અસલી 'ઈન્ફ્લુએન્સરો' કોણ ?

આજકાલ સોશિયલ મિડીયાના ઇન્ફ્લુએન્સરોના જે કિસ્સાઓ આવે છે તે જાણીને એમ થાય કે ‘આવા ઇન્ફ્લુએન્સરો’ ?
હકીકતોમાં જુના જમાનામાં જ ‘અસલી’ ઇન્ફ્લુએન્સરો હતા ! યાદ કરો…

*** 

રાજેશ ખન્ના :
પેન્ટ ઉપર કુરતો ! ગુરુશર્ટ ! એક આખું ફેશનવેવ આ માણસે શરૂ કરેલું ! અને છોકરીઓ ? તોબા તોબા… એ તો એવી જબરદસ્ત ‘ઇન્ફ્લુઅન્સ’માં હતી કે પોતાના લોહીથી એમને પ્રેમપત્રો લખતી હતી !

*** 

અમિતાભ બચ્ચન :
દેશના અડધો અડધ જુવાનિયા આમનું જોઈને, કાન પર વાળ રાખતા થઈ ગયેલા ! એટલું જ નહીં, ઊંચા ઊંચા હિલ્સવાળા જુતાં, મોટા મોટા કોલરવાળાં શર્ટ અને બત્રીસની મોરીવાળાં પેન્ટ ! ઇન્ફ્લુઅન્સ… ભાઈ, ઇન્ફ્લુઅન્સ !

*** 

અમીન સાયાની :
આ તો બંનેના ‘પિતાશ્રી’ થાય એવા હતા ! છેક  ’૫૦ના દાયકાથી ‘આવાઝ કી દુનિયા’ ઉપર એમનું એકચક્રી રાજ હતું ! ત્યાં સુધી કે ગામડે ગામડે ફિલ્મોના પ્રચાર માટે ફરતી રીક્ષાના ‘એનાઉન્સર’ હોય કે ઇવન છેક હમણાં સુધી ફિલ્મી ઓરકેસ્ટ્રાના ‘એન્કર’ હોય… અમીન સાયનીની ‘અસર’માં જ હતા !

*** 

મુકેશ :
આ ગાયકની ઇન્ફ્લુઅન્સ અલગ જ લેવલની હતી ! એક તો મુકેશજી પોતે કોઈ પણ ગાયનમાં કોઈ જાતનાં નખરાં કરતાં નહીં, એટલે એમની ‘કોપી’ કરવા માટે બસ, સ્હેજ નાકમાંથી ગાઓ… એટલે ‘મુકેશ’ !

*** 

બોબી :
આ એક ફિલ્મને લીધે ‘રાજદૂત’ની એ ‘બોબી’ બાઈક હજારોની સંખ્યામાં વેચાઈ ગઈ હતી ! જરા વિચારો, રીશી કપૂર અને ડિમ્પલ જો કોઈ નવા મોડેલની સાઇકલ પર ભાગ્યાં હોત તો તો લાખો ‘સાઈકલો’ વેચાઈ ગઈ હોત કે નહીં ? (અને ડિમ્પલનું પેલું ‘પોલકા ડોટ’વાળું ફ્રોક ? ગામેગામ પહોંચેલું !)

*** 

રાજશેખર રેડ્ડી :
આંધ્રપ્રદેશના આ ચીફ મિનિસ્ટરનું મોત થયું એની પાછળ આઘાતમાં કંઈ ડઝનબંધ લોકોએ આત્મહત્યા કરી હતી ! આને પણ ‘ઇન્ફ્લુએન્સર’ તો ગણવા પડે ને.

*** 

બાકી, જો તમે મોદી સાહેબનું નામ લેવાના હો, તો ભૂલી જ જજો !

કેમકે રાહુલબાબા જેવા કોઈ ઇન્ફ્લુએન્સર નેતા પેદા નથી થયા !! જુઓને, એમની ઇન્ફ્લુઅન્સમાં જગવિખ્યાત અર્થશાસ્ત્રીઓ, ભારતના મોટામાં મોટા પત્રકારો, કંઈ કેવા કેવા બુદ્ધિજીવીઓ, પ્રોફેસરો, વકીલો, લેખકો અને ફિલ્મીસ્ટારો છે !

અને સાહેબ હજી તો એ પુરેપુરા ‘મેચ્યોર’ નથી થયા ! જ્યારે ‘મેચ્યોર’ થશે ત્યારે તો ક્યાં પહોંચશે ? આહાહા…

***

- મન્નુ શેખચલ્લી

Comments