મોદીભક્તો અને રાહુલભક્તો !

આજકાલ સંત મહાત્માઓ કરતાં નેતાઓના ભક્તો વધારે છે ! એમાંય બે ટાઈપના ભક્તો સ્પેશીયલ છે : મોદીજીના ભક્તો અને રાહુલજીના ભક્તો…

*** 

મોદીજીના ભક્તો એવા છે કે મોદીજી જીતે તો ‘વાહ વાહ…. છપ્પનની છાતી… શેર આયા…’ એમ કરીને રંગમાં આવી જાય છે. પણ જો ભાજપ હારે, તો ગુસ્સામાં આવી જાય છે ! ‘કેમ હાર્યા ? કોણે દગો કર્યો ?’ વગેરે.

જ્યારે રાહુલજીના ભક્તો બિચારા કેટલા સારા ! રાહુલજી આટલું બધું હારે છે તો પણ એમનો સાથ છોડતા નથી !

*** 

મોદીજીના ભક્તો કહે છે કે જુઓ, આટલી ઉંમર થઈ છતાં સાહેબ કેટલા ફીટ છે !

જ્યારે રાહુલજીના ભક્તો કેટલા ડાહ્યા ! કહે છે કે ‘આ ઉંમરે પણ કેટલા ‘મેચ્યોર’ થઈ રહ્યા છે !’

*** 

મોદીજીના ભક્તો માટે મોદીજી ‘હિન્દુ હૃદય સમ્રાટ’ છે ! બસ ફાઈનલ !

જ્યારે રાહુલજીના ભક્તોની આખી વાત જ અલગ છે ! એમના હિન્દુ ભક્તો માને છે કે રાહુલજી હિન્દુ છે, મુસ્લિમ ભક્તો માને છે કે રાહુલ મુસ્લિમ છે. એ તો ઠીક, સેક્યુલરો પણ માને છે કે રાહુલજી ‘સેક્યુલર’ છે !

*** 

અમુક લોકો જ્યારે મોદીજીની ડીગ્રી માગે છે ત્યારે મોદી ભક્તો ઉશ્કેરાઈ જાય છે !

જ્યારે રાહુલ ભક્તો કેટલા સારા ? રાહુલજી ‘બીસ રુપયે લીટર ગેહું’ બોલે કે, ‘જલેબી કી ફેકટરી’ લગાવવાની વાત કરે, કે પછી ‘વિશ્વેશ્વરૈયા’ બોલતાં બોલતાં ગોથાં ખાઈ જાય છતાં એમના ભક્તોને ખાતરી છે કે રાહુલજી કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જ ભણીને આવ્યા છે !

*** 

કોંગ્રેસી નેતાઓ પાર્ટી બદલીને ભાજપમાં આવી જાય તો મોદીજીના ભક્તો એમને ‘ક્લીન-ચીટ’ આપીને ચૂપ થઈ જાય છે.

પણ રાહુલજીના ભક્તો કેટલા ચકોર ? કે જેવા કોઈ કોંગ્રેસી ભાજપમાં જોડાય કે તરત જ એમને જ્ઞાન થઈ જાય છે કે ‘બોલો, આવા આવા ‘ભ્રષ્ટ’ નેતાઓને ભાજપવાળા પોતાની પાર્ટીમાં સંઘરે છે !’

*** 

બાકી મોદી ભક્તો મોટાં મોટાં સપનાં જુએ છે કે ભારત એક દિવસ ‘વિશ્વગુરુ’ બની જશે !

જ્યારે રાહુલ ભક્તો સાવ નાનકડું સપનું જુએ છે કે એક દિવસ રાહુલજી ‘વડાપ્રધાન’ બની જશે ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments