આપણા દેશમાં મોંઘવારી છે એ તો સૌ જાણે છે પણ શું તમને ખબર છે, કે અમુક મોંઘવારીઓ તો સાવ ‘અજાયબી’ જેવી છે ! જુઓ નમૂના…
***
અજાયબી નંબર : એક
દારૂની બાટલી કરતાં ગેસનો બાટલો મોંઘો હોય !
***
અજાયબી નંબર : બે
સ્હેજ માપ કાઢીને ગણી લેજો, બિયર કરતાં ચા મોંઘી છે !
***
અજાયબી નંબર : ત્રણ
કિલોનો ભાવ કાઢીને ગણી જોજો સાહેબ, કાજુ-બદામ કરતાં બટેટાની વેફર્સ મોંઘી છે !
***
અજાયબી નંબર : ચાર
અને હલો, આખેઆખી બ્રેડ કરતાં સસ્તામાં સસ્તી સેન્ડવીચ મોંઘી છે !
***
અજાયબી નંબર : પાંચ
કોઈપણ સિનિયર સિટીઝનને પૂછી જોજો, ભોજન કરતાં વિટામીનની ગોળીઓ મોંઘી જ હોય !
***
અજાયબી નંબર : છ
ડોક્ટરની ફી કરતાં રિપોર્ટની કિંમત મોંઘી હોય છે, અને ઊભા રહો, હોટલના રૂમ કરતાં હોસ્પિટલનો રૂમ મોંઘો જ હોય ! કેમકે ફેસિલીટી ઓછી, ફૂડ સાવ ફાલતું અને ‘સર્વિસ’ તો દસ ગણી મોંઘી !
***
અજાયબી નંબર : સાત
કોઈપણ કોર્પોરેટ ઓફિસમાં જઈને પૂછજો, અનુભવીઓ કરતાં ફ્રેશર્સ સરવાળે બહુ ‘મોંઘા’ પડે છે !
***
અજાયબી નંબર : આઠ
આજકાલના મા-બાપને પૂછી જોજો, સ્કુલની ફી કરતાં ટ્યૂશનની ફી મોંઘી હોય છે !
***
અજાયબી નંબર : નવ
વાળ કરતાં વાળનો રંગ (હેર-ડાઈ) મોંઘો જ હોય !
***
અજાયબી નંબર : દસ
અને સૌ જાણે છે, પાયજામા કરતાં જાંઘિયો હંમેશાં મોંઘો જ હોય !
***
અજાયબી નંબર : અગિયાર
છેલ્લે સિરીયસલી, તમે માર્ક કરજો કે આપણા દેશની કોર્ટોમાં ‘દંડ’ કરતાં ‘ન્યાય’ આઝાદીના ૭૭ વરસ પછી પણ મોંઘો જ છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment