આજકાલ મિડલ ક્લાસમાં પણ બે પ્રકાર થઈ ગયા છે. એક તો છે સિમ્પલ મિડલ ક્લાસ, જે હજી ભાડાના ઘરમાં રહે છે અને ટુ-વ્હીલર ચલાવે છે.
બીજા છે ‘અપર-મિડલ’ ક્લાસ, જેનું પોતાનું ઘર છે, પોતાની કાર છે, છતાં…
***
જો તમે જોશમાં આવીને કાર તો લઈ લીધી હોય, પરંતુ રોજ નોકરીએ જવા માટે હજી બાઈક ચલાવતા હો તો…
- તો તમે અપર-મિડલીયા છો !
***
જો તમે ભલે અઠવાડિયે એક વાર ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા હો, અને મહિને એક વાર મોંઘી રેસ્ટોરન્ટમાં જમવા જતા હો…
પણ રેસ્ટોરન્ટની બહાર નામ નોંધાવીને દોઢ કલાક સુધી મોબાઈલ મચડ્યા પછી, જ્યારે નંબર આવે ત્યારે અંદર જઈને, મેનુમાં ‘કિંમત’ જોઈને ઓર્ડર આપતા હો…
અને જમી લીધા પછી વધેલી વાનગીઓ ‘પેક’ કરાવીને ઘરે લાવતા હો…
- તો તમે અપર-મિડલીયા છો !
***
જો તમે લેટેસ્ટ મુવી માટે મલ્ટિપ્લેક્સમાં જઈને ચાર જણા વચ્ચે હજાર દોઢ હજાર વેડફી નાંખવાને બદલે, એ ફિલ્મ ‘ઓટીટીમાં આવવાની જ છે ને ?’ એમ વિચારતા હો …
- તો તો તમે અપર-મિડલીયા છો જ ! પણ…
જો ઓટીટીનું લવાજમ ભરતાં ખબર પડે કે આમાં અમુક ચેનલમાં એક લવાજમ ઉપર પાંચ અલગ અલગ લોકો જોઈ શકે છે, તો તમે ફોનમફોની કરીને શોધી કાઢ્યા પછી રિક્વેસ્ટ કરો છો કે ‘બોસ, તમારામાં હજી એક બે નામ બાકી હોય તો આપડું બી કરી દો ને -’
- તો તમે સાચા અપર-મિડલીયા છો !
***
બાકી, દૂધના ભાવમાં બે રૂપિયા વધે, શાકના ભાવમાં પાંચ રૂપિયા વધે, બાળકોની છ મહિનાની સ્કૂલ ફીમાં ૫૦૦ રૂપિયા વધે કે ડોલર સામે રૂપિયાનો આંકડો વધી જાય ત્યારે જો તમે કકળાટ કકળાટ કરી મુકતા હો…
- તો માત્ર તમારી મેન્ટાલીટી જ ‘સિમ્પલ મિડલ ક્લાસ’ની છે ! ડોન્ટ વરી.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment