પેલા મંત્રીજીના બે સુપુત્રોએ અનોખી વૈજ્ઞાનિક શોધ વડે માત્ર ‘કાગળ’ ઉપર ૭૧ કરોડના રોડ બનાવી નાંખ્યા ! હવે વિચારો, જો આમ જ ચાલ્યું તો એ બે પુત્રોની સ્ટોરીમાં આગળ શું થાય ?
***
જામીન પર છૂટીને બંને પ્રધાનપુત્રો એક કારમાં જતા હતા. રાતનો સમય હતો. પુત્રો ઝોંકે ચડ્યા હતા. ત્યાં અચાનક એમની કાર ધડાકાબંધ ૪૦ ફૂટની ઊંચાઈએથી નીચે પટકાઈ !
કારના તથા મંત્રીપુત્રોના સ્પેરપાર્ટ્સ છૂટા પડી ગયા ! પુત્રો ડ્રાયવરને પૂછે છે : ‘અલ્યા, આ શું થયું ?’
ડ્રાયવર કહે છે : ‘સાહેબ, લાગે છે કે અહીં એક ‘ઓન પેપર’ બ્રિજ હતો !’
***
બંને પુત્રોને માંડ માંડ બહાર કાઢ્યા. પછી એક એમ્બ્યુલન્સ આવી, તે એક ઠેકાણે પહોંચી કે તરત પુત્રોને સ્ટ્રેચરમાં સૂવડાવીને બહાર મુકી દીધા :
‘લો, આ હોસ્પિટલમાં એડમિટ થઈ જાવ !’
પુત્રો ડઘાઈને કહે છે ‘આ તો બંધ પડેલી ફેકટરી છે !’
જવાબ મળ્યો : ‘ના સાહેબ, આ હોસ્પિટલ જ છે… ઓન પેપર !’
***
થોડી વાર થઈ ત્યાં સફેદ કોટ પહેરેલા બે માણસો આવીને કહે છે : ‘ચલો, પેમેન્ટ કરો ! ઓપરેશનોના અઢી-અઢી લાખ, રૂમ ભાડાના ૩૫-૩૫ હજાર, દવાઓના કુલ પાંચ લાખ અને કન્સલ્ટન્સી ફી ૯૫ હજાર !’
બંને ચોંકી ગયા : ‘પણ અમારી તો કોઈ ટ્રીટમેન્ટ જ નથી થઈ !’
‘થઈ ગઈ છે ! બધું જ ઓન-પેપર છે ! હવે પેમેન્ટ કરો, એટલે આયુષ્યમાન યોજનામાંથી અમને રૂપિયા મળે !’
***
હજી તો બાકી છે… એક દિવસ એ બે સુપુત્રોને પેલી એમ્બ્યુલન્સ ઉપાડીને એક ખેતરમાં ઠાલવી ગઈ ! કીધું કે :
‘આ ઓન પેપર સ્મશાન છે ! થોડી વારમાં તમને તમારાં અસ્થિ મળી જશે !’
***
સુપુત્રોની તો હાલત ખરાબ ! સાલું, બધું જ ઓન પેપર ? ત્યાં તો એક ખટારો આવ્યો, અને એમને ઉપાડીને એક ઉકરડામાં ઠાલવી દીધા !
બંને બૂમાબૂમ કરવા લાગ્યા, ‘અલ્યા, અમને આ નરકમાંથી કાઢો !’
ત્યાં તો આકાશવાણી થતો હોય એવો અવાજ સંભળાયો : ‘આ નરક નથી ! સ્વર્ગ જ છે… ઓન પેપર !!’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment