ઇન્ફ્લુએન્સરો એને કહેવાય જે બીજા લોકો ઉપર પોતાનો પ્રભાવ પાડીને કોઈ નવી વાતમાં ‘ઇન’ કરાવે છે… ફેશન, મ્યુઝિક, ફૂડ, વિચારો વગેરે…
પણ આઉટ-ફ્લુએન્સરો શું કરે છે ? તમને ‘આઉટ’ કરી શકે છે ! ક્યાં ક્યાંથી…
***
ન્યુઝ ચેનલના એન્કરો :
ઘાંટા પાડી પાડીને ડિબેટ ચલાવતા, કોઈને પુરું બોલવા ના દેતા, સામેની વ્યક્તિના મોંમાં આંગળાં નાખીને ધાર્યું બોલાવનારા… અને ખાસ તો બધા વચ્ચે ઝગડો ચાલુ કરાવીને બબ્બે મિનિટ સુધી મચ્છી મારકેટ જેવું વાતાવરણ કરતા હોય એવા ન્યુઝ ચેનલની ડિબેટના એન્કરો…
જતે દહાડે તમને ન્યુઝ ચેનલો જ જોવાનું બંધ કરવાની ફરજ પાડે છે ! આઉટ…
***
ટીવી સિરીયલના લેખકો :
એ જ સાસુ-વહુના ઝગડા, નણંદ-ભાભીના કકળાટો, મિલકતના વિખવાદો, લગ્ન બહારના આડા સંબંધો અને પાંચસો સાતસો એપિસોડો પછી પણ કદી ન ખતમ થતી વાર્તાઓ વડે મગજની નસો ખેંચતી રહતી સિરીયલોના લેખકો…
જતે દહાડે તમને (ખાસ તો પુરુષોને) સિરીયલો જોતાં બંધ કરી દે છે ! આઉટ… નીકળો અહીંથી !
***
ગુજરાતી ન્યુઝ ચેનલોની ભાષા :
‘ઘટના ક્રમમાં વડાંક’ ‘નીકાડ્યું ભેદી સિક્રેટ’ ‘પકળાયા પાંચ જન’ ‘આવેલ, ગયેલ, થયેલ, મળેલ, ઉમટેલ…’ અને ‘હોઈ છે’ … જેવું ગડબડીયું ગુજરાતી લખાણ દર્શકોનો માથે મારીને…
જતે દહાડે શુધ્ધ ગુજરાતીને ન્યુઝ ચેનલમાંથી વિદાય આપીને જ જંપશે ! આઉટ… બાઈ બાઈ !
***
કરણ જોહર જેવા પ્રોડ્યુસરો :
ઢંગધડા વગરની વાર્તા, સંસ્કાર વિનાના પાત્રો, હાઈ-ફાઈ વિદેશી કલ્ચર, ઉઠાંતરી કરેલાં રી-મેક, મૌલિકતા વિનાનું રિ-મિક્સ અને ચોક્કસ એજન્ડા ઘૂસાડવાનાં પેંતરાઓ વડે…
આખરે ફિલ્મ જોનારા પ્રેક્ષકોને થિયેટરમાં જતાં જ બંધ કરાવી દીધા ને ! અભિનંદન…
***
અને આજકાલની મમ્મીઓ :
‘બેટા ઈટ કરો… ડ્રીંક કરો… ટચ નહીં કરવાનું… વૉચ કરો… લર્ન કરો…’ જેવી વિચિત્ર ભાષા બોલીને આજની મમ્મીઓ આખરે એક દિવસ..
‘માતૃભાષા’ને જ ‘આઉટ’ કરી દેશે ! જોતા રહેજો…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment