ભલે માવઠાંનું ચોમાસું વચ્ચે વચ્ચે સમર વેકેશનને ડિસ્ટર્બ કરી નાંખે છે પણ ઉનાળુ વેકેશનમાં ભારતીય રેલ્વે છલકાઈ રહી છે ! પ્રસ્તુત છે એના પ્રવાસીઓનો એક મનોરંજક સર્વે…
***
સ્લીપર કોચમાં નીચેની બર્થ મેળવનારા ૯૦ ટકા યુવાનોએ ઝખ મારીને પોતાની બર્થ કોઈ અજામ્યા અંકલ, આન્ટી, દાદા કે દાદી માટે ‘કુરબાન’ કરીને વચલી બર્થમાં સૂવું પડે છે…
***
વચલી બર્થમાં સૂતેલા ૭૦ ટકા પ્રવાસીઓ બિચારા સવાર પડવાના બે કલાક પહેલાં જાગી ગયા હોય છે. છતાં નીચેની બર્થવાળા ઊંઘણશી અને આળસુ પ્રવાસીને લીધી બબ્બે કલાક સુધી જાગતા પડ્યા રહેવું પડે છે.
***
આટ-આટલા વરસો પછી પણ મિડલ તથા અપર બર્થના ૯૦ ટકા મુસાફરોને રેલ્વેએ આપેલી ચાદર સરખી પાથરતાં આવડતું નથી !
***
એ જ રીતે ચેર-કારમાં પ્રવાસ કરતા ૯૯ ટકા મુસાફરોને પેલી દૂધના પાવડર વડે બનતી ચા જરાય ભાવતી નથી ! એમાંથી ૪૦ ટકાને તો એવી ચા બનાવતાં આવડતી પણ નથી ! છતાં ૨૦ ટકા પેસેન્જરો જાણે રોજ પોતે પોતાના ઘરમાં આવી (ફાલતુ) ચા બનાવીને પીતા હોય એવી સ્ટાઈલો મારતા હોય છે !
***
વંદે ભારત અને શતાબ્દિ જેવી ટ્રેનોના ૯૯ ટકા મુસાફરો સળંગ છ-છ કલાક સુધી મુંગા મોઢે બેસી રહે છે ! એટલું જ નહીં, જે ૧ ટકો મુસાફર જો મોટા અવાજે વાત કરે તો એમની સામે એવી રીતે જુએ છે કે જાણે કોઈ ‘ક્રિમિનલ’ હોય !
***
એનાથી ઉલ્ટું, જનરલ ડબ્બામાં ૯૯ ટકા મુસાફરો ચૂપ બેસી શકતા નથી. પણ જે એકાદ મુસાફર સાવ ચૂપ બેઠો હોય તેને જોઈને શંકા કરે છે કે ‘મારો બેટો ચોરી કરવાના ફીરાકમાં લાગે છે !’
***
અને ફાઈનલી, ૫૦ ટકા મહિલાઓ ગમે તેને થેપલાં, છૂંદો જેવી ચીજ ઓફર કરીને પછી બારીમાંથી પાણીની બોટલ, ગોટા, દાળવડા, સમોસા, ચા વગેરે મંગાવતી રહે છે !
એમાંથી ૫ ટકા મહિલાઓ તો પોતાના બાબલાની ભીની થયેલી ચડ્ડી પણ બારીના સળિયા ઉપર સૂકવવા માટે મુકાવી શકે છે ! હેપ્પી જર્ની…
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment