કમલ 'ગટ્ટી'નું સ્કૂલ કારસ્તાન !

હવે જ્યારે જુના સમયની નિશાળોના કિસ્સાઓ ચાલ્યા છે તો વધુ એક તોફાની કિસ્સો…

વાત છે એક કમલ જોશી નામના છોકરાની. અમારા પાલનપુર ગામના વિવિધલક્ષી વિદ્યામંદિર નામની શાળામાં ભણતા આ છોકરાનું વિવિધ પ્રકારનું લક્ષ્ય નિશાળમાં તોફાન કરવાનું જ રહેતું હતું !

ચાલુ ક્લાસે પાછળની બેન્ચ પાસે અચાનક ફૂગ્ગો ફૂટે… શિક્ષક કંઈક લખવા માટે બ્લેક બોર્ડ તરફ ફરે ત્યાં તો રબર બેન્ડથી બનેલી ગુલેલ વડે એમની પીઠ ઉપર ચોકના ટુકડા વડે ‘નિશાની’ છોડે… હાજરી પત્રક ખુલે ત્યાં તો અંદરથી મરેલી ગરોળી નીકળે… 

સવારે પટાવાળો ક્લાસનો દરવાજો ખોલે ત્યાં તો અંદર આખી રાત પુરાઈ રહેલો બિલાડો ઘૂઘવાટા કરતો એની ઉપર કૂદે… અથવા હજી બે પિરિયડ બાકી હોય ત્યાં તો શાળા છૂટી ગયાનો ઘંટ વાગવા લાગે… આ તમામ કારસ્તાનોનું મૂળ શોધતાં છેવટે આપણા કમલ જોશીનું જ નામ નીકળે !

કમલ ‘ગટ્ટી’ હાઈટમાં જરા બાંઠીયો. પણ શરીર મજબૂત. એમાં વળી એનસીસીમાં જોડાયો પછી એણે થોડી ‘પોઝિટીવ’ કહેવાતી સિધ્ધિઓ પણ મેળવી, જેમકે જિલ્લા કક્ષાના કેમ્પમાં રાઈફલ શૂટિંગમાં પહેલો નંબર, પરેડમાં બેસ્ટ કેડેટનું ઈનામ… વગેરે.

હવે જ્યારે નિશાળમાં એનાં સર્ટિફીકેટ વિતરણનો સમારંભ યોજાયો ત્યારે પ્રિન્સીપાલ સાહેબે આ કમલને હાથમાં કાગળિયું પકડાવતાં અને ફોટા માટે સ્માઈલ આપતાં પહેલાં કીધેલું કે ‘જો બકા, તારું વર્તન સારું હશે તો નિશાળના બેસ્ટ સ્ટુડન્ટનો મેડલ હું તને જ અપાવીશ !’

આ ‘પ્રેરક’ વાક્યથી જાણે કમલનું હૃદય પરિવર્તન થયું હોય તેમ તે શાળાની વિવિધ એક્ટિવીટીમાં જોશભેર ભાગ લેવા લાગ્યો.

એ જમાનામાં ઉત્તર ગુજરાતની નિશાળોમાં સ્પોર્ટ્સનું બહુ મહત્ત્વ રહેતું હતું. દરેક નિશાળમાં વોલીબોલ, ફૂટબોલ, કબડ્ડી, ખોખો, ગોળાફેંક, ભાલાફેંક, મલખમ… એવી રમતોની જબરદસ્ત તૈયારીઓ ચાલે. એટલું જ નહીં, જ્યારે પાલનપુરમાં જિલ્લા કક્ષાનો રમતોત્સવ ઉજવાય ત્યારે જુદી જુદી સ્કૂલોની ટીમો સામસામી મારામારી સુધી પહોંચી જતી હતી !

જોકે કમલને ત્યાં સુધી બહાદુરી બતાડવાનો મોકો મળે એ પહેલાં એમની સ્કૂલનો વાર્ષિક ઉત્સવ આવી પહોંચ્યો. એમાં સ્કૂલના બેન્ડ સાથે પરેડ થવાની હતી, ખોખો, કબડ્ડી, વોલીબોલ, ફૂટબોલ ઉપરાંત ક્રિકેટ મેચ પણ રમાવાની હતી.

આપણા કમલે પરેડમાં ભાગ લીધેલો. એને હતું કે વાર્ષિક ઉત્સવની પરેડમાં તેને કેપ્ટન તરીકે આગેવાની કરવા મળશે. કમલે કબડ્ડીની ટીમમાં પણ જોશભેર પ્રેક્ટિસ કરવા માંડેલી, એ જ રીતે ક્રિકેટ ટીમમાં પણ ફૂલ-પ્રેક્ટીસ જારી હતી.

થોડા સમય માટે કમલનાં તોફાની કારસ્તાનો બંધ થઈ ગયાં ! 'ગટ્ટી' યાને કે ઓછી હાઈટવાળા છતાં શરીરે મજબૂત એવા કમલનું ‘ફોકસ’ બદલાઈ ગયું.

ક્રિકેટ મેચ માટે સમસ્યા એ હતી કે ગ્રાઉન્ડમાં પ્રોપર કહી શકાય એવી પિચ જ નહોતી. તો આપણો કમલ એમાં મચી પડ્યો. પાવડા વડે માટી ખોદવાની, પછી એમાં રોડાં ભરવાનાં, પછી ફરી માટી.. એમા પાણી પાવાનું… અને છેવટે પેલું લોખંડનું ભારે રોલર !

કમલ અને એના બીજા દોસ્તો એ રોલરને જાતે ખેંચે ! એમ કરતાં કરતાં પુરા પંદર દહાડે તો પિચ તૈયાર થઈ !

એવું જ કબડ્ડીના મેદાનનું. અહીં થોડી પોચી અને ભીની માટી જોઈએ. ખાસ પ્રકારની માટીનાં ઢેફાં ભાંગવાના, એમાં બીજી સૂકી માટી ભેળવવાની, રેતી ઉમેરવાની, મોટા ચોરસ ચાળણામાં ચાળવાની… આ બધી મહેનતમાં પણ કમલ આગળ !

એવું જ પેલી પરેડના ટ્રેકનું ! અહીં ટ્રેકને સાફસૂફ કરવાનો, ટ્રેકની બંને તરફ ચૂના વડે પટ્ટા દોરવાના, સ્કૂલા બેન્ડ માટે જ ઈંટ માટીનું સ્ટેજ ઊભું કરેલું તેના ઉપર ગેરુ ચોપડવાનો… આમાં પણ આપણો કમલ ફૂલ ફોર્મમાં આગળ !

આ બધાની સાથે સાથે કબડ્ડીની પ્રેક્ટીસ તો ચાલુ જ ! ઉપરથી ક્રિકેટ ટીમમાં પણ એન્ટ્રી લેવી હતી એટલે ત્યાં પણ નાની મોટી સેવા માટે કમલ હાજર !

આપણા હોંશીલા કમલ કુમારનો ટાર્ગેટ ‘બેસ્ટ સ્ટુડન્ટ’ મેડલ લેવાનો હતો. એમાંય એનસીસીના સરે તો કમલને કહી જ દીધેલું કે ‘પરેડની આગેવાની તારે જ કરવાની છે’ આના કારણે કમલ ક્યારેક રાતના સપનામાં ‘આગેએએ બઢ !’ બોલતાં બોલતાં પલંગમાંથી ગબડી પડતો હતો !

પરંતુ પરેડના આગલા દિવસે સાહેબ ફરી ગયા ! એ કહે ‘કમલ આ વખતે તું જરા રહેવા દે ને, કેમકે આપણી સુધરાઈ પ્રમુખના દિકરાને બહુ શોખ છે, પરેડના લીડર બનવાનો ! પ્રિન્સિપાલ સાહેબે ખાસ કહેવડાવ્યું છે કે એ બાબાને જરા સાચવી લેવાનો છે.’

કમલ ઘીસ ખાઈ ગયો. પણ શું કરી શકે ?

જોકે વાત ત્યાંથી જ અટકી ગઈ હોત તો હજી ઠીક હતું પરંતુ જ્યારે કબડ્ડીની ટીમની જાહેરાત થઈ તો એમાં કમલનું નામ જ નહીં ! 

કમલે જઈને પીટી સર જોડે ઝગડો કર્યો. તો સર કહે છે ‘કમલ, તું છે ને, થોડો ગટ્ટી છે. કબડ્ડીમાં જબરા છોકરા જોઈએ. તારી હાઈટ વધે ત્યારે તારો નંબર લાગવાનો જ છે ને ?’

આવું જ સાલું ક્રિકેટમાં થયું ! ટીમમાં બારમા ખેલાડી તરીકે પણ એનું નામ નહીં ! કારણ શું ? તો કહે ‘તું ખાલી ફિલ્ડીંગમાં જ ચાલે, બાકી…’

બસ, હવે કમલને ‘ચાટી ગઈ ’ ! સાલું, સ્કૂલ માટે આટઆટલું કર્યું એનું આ ઈનામ ? એણે હવે પ્લાન બનાવવાના શરૂ કર્યા…

સૌથી પહેલાં એ પહોંચ્યો એના સાથીઓની ટોળકી લઈને ગામના વગડામાં ! અહીં ખેતરની પાળે જે ‘હાથલા થુવર’ ઉગ્યા હોય તે કાપી-કાપીને ભેગા કર્યા. તમને ખબર હોય તો આ હાથલા થુવરના દરેક ‘હાથ’ ઉપર મોટા મોટા કાંટાના ઝુમખાં હોય છે.

ટોળકીએ છરી વડે આ કાંટાના ઝુમખાં કાપીને ભેગા કર્યા એક મોટા થેલામાં. આ હતું કમલનું ‘મિશન-વન’. બીજા નંબરના મિશનના બે જ સાધનો હતાં એક કોદાળી એ એક પાવડો ! એ મિશન નંબર ત્રણ માટે જરૂર હતી એક લાંબા વાંસડાની અને મોટી ટોર્ચની !

વાર્ષિક ઉત્સવની આગલી રાત્રે આ ટોળકી પહોંચી સ્કૂલના ગ્રાઉન્ડમાં. (તે સમયે આજની જેમ સ્કૂલના મેદાનોની આજુબાજુ કમ્પાઉન્ડ વોલો નહોતી. એટલુ જ નહીં, એકાદ ચોકીદાર હોય તે સ્કૂલના સ્ટોર-રૂમની બહાર ખાટલો નાંખીને ઘસઘસાટ ઊંઘતો હોય.)

સૌથી પહેલાં તો કમલ એન્ડ કંપનીએ પેલા કબડ્ડીના મેદાનની મસ્ત મજાની પોચી માટીમાં પેલા થુવરના કાંટા ભભરાવી ભભરાવીને પાવડા વડે મિક્સ કર્યા ! 

પછીના મિશનનું ટાર્ગેટ હતું પેલી પિચ, જેની ઉપર ૧૫૦ કિલોના રોલરને પોતાના હાથો વડે વારંવાર ખેંચીને સરસ મજાની સમથળ બનાવી હતી તે !

અહીં આ ગેંગનું ‘પ્રિસીસન ટાર્ગેટીંગ’ એવું હતું કે પિચના બંને છેડે જ્યાં બોલની ટપ્પીઓ પડતી હોય એટલા જ એરિયાને ખોદવાનો છે ! એ પણ એટલો બધો નહીં, કે મોટામોટા ખાડા પડી જાય. બલ્કે ફક્ત એવું જ ‘ડેમેજ’ કરવાનું કે જેથી ત્યાં પેલા લાલ કલરના મજબૂત ‘મેચિસ બોલ’નો ટપ્પો પડે પછી બોલ ઉછળીને ક્યાં જશે તેનો કોઈ જ ભરોસો નહીં !

છેલ્લા યાને કે ત્રીજા નંબરના મિશન માટે ટોળકી શાળાના એ મ્યુઝિક રૂમની પાછળ પહોંચી ગઈ, જ્યાં પરેડ માટે ડ્રમ વગેરે જેવાં મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટો રાખેલાં હતાં. 

અહીં પહેલાં તો બારીનો કાચ ફોડ્યો… પછી ટોર્ચ વડે જોયું કે પેલા ડ્રમ્સ ક્યાં છે અને પછી મોટા વાંસડા વડે ત્રણેય ડ્રમ્સનાં ચામડાં ફાડી નાંખ્યા ! લો, લેતા જાવ !

બીજા દિવસે સવારે જ્યારે પરેડ શરૂ થવાની હતી ત્યારે ફાટેલાં ડ્રમ્સ જોઈને લોકોની આંખો ફાટી ગઈ ! ખેર, પરેડ તો વાજિંત્રો વિના જ પતી.. પણ પછી ?

કબડ્ડીના મેદાનમાં ખેલાડી ઉતર્યા એવા જ ઠેકડા મારતા બહાર ભાગ્યા ! કામવાળી પાસે સાવરણા વડે સાફ કરાવ્યું પણ એમ કંઈ માટીમાંથી કાંટા અલગ થાય ? સ્પર્ધા કેન્સલ થઈ.

છેવટે ક્રિકેટ… તો એમાં શરૂઆતના ફાસ્ટ બોલરોના બોલ જે અણધારી રીતે ઉછળ્યા એમાં ત્રણ-ત્રણ બેટ્સમેનોનાં ડાચાં બરોબરનાં રંગાયા ! એ પછી જ્યારે ખ્યાલ આવ્યો ત્યારે માનનીય અંપાયરોએ પિચને ‘અન-પ્લેએબલ’ જાહેર કરી !

વાર્ષિક ઉત્સવના સપરમા દહાડે જ આવડો મોટો ભવાડો થઈ જતા છતાં કોઈ સાહેબની પેલા ગટ્ટી કમલ ઉપર ‘આરોપ’ મુકવાની હિંમત ચાલી નહીં. 

કેમકે ભલું પૂછવું, એનું નવું રિ-એક્શન કોની ઉપર અને કેવું આવે... ?

*** 

-મન્નુ શેખચલ્લી 

(કથાબીજ : વિનોદ જોશી - ડીસા)

વાચક મિત્રો, આપના ધ્યાનમાં આ પ્રકારના રમૂજી કિસ્સા હોય તો તે પત્ર દ્વારા અથવા ઈમેલ કરીને મોકલી શકો છો.
ઇમેઇલ : havamagolibar@gujaratsamachar.com
પત્ર માટે : ગુજરાત સમાચાર કાર્યાલય, ખાનપુર, અમદાવાદ-૧

અથવા ડાયરેકટ મને મોકલી શકો છો.
E-mail : mannu41955@gmail.com

Comments

  1. અનંત પટેલ27 May 2025 at 08:49

    કમલ ગટ્ટી નૉ કિસ્સો જોરદાર રહ્યો. દરેક સ્કૂલમાં આવા નમૂના હોય જ છે. પણ તેમની હરકતો ને તમે અદભૂત શબ્દ દેહ આપ્યો છે. અભિનંદન

    ReplyDelete
  2. ચાલુ ઑફીસે કામ નહોતું ને વાંચવા માંડ્યું. હસી પડાયું. અને એ જ વખતે શેઠ દાખલ થયા. પ્રતિજ્ઞા લીધી કે આજ પછી તમારું લખાણ ચાલુ ઑફીસે નહીં વાંચું.

    અરે પણ પેલા વિચક્ષણ વ્યક્તિ કમલ ગટ્ટી આજકાલ ક્યાં છે?

    ReplyDelete
    Replies
    1. એવી પ્રતિજ્ઞા લેવાને બદલે આપના બોસને આપણી કોલમ વાંચતા કરી દોને ! રહી વાત કમલ 'ગટ્ટી'ની, તો આપણે કિસ્સા તો લગભગ સાચા લઈએ છીએ પણ વ્યક્તિ તથા ગામના નામ બદલી નાખીએ છીએ. જેથી કોઈને પરેશાની ન થાય.

      Delete

Post a Comment