સુરતમાં પૂર... અને લલ્લુ-બલ્લુ !

સંતા-બંતાની ગુજરાતી આવૃત્તિ જેવી આપણી ‘ડ્રીમ-લાઈટ’ દિમાગી જોડી… લલ્લુ-બલ્લુ આ વરસાદની મોસમમાં સુરતમાં પહોંચી ગયા હતા…

*** 

(ધોધમાર વરસાદ વરસતો જોઈને)

લલ્લુ : આહાહા… બોં ભારે વરહાદ પઈડો !
બલ્લુ : (વિચારે છે…)
(હજી વિચારે છે…)
(ફરી વિચારે છે…)
(ઘણું વિચારે છે…)

(પછી કહે છે )
બલ્લુ : તેં વરહાદનું ‘વજન’ કેમ કરીને કઈરું ?

*** 

લલ્લુ : કાલે રાતના મેં ઘસઘસાટ ઊંઘતો ઉતો તિયારે મારા ઘરની પાછળના બારણમાંથી પાણી ઘૂસી આવેલું !

બલ્લુ : પછી ?

લલ્લુ : પછી વરી હું ? ઘરમાં ચોરી કરવા જેવું કંઈ નીં મઈલું, એટલે પાછું ચાલી ગિયું !

*** 

બલ્લુ : હારા… મારા ઘરમાં તો પાણી આવી ગૈલું છે, તે જતું જ નીં મલે ! મને તો ટેન્શન થેઈ ચાઈલું !

લલ્લુ : હાનું ટેન્શન ?

બલ્લુ : મ્યુનિસિપાલ્ટીવાલા જો ‘એકસ્ટ્રા’ પાણીનો એકસ્ટ્રા વેરો લગાડહે તો ?

*** 

(લલ્લુ અને બલ્લુ ટીવીમાં પુરનાં દ્રશ્યો જોઈ રહ્યા છે.)

લલ્લુ : આ જોઈને મને હમજ નીં પડતી.
બલ્લુ : હું હમજ નીં પડતી ?

લલ્લુ : હુરટમાં પાણી છે ? કે પાણીમાં હુરટ છે ?
બલ્લુ : હં… (વિચારે છે)

(હજુ વિચારે છે…)
(વધુ વિચારે છે…)
(પછી કહે છે…)

બલ્લુ : જો હુરટમાં પાણી ઓ’તે તો સરકારી ટંત્રની ધૂળ નીં ફાડી લાખતે ?

(હવે લલ્લુ વિચારે છે…)
(ઘણું વિચારે છે…)
(પછી કહે છે…)

લલ્લુ : પણ, આટલા વરહાદમાં તો ધૂળ પલ્લી (પલળી) જ ગૈલી ઓહે ! કેમ કરીને કાડવાની ?

*** 

લલ્લુ : (સમાચાર વાંચ્યા પછી) આ જો, પર્વત પાટિયામાં પાણી પેંહી (પેસી) ગિયું… ને પાલનપુર પાટિયામાં નીં પેઠું !

બલ્લુ : (વિચારે છે…)
(હજુ વિચારે છે…)
(ઘણું વિચારે છે…)

(પછી કહે છે…)
બલ્લુ : ‘પર્વત’ કરતાં ‘પાટિયું’ નીચું ઓહે (હશે) ! એટલે જ…

***

- મન્નુ શેખચલ્લી

Comments