થ્રી ઈડિયટ્સની સાચી સિક્વલ !

આજકાલ ફિલ્મોની જે સિક્વલો બને છે એના ફિલ્મના નામ સિવાય કશું કોમન હોતું જ નથી ! એમાંય ‘હાઉસફૂલ-ફાઈવ’ તો માત્ર ૧૫૦ સીટવાળા સ્ક્રીનમાં પણ 'હાઉસફૂલ' નથી થતી !

આ હિસાબે જો ‘થ્રી-ઇડિયટ્સ’ની સિક્વલ રીયાલીટીને ધ્યાનમાં રાખીને બનાવી હોય તો ? જુઓ…

*** 

રેન્ચો (આમિર ખાન)
એની નિશાળ પર શિક્ષણખાતાની રેડ પડશે ! સત્તર સવાલો પૂછશે કે ‘કયા સ્કૂલ બોર્ડનો સિલેબસ ચલાવો છો ?’ ‘કેટલી ફી લો છો ?’ ‘આ હોસ્ટેલનો પટાવાળો અહીં ટીચર શી રીતે બની ગયો ?’ ‘વિજ્ઞાન સિવાય બીજા કોઈ સબજેક્ટો કેમ નથી ભણાવતા ?’ ‘તમારું પોતાનું ક્વોલિફીકેશન શું છે ?’

રેન્ચો કહેશે : ‘બોસ, હું જિનિયસ છું ! મારા નામે સેંકડો વૈજ્ઞાનિક શોધની પેટન્ટો છે.’

‘પેટન્ટો ના ચાલે ! તમારું સર્ટિફઇકેટ બતાડો.’

રેન્ચો જ્યારે સર્ટિફીકેટ બતાડે છે કે તરત એની ધરપકડ થઈ જાય છે ! કેમકે સર્ટિફીકેટમાં તો ‘રણછોડદાસ ચાંચડ’નું નામ લખેલું છે !

*** 

રાજુ રસ્તોગી (શરમન જોશી)
એની હાલત રેન્ચો કરતાં ય ખરાબ છે !
પેલા પ્રિન્સીપાલ વીરુ સહસ્રબુધ્ધે રહી રહીને રાજુ ઉપર એક્ઝામનું પેપર ફોડવાનો કેસ ઠોકી દીધો હતો ! એના કારણે બિચારો છ વરસ જેલમાં હતો.

જેલમાંથી બહાર આવ્યા પછી પોલીસે એની ઉપર ‘આત્મહત્યાના પ્રયાસ’નો કેસ ઠોકી દીધો ! 

રાજુએ કીધું કે ‘પેલા ખેડૂતો આત્મહત્યા કરે છે એમને તો પાંચ-પાંચ લાખ મળે છે !’

પોલીસે કીધું ‘તે મળે જ ને ? એન્જિનીયરોની કોઈ વોટ બેન્ક થોડી છે ?’

*** 

ફરહાન (માધવન)
એની દશા સૌથી ખરાબ છે ! કેમકે હવે તો મોબાઈલમાં જ એટલા જોરદાર ફોટા પડે છે કે ફોટોગ્રાફરો ભૂખે મરી રહ્યા છે !

એમાંય, ફરહાનના વાઈલ્ડ લાઈફ ફોટાને કઈ સુંઘતું પણ નથી ! કેમકે ‘એઆઈ’ વડે જેવાં જોઈએ એવા પ્રાણીઓ મસ્ત પોઝ આપે છે.

*** 

ચતૂર (ઓમી વૈદ્ય)
આ મારો  બેટો એક જ કમાયો છે ! મલ્ટિ નેશનલ કંપનીની નોકરી છોડ્યા પછી પાંચ-દસ સ્ટાર્ટ-અપની શેરબજારમાં મોટી મોટી વેલ્યુ ઊભી કરીને, એ કંપનીઓ વેચી મારીને, મિલિયોનેર બની ગયો છે !

અને હા, બેન્કો જોડે ફ્રોડ કરીને ફોરેન શી રીતે ભાગી જવું એની ‘કન્સલ્ટન્સી’ ચલાવે છે ! વિજય માલ્યા એનો પહેલો ક્લાયન્ટ હતો..

***

- મન્નુ શેખચલ્લી

Comments