કમનસીબીના પણ નિયમો !

તમે માર્ક કરજો, તમે ટોલ-ટેક્સ માટે જે લાઈનમાં જોડાઓ છો કે તરત એ લાઈન સૌથી ધીમી પડી જાય છે !

જી હા, આ ‘બૅડ-લક’નો અફર નિયમ છે ! આ સિવાય પણ બીજા ઘણા નિયમો છે…

*** 

ઇમ્પોર્ટન્ટ વસ્તુનો નિયમ :
જે ચીજને તમે બરોબર ‘સાચવી’ને બિલકુલ ‘ઠેકાણે’ રાખી હોય તે ચીજ ખરે ટાઈમે તમને મળતી જ નથી !

*** 

ઇમ્પોર્ટન્ટ વ્યક્તિનો નિયમ :
જે વ્યક્તિ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોવા છતાં તમને સામે ચાલીને મળવા આવે… એવું ફક્ત ચૂંટણી વખતે બને છે !

*** 

મદદનો નિયમ :
‘કંઈ પણ મદદની જરૂર હોય તો કહેજો’ એવું કહેનારા પાસે જ્યારે તમે પૈસાની મદદ માગો ત્યારે જ તેના પૈસા બીજે કયાંક ‘ફસાયેલા’ હોય છે !

*** 

ઓફિસ-ટાઈમનો નિયમ :
જે દિવસ તમે ઓફિસમાં લેટ પહોંચો છો એ જ દિવસે બોસ ટાઈમસર આવેલા હોય છે !

*** 

રોંગ નંબરનો નિયમ :
જ્યારે તમે ભૂલથી રોંગનંબર લગાડો છો ત્યારે તે કદી ‘બિઝી’ હોતો નથી… પરંતુ…

અજાણ્યા નંબરનો નિયમ :
ફોન પર ધંધો મળશે એમ સમજીને તમે જે સત્તર અજાણ્યા નંબરના ફોનો ઉપાડી લો છો એ તમામ ‘ચીટકુ’ માર્કેટિંગવાળાના જ નીકળે છે !

*** 

બોસના ફોનનો નિયમ :
જ્યારે તમે ગરમાગરમ ચાનો કપ લઈને શાંતિથી ચૂસ્કીઓ મારીને પીવાના મૂડમાં હો ત્યારે જ બોસનો ફોન આવે છે ! ...અને તે ચા ઠંડી પડી જાય ત્યાં સુધી ચાલે છે !

*** 

મશીન રિપેરીંગનો નિયમ :
જ્યારે તમારા બંને હાથ ગ્રીઝ કે ઓઇલથી ખરડાયેલા હોય ત્યારે જ તમને નાક ઉપર ખંજવાળ આવશે !

*** 

લગ્નનો નિયમ :
પચ્ચીસ ઠેકાણાં જોયાં પછી લગ્ન માટે જે છોકરી માટે કે છોકરા માટે તમે ‘હા’ પાડી હતી એ જ તમારી પત્ની કે પતિ બને છે ! છતાં…

છતાં આખી જિંદગી તમે વાંક તો ‘નસીબ’નો કાઢો છો ! પણ આ જ નિયમ છે, શું થાય ?

***

- મન્નુ શેખચલ્લી

Comments