વિમાન ઉદ્યોગના ફેક - ન્યૂઝ !

દોસ્તો, ફેક ન્યુઝ અને ‘ફેંક’ ન્યુઝમાં હવે ઝાઝો ફરક રહ્યો નથી છતાં સંજોગો એવા છે કે ફેક ન્યુઝનું મનોરંજન અમારે ચાલુ રાખવું પડે છે !

… મોટી ખબર આવી રહી છે ઓનલાઈન એજ્યુકેશનના ફિલ્ડમાંથી ! તમને જાણીને આનંદ થશે કે હવે ઓનલાઈન શિક્ષણ માત્ર મોબાઈલ કે લેપટોપ સુધી સીમિત રહ્યું નથી બલ્કે હવે તો ઘેરબેઠાં ટીવી વડે પણ પ્રાપ્ત કરી શકાય છે !

ભારત માટે આ ગર્વની ક્ષણ છે… કેમકે હવે ભારત વિશ્ર્વમાં એવો પહેલો દેશ બનવા જઈ રહ્યો છે જે ન્યુઝ ચેનલો દ્વારા એવિએશન ઇન્ડસ્ટ્રીનો ડિપ્લોમા ભણાવે છે ! … એ પણ બિલકુલ ‘ફ્રી’માં !

જી હા, આ ડિપ્લોમા દુનિયામાં સૌથી ‘ઊંધો’ છે… કેમકે અહીં વિમાન શી રીતે ‘ઉડાડવું’ એ શીખવાડતાં પહેલાં ભલભલાં વિમાનો શી રીતે ‘તૂટી’ પડે છે તે ઘાંટા પાડી પાડીને ભણાવવામાં આવે છે !

ભારત પાકિસ્તાન યુદ્ધ વખતે લાહોર અને રાવલપિંડીના ભૂક્કા બોલી ગયા હોવાના ન્યુઝનું ‘લાઈવ’ રિપોર્ટીંગ કરનારા જે ન્યુઝ એન્કર હતા, તેમણે વધુ માહિતી આપતાં જણાવ્યું હતું કે...
 
વિમાનની ટાંકી જ્યારે ૧૦૦૦ ડીગ્રી તાપમાન સાથે ફાટે છે ત્યારે શું શું થાય છે તેનું ‘લાઈવ’ ડેમોન્સ્ટ્રેશન આપવા જતાં પોતાની ટચલી આંગળીનો નખ શી રીતે ‘ભડભડ’ કરતાં બળી ગયો હતો… અને શી રીતે પોતે પોતાની બાકીની આંગળીઓ જીવના જોખમે બચાવીને ‘હેમખેમ’ સ્ટુડિયોની બહાર આવી ગયાં હતાં !

એક મોટી ન્યુઝ ચેનલના નાના એન્કરે જણાવ્યું હતું કે ટુંક સમયમાં તેઓ ‘ડિપ્લોમા ઇન બ્લેક-બોક્સ ડિ-કોડીંગ’નો કોર્સ પણ શરૂ કરવાના છે. જોકે આ કોર્સ અમદાવાદના વિમાનનું બ્લેક બોક્સ ખુલે પછી જ શરૂ થશે !

દરમ્યાનમાં આવી રહ્યા છે એક જબરદસ્ત બ્રેકિંગ ન્યુઝ…! બ્રેકિંગ ન્યુઝ…! બ્રેકિંગ ન્યુઝ…!

પાકિસ્તાનમાં આવેલા આતંકવાદી કેમ્પના બંકરમાં છુપાઈને બેઠેલા અમારા ગુપ્ત ખબરપત્રી જણાવે છે કે અહીં ભારતના ડઝનબંધ વિમાનોને ઉડાવી મુકવાનો એક ‘ખૂફિયા ખતરનાક’ પ્લાન ઘડાઈ ચૂક્યો છે !

જી હા ! આ આતંકવાદીઓ હવે ભારતના વોટ્સએપ એક્સ્પર્ટો પાસેથી ગુપ્ત રીતે એવી ટ્રેનિંગ લેવાના છે કે પેટ્રોલની ટાંકીની એક જ સ્વીચ બંધ કરીને વિમાનને કેવી રીતે ‘ભૂમ્‌મ્‌મ્‌’ કરી શકાય !

વધુ મનોરંજક ખબરો માટે જોતા રહો ભારતીય ન્યુઝ ચેનલો, સોરી, અમારી આ ખાસ ફેક-ન્યુઝ ચેનલ !

***

- મન્નુ શેખચલ્લી

Comments