કહેવતોમાં અચાનક... ટ્વિસ્ટ !

વરસોથી જે કહેવતો આપણે સાંભળતા આવ્યા છીએ એ જ જુની કહેવતોને વચ્ચેથી સ્હેજ વળાંક આપીને બીજે પાટે ચડાવી દઈએ તો ?
તો તમને ખ્યાલ આવશે કે આ ‘ટ્વિસ્ટ’માં પણ દમ છે ! જુઓ…

*** 

ખાડો ખોદે તે…
મ્યુનિસિપાલિટીજ હોય !

*** 

બોલે તેના…
વડે બહુ બોર થવાય !

*** 

આપ ભલા…
તો સામનેવાલા બૂરા !

*** 

જ્ઞાની સે જ્ઞાની મિલે…
તો ક્યા ઉખાડ લેંગે ?

*** 

ચોર કી દાઢી મેં…
શેમ્પુ કરને સે ક્યા ફાયદા ?

*** 

રાઈના ભાવ રાતે…
શેરબજારમાં ના વધે, બોસ !

*** 

મા તે મા, બીજા બધાં..
બાપના લફરાં !

*** 

જ્યાં ન પહોંચે રવિ..
ત્યાં પહોંચે સોમ, મંગળ, બુધ !

*** 

મગનું નામ મરી…
પાડો તો નવું આધારકાર્ડ બનાવવું પડે !

*** 

શેઠની શીખામણ…
મેનેજમેન્ટના કોર્સમાં ના હોય !

*** 

બે પાડા લડે, એમાં…
ભેંશ જરૂર બ્યુટિફૂલ હશે !

*** 

ભસતાં કૂતરાં કરડે નહીં…
એની ચોરને ખબર હોય છે !

*** 

વિશ્વાસે વહાણ ચાલે…
તો ડિઝલની શી જરૂર છે ?

*** 

ન બોલ્યામાં..
નવ મિસ-કોલ થઈ જાય !

*** 

દિકરીને ગાય…
દોરી બતાડે તેને ડ્રોઈંગ ટીચર કહેવાય.

*** 

પૈની પેદાશ નહીં, ને…
મોબાઈલમાંથી નવરાશ નહીં !

*** 

ફરે તે ચરે…
અથવા ‘ઝોમેટો’ની ડિલીવરી કરે !

*** 

આગ લાગે ત્યારે…
વિડીયો જરૂર લેજો ! ઓકે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments