મહિલાઓ અને કોથળીઓ !

આપણી ગુજરાતની મહિલાઓને પ્લાસ્ટિકની કોથળી જોતાં જ કંઈક ‘થઈ’ જાય છે ! ઘરમાં કોથળીઓ સંઘરવાનો આ નવો ‘શોખ’ નહીં, પણ ‘રોગ’ છે !

પ્રસ્તુત છે પ્લાસ્ટિકની કોથળીઓ વિશે કેટલાંક અવલોકનો… 

*** 

બહેનો ત્રીસ ત્રીસ હજારની ત્રણ સાડીઓ ખરીદે છે પછી પણ જ્યાં સુધી એમને જાડી મજાની કોથળીમાં ન મુકી આપવામાં આવેત્યાં સુધી ખરીદીનો ‘સંતોષ’ થતો નથી.

*** 

બીજી બાજુ સાવ પાતળી કોથળીમાં લાવેલાં કેળાંની છાલ ઉતારીને કચરાપેટીમાં ફેંકી દેશે પણ પેલી કોથળી સાચવીને રાખશે !

*** 

ગુજરાતી મહિલા રોજની સરેરાશ સાડા ત્રણ કોથળી શાકભાજી સાથે ઘરમાં લાવે છે પરંતુ એકપણ કોથળી લઈને શાકભાજી લેવા નીકળી હોય એવું જોવા મળ્યુ નથી !

*** 

આ કોથળીઓને ઘરમાં રાખવા માટે બહેનો હવે પ્લાસ્ટિકના ‘કોથળા’ વસાવે છે ! એક કોથળામાં ‘સારાંમાંની’ કોથળીઓ હોય છે અને બીજા કોથળામાં ‘નકામી’ પાતળી કોથળીઓ હોય છે ! જોકે આ ‘નકામી’ કોથળીઓનો નિકાલ દિવાળીની સફાઈ વખતે પણ થતો નથી !

*** 

જો ‘નકામી’ કોથળીઓ ‘નકામી’ છે, તો આટલી બધી કોથળીઓ થેલામાં કયા ‘કામ’ માટે સંઘરી રાખી છે ? એનો જવાબ ઈડીની રેડ પાડો તોય મળવાનો નથી !

*** 

જો માત્ર અમદાવાદના ઘરોમાં ‘રેડ’ પાડવામાં આવે તો (પર્યાવરણના નિષ્ણાતો કહે છે કે) પીરાણા જેવડો એક નવો ‘પ્લાસ્ટિકનો ડુંગર’ બની શકે !

*** 

જોકે ખૂફિયા એજન્સી તરફથી જાણવા મળ્યું છે કે મહિલાઓનું આ એક મોટું ‘કાવતરું’ છે !

જી હા ! જો ગુજરાતમાં પણ ‘લાડકી બહિણ’ જેવી યોજનામાં મહિલાઓને દર મહિને ૧૨૦૦ રૂપિયા નહીં મળે…

તો ચોમાસામાં ગુજરાતની તમામ મહિલાઓ આ પ્લાસ્ટિકની કોથળીઓ પાણીમાં વહેતી મુકીને તમામ શહેરોની ગટરો ‘જામ’ કરી નાંખશે !

- પછી કહેતા નહીં કે અમે કીધું નહોતું !

***

- મન્નુ શેખચલ્લી

Comments