લીધી, એમાંથી ચૂકવણી કરવી પડી! બીજું તો શું થાય ?
હવે જે થયું તે… પણ ધીરજને ‘બૈરા’નું સુખ થઈ ગયું ! જોકે શરૂશરૂમાં એને ડર હતો કે આ ક્યાંક ‘લૂટેરી દુલ્હન’ ના નીકળે ! પણ અલ્યા, તારા ઘરમાં લૂંટવા જેવું હતું ય શું ?
એ તો ચાર પાંચ રાતના શૈયાસુખ પછી ધીરજને ખ્યાલ આવ્યો કે સવલીને ગેસના ચૂલા પર રાંધતા ફાવતું નથી !
કેમકે લીમડાબારા ગામમાં તો ગેસનો બાટલો પણ ક્યાં જોવા મળેલો ?
પછી ખબર પડી કે સવલીને ‘રોટલી’ બનાવતાં નથી આવડતી ! પ્રેશર કુકર પણ વાપરતાં નથી આવડતું ! ભાત તો હજી યે બાફી કાઢે, પણ જોડે ખાવા માટે ‘ગુજરાતી દાળ’ બનાવતાં નથી આવડતું !
છેવટે સાતમા દિવસે ધીરજે પોતાના જ ઘરમાં પોતાની જ બૈરી માટે એકપણ પૈસાની ફી લીધા વિના ‘કુકીંગ ક્લાસ’ ચાલુ કરવા પડ્યા ! આમ કરતાં કરતાં છ મહિના નીકળી ગયા. ત્યાં સામી આવી દિવાળી...
સવલી કહે ‘મું ગોંમડે જવાની. મને મેલી આવો. તંઈ પન્નર દાડા રે’વાની. તમીં લેવા આવહો કે ?’
હરખઘેલો ધીરજ સવલીને ગોધરા પાસેના લીમડાબારા ગામે મુકી તો આવ્યો, પણ જ્યારે પાછો લેવા ગ્યો ત્યારે નવી ઉપાધિ નીકળી.
સવલીનો બાપ કહે ‘અમારું ઝુંપડું પડું-પડું થૈ ચાઈલું. પાકું ઘર કરવા પચ્ચા હજાર આલો, તો જ સવલીને મેંકલાવું !’
ધીરજ પહેલાં ગુંચવાયો, પછી બઘવાયો, પછી અકળાયો… અને છેલ્લે ભૂરાયો થઈને સવલીનો હાથ ઝાલીને ખેંચવા ગયો ! ત્યાં તો ગામનાં પંદર વીસ જણાનું ટોળું લાઠી-ધારિયા સાથે ભેગું થઈ ગયું !
ધીરજ કહે ‘ભૈશાબ, મું જંઈ-તંઈ કરીને તીહ હજારનો જોગ કરીને પૈણ્યો છું. અવ બીજા પચ્ચા હજાર ચોંથી લાવું ?’
ગામવાળા કહે ‘તે અમું નીં જાંણીએ. બૈરુ જોઈતું છે, તો પૈહા આપવા પડવાના.’
ધીરજ સમજી ગયો કે અહીં ઝગડવાથી કશું મળવાનું નથી. એણે ચાણસ્મા આવીને પેલા ચંદુલાલને પકડ્યો. તો એ મારો બેટો છૂટી પડ્યો. ‘ઇંમોં મું શું કરું ? તારી હાહરીવારા ફરી જ્યા ! અવ તું જોંણે ને તારો હાહરો જોંણે !’
બિચારા ધીરજને ફરીથી પોતાના રોટલા ઘડવાનો વારો આવ્યો. પણ ઊભા રહો, હજી સ્ટોરીમાં એક ટર્ન બાકી છે !
એક દિવસ ધીરજના મામા ખબર લાવ્યા કે, ‘અલ્યા તારાવાળી સવલી તો પાટણ બાજુના હાંસાપુરામાં કોકના ઘેર પૈણીને આઈ છે !’
ધૂંધવાયેલો ધીરજ એના મામા સાથે હાંસાપુરા જઈને જુએ છે તો ખરેખર, એક ચાની કિટલી ચલાવી ખાતા (યાને કે ‘ડિલાઈટ ટી-સ્ટોલ’ના માલિક) ભૂપતલાલને પરણીને સવલી એના ઘરમાં આદુ-ફૂદીનાનો મસાલો વાટતી બેઠી છે !
ગુસ્સે થયેલા ધીરજે ભૂપતને સંભળાવી ‘સાલા… (ખરેખર તો ‘નર-શોક્ય’ કહેવું જોઈએ) મીં સવલીને રોંધતોં શીખવાડ્યું, રોટલી વણતોં શીખવાડ્યું. હત્તર જાતનોં શાક બનાવતોં શીખવાડ્યું… હજી થોડા મહિના રઈ હોત તો બટેટાવડા ને સમોસા બનાવતોંય શીખવાડી દેત ! હાળા, તને રેડીમેડ બૈરું મલ્યું છ નં… એ મારા લીધે !’
જોકે મામાએ પાકી ચેતવણી આપી : ‘જોજે લ્યા ભૂપતા ! છ મહિનામાં તારો હહરો પચ્ચી હજારની મોંગણી કરીને ના ઊભો રે, તો મને કે’જે !’
અને ખરેખર એવું જ થયું ! સવલીએ એના ધણીને કીધું ‘મું ઉનારા વેકેસનમોં ગોંમડે જવાનીં. તમીં મને મેલી આવોને ?’
પંદર દહાડા પછી ભૂપત એને તેડવા ગયો ત્યારે સવલીના મા-બાપે એ જ જુનું નાટક ફરી શરુ કર્યું. ‘આ ઝુપડું પડું-પડું થૈ ચાઈલું.. પાકું ઘર કરવા પચ્ચી હજાર આલો…’
ભૂપત પણ ઝગડીને, માર ખાવાની બીકે પાછો આવી ગયો !
હવે જેવી આ નવી ખબર મામો લાવ્યો કે તરત જ ધીરજ એના મામાને લઈને પોતાના સાસરે પહોંચી ગયો ! આ વખતે ઝગડવા માટે નહીં, પણ ‘વાટાઘાટો’ કરવા માટે !
છેવટે ભાવ-તાલની રકઝક પછી એવું નક્કી થયું કે ‘બીજા પંદર હજાર અબી તાલ આલો, તો મારી છોડીને લેઈ જાવો !’
મામાએ સોદો મંજૂર કર્યો. બે દહાડામાં રોકડા પધરાવીને ‘વાજતે ગાજતે’ નહીં, પણ ‘વટ કે સાથ’ ધીરજલાલો પોતાની એક્સ વાઈફને ફરી ઘરે લઈ આવ્યો !
ખરી જોવા જેવી હવે થઈ…
હજી મહિનો ય નથી તયો ત્યાં એક દહાડો સવલી એના ધણીને કહે છે :
‘મને શીરો બનાંવતે હીખવોનીં (શીખવાડોને) ? તમીં બાપ થાવાના !’
ધીરજને ધ્રાસ્કો પડ્યો : ‘એની બુનને… આ કોનું ? મારું ? કે પછી…’
બિલકુલ સાપના ગળામાં છછૂંદર ફસાયા જેવી હાલત હતી… ધીરજને પૂછવાની હિંમત ચાલતી નથી અને સવલી ખિલખિલ હસ્યા કરે છે, પણ કહેતી નથી !
***
-મન્નુ શેખચલ્લી
(કથાબીજ : જતિનભાઈ ચાંપાનેરી - હાલોલ)
વાચક મિત્રો, આપના ધ્યાનમાં આ પ્રકારના રમૂજી કિસ્સા હોય તો તે પત્ર દ્વારા અથવા ઈમેલ કરીને મોકલી શકો છો.
ઇમેઇલ : havamagolibar@gujaratsamachar.com
પત્ર માટે : ગુજરાત સમાચાર કાર્યાલય, ખાનપુર, અમદાવાદ-૧
અથવા ડાયરેકટ મને મોકલી શકો છો
E-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment