‘યે દોસ્તી… હમ નહીં તોડેંગે’ એવું ગાનારા જીગરજાન દોસ્ત ટ્રમ્પ અને મસ્ક હવે ‘દોસ્ત દોસ્ત ના રહા…’ ગાઈ રહ્યા છે ?
ના ! એ બંને એક બીજું જ ગાયન ગાઈ રહ્યા છે : ‘મેરે દુશ્મન… તૂ મેરી દોસ્તી કો તરસે !’
આ સિવાય પણ આ ઇન્ટરનેશનલ ડ્રામેબાજીમાં ઘણી રમૂજો છે. જેમ કે…
***
‘જે રીતે લવમાં બ્રેક-અપ પછી ગર્લફ્રેન્ડ ‘એક્સ-ગર્લફ્રેન્ડ’ બની જાય છે. એ જ રીતે હવે ટ્રમ્પ મસ્કની ‘કંપની’ નહીં… ‘એક્સ’ છે !’
***
અમેરિકામાં જોક ચાલી છે કે ટ્રમ્પ હવે મસ્કને ‘દેશનિકાલ’ કરવાના એક્ઝિક્યુટીવ ઓર્ડર આપી દેશે ! (કેમકે મસ્ક મૂળ અમેરિકન નથી.)
તો બીજી તરફ રશિયાએ મસ્કને પોતાના દેશમાં શરણ આપવાની ઓફર આપી છે !
સાલું, આ કોઈ ‘બ્રેક-અપ’ થયેલી છોકરી પર ‘લાઈન’ મારનાર રોમિયો જેવું નથી લાગતું ? સાચું કહેજો.
***
કેમકે હજી ટ્રમ્પ-મસ્કનું બ્રેક-અપ થયું એના અડતાલીસ કલાકમાં તો ભારતે પણ મસ્કની ‘સ્ટારલિંક’ને ભારતમાં એન્ટ્રી માટે લીલી ઝંડી આપી દીધી છે !
હવે આમાં પેલાં ઇટાલીવાળાં મેલોની આપણા મોદી સાહેબ ઉપર ‘શક’ ના કરે તો સારું !
***
આમ જોવા જાવ તો આ બોલીવૂડની એક નવી સિકવલનો મસાલો છે… ‘લવ ‘એક્સ’ ઔર ધોકા… ઈન યુએસ !’
***
હોલીવૂડ પણ એક ફિલ્મ એનાઉન્સ કરી શકે છે : ‘મિસ્ટર ‘એક્સ’ ઇન વ્હાઈટ હાઉસ !’
***
કહે છે કે એલન મસ્ક હવે નવી પોલિટીકલ પાર્ટી બનાવવાના છે.
- યસ્સ… એના ચૂંટાયેલા સાંસદો હવે હોલીવૂડના અસલી સ્ટાર્સ હશે, કેમકે એ કહેવાશે… ‘એક્સ-મેન !’
***
મસ્ક પોતાના સ્ટાર ડ્રેગન પ્રોજેક્ટને ‘નાસા’થી અલગ કેમ કરી નાંખવા માગે છે ?
કેમકે મસ્કના હિસાબે હવે એમની રીલેશનશીપમાં ‘સ્પેસ’ની જરૂર છે !
***
બાકી આ બંને નાટકબાજોનાં લખ્ખણ જોતાં લાગે છે કે બે જ મહિનામાં બંને જણા જાહેરમાં એકબીજાને આલિંગન આપતા દેખાશે ! જોજો તમે…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment