દીવમાં દેખાણું 'નોર્મલ' ભૂત ?

એક તો ખોબા જેવડું દીવ નામનું ગામ, એમાંય એક નાનકડા તણખા જેવી વાત મોટો ભડકો થઈને આખા ગામમાં ફરી વળે, અને જો એ વાત કોઈ ભૂત કે પ્રેતાત્માની હોય તો ? કિસ્સો  ’૭૦ના દશકનો છે…

આખી કહાણીનો હિરો કહો કે વિક્ટીમ (શિકાર), તે નવમા ધોરણમાં ભણતો વિમલ નામનો છોકરો હતો.

વિમલ એક તો ભણવામાં બહુ હોંશિયાર, ઉપરથી ગામમાં રાજકોટથી નવી નવી બદલી થઈને આવેલા ડેપ્યુટી કલેક્ટર જોશી સાહેબનો દિકરો. એટલે એનો વટ જ અલગ !

સરકારી હાઈસ્કૂલમાં વિમલને લેવા મુકવા માટે સરકારી જીપ આવે ! પટાવાળો દફતર લઈને છેક ક્લાસ સુધી મુકવા આવે ! અને સાંજ પડ્યે એ જ જીપમાં જોશી સાહબેનાં પત્ની બજારમાં શાક-બકાલું લેવા નીકળે ત્યારે ચશ્મીસ બાબલો વિમલ, જીપમાં બેઠો બેઠો બજારનું ‘સુપરવિઝન’ કરવા નીકળ્યો હોય એમ ચારેબાજુ નજર નાંખતો બેઠો હોય !

જોકે આ બધો વટ સ્કૂલની બહાર જ ! કેમકે હાઈસ્કૂલમાં નવમા ધોરણમાં જે છોકરાં હતાં એ ફાટીને ધૂમાડે ગયેલી પેદાશ હતી. બબ્બે ત્રણ ત્રણ વાર નાપાસ થયેલા છોકરાઓને તો દાઢી-મૂછ પણ ઊગી ગયાં હોય ! વાતે વાતે ઝગડી પડે તો એકબીજાનાં ડાચાં રંગી નાંખે એવા જબરા ! માસ્તરો પણ એમનાથી ફફડે.

પરંતુ જ્યારે સ્કૂલના સાહેબો પેલા જોશી સાહેબના છોકરાની વારંવાર પીઠ થાબડે, પ્રાર્થનાસભામાં એની પાસે ચાંપલું ચાંપલું ભાષણ કરાવીને સ્ટેજ પરથી વિમલનાં વખાણો કરે ત્યારે પેલા તોફાની બારકસોના પેટમાં તેલ રેડાય ! ‘હાળું ભણેશરી બચોળિયું…?’

બીજી બાજુ આપણા ભણેશરી વિમલને માત્ર માસ્તરો પાસેથી ભાવ મળે, બાકી, ક્લાસના તમામ છોકરાં એને ‘બોચિયો’ ‘મૂંજી’ અને ‘બાયલો’ કહીને એની મશ્કરી કરે. 

સ્કૂલમાં સ્પોર્ટ્સની ભારે એક્ટિવિટી ચાલે… રોજ સાંજ પડે સ્કૂલના મોટા મેદાનમાં ફૂટબોલ, વોલીબોલ અને હોકીની ધબધબાટી બોલાતી હોય, એમાં બિચારા વિમલની ઇજ્જતના લીરેલીરા ઉડતા હોય ! બિચારાને કોઈ એકસ્ટ્રા ખેલાડી તરીકે મેદાનની બહાર પણ ઊભો ન રાખે.

આમ જોશી સાહેબના પાટવી કુંવર વિમલના મનમાં એક ચોક્કસ પ્રકારની લઘુતાગ્રંથિ ઘર કરતી ચાલી કે ‘ભલે, હું ભણવામાં આગળ છું પણ ગામમાં, સાલી મારી કોઈ વેલ્યુ જ નથી.’

આવામાં આપણા ચશ્મીસ વિમલને એક જબરો ચાન્સ મળી ગયો. વાત એમ બની કે દીવ ગામમાં બહુ જાણીતો જુવાનિયો અને હસમુખો નામે જગદીશ, એક ખૂબ જ ખરાબ અકસ્માતમાં મરી ગયો ! 

બિચારાની ખોપરી ફાટી ગયેલી ! આખા દીવમાં આ સમાચારથી અરેરાટી વ્યાપી ગયેલી એની સ્મશાનયાત્રામાં લગભગ અડધું ગામ ઉમટેલું એમ કહી શકાય.

આનું કારણ શું ? એક તો એ બહુ જોરદાર ક્રિકેટર હતો. છેલ્લા ચાર વરસમાં તેણે ગામ માટે કમ સે કમ દસ ટ્રોફીઓ જીતી બતાડેલી. ઉપરથી એ જબરો તરવૈયો ! ચોમાસાની મોસમ હોય અને દરિયામાં ભરતી હોય ત્યારે જગદીશે બે પાંચ જણાને તો ડૂબતાં બચાવ્યાં જ હોય. વળી મળતાવડો પણ એટલો જ.

જગદીશના કરપીણ મોત પછી ગામમાં એવી વાતો ચાલી રહી હતી કે મર્યા પછી પણ એ એનાં ખાસ ખાસ માણસોને ‘નજરોનજર’ દેખાયો હતો ! મૂળ તો જેની સાથે તેનું ગાઢ ઇમોશન એટેચમેન્ટ હોય તેની સાથે જ આવું બન્યું હતું. છતાં નાના ગામમાં એની ચર્ચા ચકડોળે ચડેલી કે ‘જગદીશનું પ્રેત દેખાય છે. બાપ !’

બસ, આવા ટાઈમે આપણા ચશ્મીસ વિમલે ચાન્સ માર્યો ! એણે એક દિવસ એના બે-ચાર પારસી દોસ્તો આગળ વાત ચલાવી :

‘કાલે રાત્રે આંયા પારસીવાડામાં તમારી હારે બેડમિંન્ટન રમીને હું ઘરે જાતો તો ને… તો મને રસ્તામા જગદીશ મઈળો તો !’

‘ના હોય !’ સૌ ચોંક્યા.

હવે વિમલ ચશ્મા સરખા કરતાં આખી વાત માંડીને કહેવા લાગ્યો : ‘તમે તો જાણો છો ને કે આપણા ફોર્ટ રોડ પર કેવી ધોળી ધોળી મરક્યુરી લાઈટુંના થાંભલા છે ? ને રાતના આઠ વાગતામાં કેવો સન્નાટો છવાઈ જાય છે ? 

તો… હું આમ હાલ્યો જાતો તો… લાઈટને કારણે મારો પડછાયો વાંહેથી આગળની બાજુ લાંબો ને લાંબો થાતો જાય… ન્યાં વળી પાછો નવો લાઈટનો થાંભલો આવે ! અટલે ધોળા દૂધ જેવા પ્રકાશમાં પડછાયો વાંહે ને વાંહે લાંબો થાતો ને દૂર જાતો દેખાય…’ વિમલે વાતમાં મોણ નાંખતાં ચલાવે રાખી :

‘એવામા મને લાઈગું કે મારી વાંહે વાંહે કોઈ આવે છે ! પણ પાછો વળીને જોઉં છું તો કોઈ નંઈ ! આવું ને આવું ત્રણ વાર થ્યું! બોલો. પણ પછી… ઓલ્યા અંધારા વળાંક આગળ આઈવો ને – ન્યાં કોઈએ મારા ખભે હાથ મુઈકો…!’

મેં પાછું વળીને જોયું તો કોઈ જુવાન માણહ હતો. મન કયે, તારી કને માચિસ છે ? મેં કીધું, ક્યાંથી હોય ? પણ ન્યાં પાનને ગલ્લે જાવ, ન્યાંથી મળી જાસે…’

‘તો ઈ બોઈલો કે ના, ન્યાં તો લાઈટ છે ને !’… પછી હું તો હાલતો થ્યો. પણ ઘડીક પાછું વળીને  જોયું તો ન્યાં કોઈ જ નંઈ ! બોલો! જાણે ઈ આકાર હવામાં ઓગળી ગયો !’

હવે આ વાત પારસીવાડામાંથી બીજા દિવસે તો આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગઈ ! ઉપરથી જોગાનુજોગે જગદીશને સિગારેટ પીવાની ટેવ પણ હતી ! એટલે આખો તાળો મળી ગયો!

બસ, પછી આપણા ચશ્મીસ ‘બોચિયા’ વિમલનો વટ હતો ! ગામમાં એ ગમે ત્યાંથી નીકળે, તો લોકો એને જોઈને કહે ‘આ છોકરાને જગદીશ દેખાણો ’તો, હોં !’

એમાંય કોઈ પાનના ગલ્લે કે નવરીબજારની બેઠકો જેવા ઓટલે નવરાઓ બેઠા હોય તે દૂરથી વિમલને બોલાવે. પછી સૌ આગળ ઓળખાણ કરાવે ! ‘આ જોશી સાહેબનો છોકરો રિયો ને, એણે જગદીશને જોયો તો !’

બધા અહોભાવથી વિમલને જોઈ રહે ! પછી એકાદ ભાઈ તેને પૂછે ‘એલા, સું થિયું તું ? જરીક કે’ ને ?’

એટલે આપણા વિમલભાઈ ચશ્મા સરખા કરીને જાણે વકતૃત્વ સ્પર્ધાનું ગોખેલું ભાષણ બોલી જતાં હોય એમ આખેઆખો કિસ્સો… પેલી મરક્યુરી લાઈટોના ધોળાં અજવાળાં… કાળા પડછાયા… વગેરે સહિત વર્ણવી જાય ! જોવાની વાત તો એ, કે બેટમજીનું ડાચું ‘નોર્મલ’ હોય !

સામેવાળો પૂછે કે ‘તને બીક નો લાગી ?’

તો એ આંખ પટપટાવ્યા વિના ‘નોર્મલ’ રીતે બોલે ‘ના રે ? એમાં શું બીવાનું ? એવું તો હોય.’

વિમલ આ રીતે ગામમાં તો ‘બહાદૂર’ હિરો બની ગયો ! પણ એની નિશાળના પેલા પડછંદ અને ભારાડી છોકરાઓની ઇર્ષ્યાનો પાર નહીં !

‘હાળું મગતરાં જેવું ચશ્મિશીયું, બોચિયું, વિમલિયું ? આટલી બધી ડંફાશું મારી જાય ? ઉપરથી ક્યે છે કે એમાં શું બીવાનું ?... તો હવે એની વાત છે !’

બારકસોએ ભેગા મળીને એક પ્લાન બનાવ્યો…

એ શનિવારની સાંજ હતી. વિમલ પારસીવાડામાં એના દોસ્તો સાથે બેડમિંગ્ટન રમતો હતો ત્યાં એના ક્લાસના ગોઠીયાઓ આવી પહોંચ્યા. ‘એલા હાંભળ્યું છે કે તું બેડમિંન્ટન બવ હારું રમે છ ? હાલ્ય, મારી હાર્યે એક મેચ થઈ જાય !’ એમ કરીને વારાફરતી બધા વિમલ સામે રમવા લાગ્યા.

એમણે ચાલ એવી ગોઠવેલી કે મોટા મોટા છ-છ ફૂટિયા છોકરાઓ પણ વિમલ સામે હારતા જ જાય ! આમાં ને આમાં વિમલ જોશમાં આવીને રમતો રહ્યો ! ઉપરથી મનમાં એમ કે ‘કાલે તો રવિવાર જ છે ને ? ક્યાં ઉતાવળ છે ?’

બધા સામે જીતીને એ નીકળ્યો ત્યારે તો રાતના નવેક વાગી ગયા હતા… હવે તો ફોર્ટ રોડ પર ડબલ સન્નાટો ! પણ એને ખબર નહોતી કે ચારેક જણા અગાઉથી ક્યાંક ગોઠવાઈને બેઠા હતા !

છેવટે જ્યારે વિમલ બરોબર પેલા અંધારા વળાંક પાસે પહોંચ્યો ત્યારે પેલા બારકસોએ ભયંકર ચિચિયારીઓ પાડીને તેની ઉપર સળગતા કાકડા ફેંકવા માંડ્યા !

પછી વળી શું ? વિમલ તો જે ભાગ્યો છે… જે ભાગ્યો છે… એના ભાગવાના રસ્તે પીળા-બ્રાઉન ‘સગડ’ પણ રહી ગયા હતા !

કેમકે વિમલને ઝાડા છૂટી ગયા હતા !

બસ, એ પછી વિમલની બોલતી બંધ જ થઈ ગઈ ! કોઈ પૂછે કે ‘એલા, તને જગદીશ દેખાણો તો, હાચી વાત ?’

તો એ ટૂંકમા જ પતાવે ‘હા, ઈ ટાણે મારી ચડ્ડી ભીની થઈ ગઈ ’તી હોં ?’

ટુંકમાં એક ‘પીળું’ જુઠ છૂપાવવા માટે વિમલે વધુ એક ‘ભીનું’ જુઠ બોલવું પડ્યું ! 

જોશી સાહેબની નવા શહેરમાં બદલી ન થઈ ત્યાં સુધી વિમલે ‘બીકણ બોચિયા’ બનીને જીવવું પડ્યું.

*** 

- મન્નુ શેખચલ્લી 

(કથાબીજ : નીલેશભાઈ ખારવા - ઉના)

વાચક મિત્રો, આપના ધ્યાનમાં આ પ્રકારના રમૂજી કિસ્સા હોય તો તે પત્ર દ્વારા અથવા ઈમેલ કરીને મોકલી શકો છો.
ઇમેઇલ : havamagolibar@gujaratsamachar.com
પત્ર માટે : ગુજરાત સમાચાર કાર્યાલય, ખાનપુર, અમદાવાદ-૧

અથવા ડાયરેકટ મને મોકલી શકો છો 
E-mail : mannu41955@gmail.com

Comments