બનાસકાંઠા જિલ્લામાં અમારું ડીસા નામનું નાનકડું ટાઉન છે. એમાં એક ‘એસ.સી. ડબલ્યુ હાઈસ્કૂલ’ નામની નિશાળ હતી. (આજે પણ છે.) આ ‘એસ.સી. ડબલ્યુ.’ નામ ક્યાંથી આવ્યું ? તો કહે છે કે એક ‘સર ચાર્લ્સ વોટસન’ નામના અંગ્રેજે આ નિશાળની સ્થાપના કરેલી !
એમ તો ડીસામાં એક 'જ્યોર્જ ટોકિઝ' પણ છે ! હવે આ જ્યોર્જ તે રાણી એલિઝાબેથનો કયા નંબરનો દિકરો થાય, કે રાણીનો શું સગો થાય તે ખબર નથી. પરંતુ અંગ્રેજોની એ નિશાની તો ખરી !
વાત જોકે એસસીડબલ્યુ સ્કૂલના એ સમયના પ્રિન્સિપાલ એસસી પંચાલની છે. તે વખતે નિશાળના છોકરાંઓમાં એક જોડકણું પ્રખ્યાત હતું કે, ‘એંસી ડબલુંમાં એસસી પંચાલ… એકેક ડબલામાં એકેક પંચાલ !’
નિશાળમાં એ ડી પંચાલ, એમ એમ પંચાલ... એમ ત્રણ ચાર પંચાલ સાહેબો તો હતા, પણ ‘એંસી’ પંચાલ? છતાં જોડકણું મશહુર હતું !
અમારા એસ સી પંચાલ સાહેબ બહુ કડક સ્વભાવના !
છોકરાંઓ એવી વાતો કરતાં કે સાહેબ જ્યારે કોટ પહેરીને આવ્યા હોય તો અંદર એક નેતરની સોટી જરૂર હોય ! અમુક તોફાની બારકસોએ આ નેતરની સોટીનો સ્વાદ પણ ચાખેલો !
આજે એ પંચાલ સાહેબના થોડા કિસ્સા મમળાવીએ.
પહેલો કિસ્સો એવો છે કે એ જ નિશાળમાં એક જે. એ. ઠક્કર સાહેબ પણ હતા. શી ખબર, કયા કારણસર, પણ એમના મોં ઉપર કદી સ્માઈલ જોવા જ ના મળે ! ઉલ્ટું સાવ દિવેલ પીધું હોય એવું કડવું મોં હોય ! આ કારણસર છોકરાંઓ એમની પીઠ પાછળ એમને ‘દિવેલીયા’ સાહેબ કહેતા હતા.
હવે થયું એવું કે નિશાળમાં અમદાવાદથી એક નવો છોકરો ભણવા આવ્યો. (પપ્પાની બદલી થવાને કારણે) આ છોકરાને તો ખબર જ ક્યાંથી હોય કે ‘દિવેલિયા’ કોઈ ‘નિક-નેમ’ છે ? કેમકે છોકરાંઓ નોર્મલ ટોનમાં બોલતા હોય કે ‘આજે દિવેલિયા સાહેબનું લેસન પતાવવાનું છે.’ ‘ચોથો પિરિયડ દિવેલિયા સાહેબનો છે…’ વગેરે.
આમાં એક દિવસ પેલા ઠક્કર સાહેબ હતા ગેરહાજર ! ક્લાસમાં કલબલાટ અને ધમાલ મસ્તી ચાલી રહ્યા હતા.
પંચાલ સાહેબ તે વખતે રાઉન્ડમાં નીકળેલા. ક્લાસમાં દાખલ થતાં જ પહેલી બેન્ચ પર બેઠેલા પેલા નવા છોકરાને ઊભો કરીને પૂછ્યું : ‘કોનો ક્લાસ છે ?’
છોકરાએ કહ્યું ‘દિવેલિયા સાહેબનો !’
એ સાથે જ છોકરાના ગાલ ઉપર પંચાલ સાહેબનો લાફો પડ્યો!
છોકરો તો ભણવામાં હોંશિયાર એટલે કોન્ફીડન્સથી બોલ્યો : ‘મારો છો શેના ? જવાબ તો આપ્યો !’
‘શું જવાબ આપ્યો ?’
‘કહ્યું તો ખરું, દિવેલિયા સાહેબ !’
એ સાથે જ બીજો લાફો પડ્યો ! ત્યાં જ છોકરાંઓ સમજી ગયા કે અહીં લોચો છે ! બધાં મોટે મોટેથી કહેવા લાગ્યા : ‘સાહેબ, એ નવો છે ! એ નવો છે ! એને ખબર નથી !’
ખેર, એ પછી પંચાલ સાહેબને જાણવા મળ્યું કે બનાસ નદી ઉપરના દાંતીવાડા ડેમના એક્ઝિક્યુટીવ એન્જિનિયર તરીકે જે લાડ સાહેબ બદલી થઈને આવ્યા છે એનો આ દિકરો છે !
પેલા છોકરાએ એના પપ્પાને લાફાવાળી વાત કરી નહોતી. પરંતુ બીજા દિવસે પંચાલ સાહેબે એ છોકરાને પોતાની કેબિનમાં બોલાવ્યો. જો કે, ‘સોરી-બોરી’ કશું ના કીધું, પણ એમ કહ્યું કે ‘કંઈ પણ કામ હોય, કંઈ તકલીફ હોય તો મને કહેવાનું. સમજી ગયો ને ?’
એ છોકરાનું નામ લલિત. ભણવામાં હોંશિયાર ખરો પણ શરીરે નબળો. ક્લાસમાં બીજા છોકરાઓ બહુ જબરા દેખાય. (ઓન્લી બોય્ઝ સ્કૂલ હતી. સવારની પાળીમાં છોકરીઓ આવતી) આના કારણે આ લલિત કુમારને સતત ‘ઇન્ફીરીયર’ ફીલ થયા કરે.
એવામાં એ બાબલાએ જોયું કે અહીં એનસીસીની તાલીમ ચાલે છે ! છોકરાઓ સરસ મજાની કડક, ઇસ્ત્રીદાર ખાખી વરદી પહેરીને, મસ્ત ત્રાંસી ટોપી પહેરીને ‘લેફ્ટ-રાઈટ… લેફ્ટ-રાઈટ..’ કસરતો કરે છે !
આ લલિત નામના ભણેશ્રીને પણ એનસીસીમાં જોડાવાનું મન થયું ! એ ગયો દવે સાહેબના નામના પીટી શિક્ષક પાસે. પણ દવે સાહેબે એક જ નજર એના શરીર સોંસરી નાંખીને ‘ના’ પાડી દીધી.
હવે આ છોકરાએ પંચાલ સાહેબે આપેલું ‘અભયવચન’ યાદ આવ્યું ! એ ગયો સીધો પ્રિન્સિપાલ સાહેબની કેબિનમાં, અને કીધું કે ‘મારે એનસીસીમાં જોડાવું છે, પણ દવે સાહેબ ના પાડે છે !’
પંચાલ સાહેબે કહ્યું ‘બેટા રહેવા દે, આમાં તારું કામ નહીં.’
છતાં ‘લાડ સાહેબ’ના દિકરાએ જીદ કરી ! તો હવે થાય શું ?
પંચાલ સાહેબે દવે સાહેબને બોલાવીને ‘આ છોકરાને એનસીસીમાં રાખવાનો છે’ એવી ભલામણ તો કરી દીધી, પણ છોકરો કેબિનમાંથી બહાર ગયો પછી દવે સાહેબને ફૂંક મારી ‘બે પરેડથી વધારે ના ખેંચતા !’
થયું એવું કે બરોબર ત્રીજી જ પરેડે દવે સાહેબે નવો ઓર્ડર છોડ્યો : ‘બધાએ વારાફરતી બે હાથમાં રાઈફલ ઊંચકીને આખા ગ્રાઉન્ડમાં બબ્બે રાઉન્ડ મારવાનાં છે !’
સીધી વાત છે, પેલા લાડ સાહેબના બેટાની ‘ફેં ફેં’ થઈ ગઈ ! ચોથી પરેડ પહેલાં તે પોતાનો ખાખી યુનિફોર્મ ‘સાભાર પરત’ કરી ગયેલો !
બીજો એક કિસ્સો તો બહુ જોરદાર છે. આગળ કહ્યું તેમ અમારી તો ‘ઓલ બોય્ઝ’ સ્કુલ હતી. પણ સવારની પાળીમાં છોકરીઓની કન્યાશાળા ત્યાં જ ચાલે. હવે થાય શું, કે અમુક છોકરાઓ સ્કુલના ઝાંપે વહેલા વહેલા આવી જાય ! જેથી સ્કુલમાંથી નીકળતી છોકરીઓને ‘ઝાંખવા’ મળે !
આમાં અમુક લફંગા છોકરાઓનું ગ્રુપ જરા લિમિટ બહાર જઈને છોકરીઓ પર મોટે મોટેથી ભલતી-સલતી કોમેન્ટો કરે. ‘એય ચંપાડી, તારા ચોટલામાં ફૂલ ખોસી આલું ?’ ‘ઓ ગીતાડી, હેંડ તને પિચ્ચર બતાડું !’ ‘અલી, કોક દા’ડો તો પતંગની સ્હેલ ખાવાદે ?’ વગેરે.
પંચાલ સાહેબને આની ખબર પડી. એમણે શું કર્યું કે ચૂપચાપ એ છોકરાઓની ટોળકીની પાછળ જઈને ઊભા રહ્યા !
છોકરાઓની નજર તો બહાર નીકળી રહેલી છોકરીઓ તરફ હતી ને ? એવામાં પંચાલ સાહેબે જરા અવાજ બદલીને પૂછવા માંડ્યું ‘અલ્યા, પેલી બે ચોટલાવાળી કોણ છે ?’ ‘પેલી ટુંકા વાળવાળી આજે નથી આઈ ?’ ‘આ લાલ રિબીનવાળીનું શું નામ, અલ્યા ?’
છોકરાઓ પીઠ ફેરવ્યા વિના જવાબ આપતા રહ્યા ! એવામાં પંચાલ સાહેબે ઊંચો અવાજ કરીને પૂછ્યું : ‘અલ્યાઓ, આમાં તમારી એકેય બહેન કેમ નથી દેખાતી ?’
છોકરાઓએ પાછળ વળીને જોયું કે તરત એમના ટાંટિયા ઢીલા થઈ ગયા ! કહેવાની જરૂર નથી કે સાહેબની કેબિનમાં નેતરની સોટીઓ વડે એમની કેવી ‘સર્વિસ’ થયેલી !
પંચાલ સાહેબનો ત્રીજો કિસ્સો એમના અનોખી સેન્સ ઓફ હ્યુમરનો છે. બન્યું એવું કે અમારા ડીસા ગામની ‘જ્યોર્જ ટોકિઝ’માં દિલીપકુમારનું ‘રામ ઔર શ્યામ’ પિકચર આવેલું. આમેય નિશાળમાં મુ્સ્લિમ સ્ટુડન્ટોની સંખ્યા ખાસ્સી એટલે નવમા ધોરણના એક વર્ગમાં નક્કી થયું કે કાલે બધા ગુટલી મારીને ‘રામ ઔર શ્યામ’ જોવા જઈશું !
એ વખતે પિકચરની ટિકીટ પણ ૪૫ પૈસા જેવી મામુલી હતી. એ જ ક્લાસમાં પેલો લલિત પણ ખરો ! એ પણ ‘સામૂહિક ગુટલી અભિયાન’માં જોડાયો હતો.
આ બાજુ ત્રણ વાગ્યાના શોમાં આખો ક્લાસ ‘રામ ઔર શ્યામ’ જોવા બેઠો છે અને પેલી બાજુ પંચાલ સાહેબને આ પરાક્રમની ખબર પડી ! અહીં જ્યોર્જ ટોકિઝમાં પહેલો ઇન્ટરવલ તો સુખેરૂપે પતી ગયો. (એ વખતે ત્રણ ઇન્ટરવલ પડતા) પણ બીજો ઇન્ટરવલ પડે છે અને છોકરાંઓ જ્યાં એકી-પાણી કરવા નીકળે છે ત્યાં દરવાજે ઊભા છે પંચાલ સાહેબ !
‘સ્સાલાઓ ? પિચ્ચર જોવા આયા છો ?’ એમ કરીને એ સટાસટ નેતરની સોટી મારતા જાય અને બધાને એક સાઈડમાં ઊભા કરતા જાય !
અપર-સ્ટોલના દરવાજાની બહાર આ સનસનાટી મચી રહી છે તેની પેલા અંદર બેસી રહેલા લલિતને તો ખબર જ નહીં ! એ રહી રહીને પગ છૂટો કરવા માટે બહાર નીકળ્યો ત્યાં પંચાલ સાહેબે ઝડપી લીધો : ‘અલ્યા, તું પણ છે ?’
એને સોટી તો ના મારી, પણ લાઈનમાં બધા જોડે ઊભો રાખ્યો. છતાં હવે એ છોકરાની હિંમત જુઓ… એણે ધીમે રહીને કહ્યું :
‘સાહેબ, આમે ય અડધું બાકી રહેલું પિચ્ચર જોવા માટે ફરીથી ટિકીટો લેવી પડશે ! એના કરતાં આજે પતાવી લેવા દો ને ?’
જવાબમાં પંચાલ સાહેબ શું કહે છે ખબર છે ? 'તું બહું હોંશિયાર છે ને ? તને બહુ યાદ રહે છે ને ? તો તું અંદર જઈને બાકીનું પિચ્ચર જો. પછી કાલે બધાને સ્ટોરી કહેજે !’
આવા હતા એસ સી પંચાલ સાહેબ…
***
મિત્રો, આપના ધ્યાનમાં આ પ્રકારના રમૂજી કિસ્સા હોય તો તે પત્ર દ્વારા અથવા ઈમેલ કરીને મોકલી શકો છો.
ઇમેઇલ : havamagolibar@gujaratsamachar.com
પત્ર માટે : ગુજરાત સમાચાર કાર્યાલય, ખાનપુર, અમદાવાદ-૧
અથવા ડાયરેકટ મને મોકલી શકો છો
E-mail : mannu41955@gmail.com
😁😁😁🙏🙏🙏
Wah lalitbhai lagvag na lidhe mar thi bachi gaya n puru movie pan joi lidhu smArt ho baki
ReplyDeleteટપુડાની યાદ આવી ગઈ
ReplyDeleteબહુ જ મઝા આવી. અમને ય અમારી શાળા યાદ આવી ગઈ.. જો કે અમારે આવા કોઈ કિસ્સા બનેલા નહિં છતાં સાહેબો તો કડક હતા જ.
ReplyDeleteહોય ત્યારે,માઠા દિવસોને પણ યાદ કરીને આનંદ આવે.
ReplyDelete