યુ-ટર્નની મોસમ છે !

ભૈશાબ છેલ્લા થોડા દિવસમાં કેટલા બધા ‘યુ-ટર્ન’ થયા ? મોસમ યાને કે હવામાનની વાત કરીએ તો ભર ઉનાળામાં ઠેર ઠેર એવો વરસાદ પડ્યો કે ૭-૮ જણા મરી ગયા !

એ સિવાય પણ બીજા યુ-ટર્ન છે…

*** 

સૌથી મોટો ઇન્ટરનેશનલ યુ-ટર્ન યુક્રેન મામલે આવ્યો છે ! ટ્રમ્પ સાહેબ અગાઉ જે ‘યુદ્ધ બંધ’ કરાવવાની ડંફાશ મારતા હતા એમણે જ યુક્રેનના ખનિજોનો સોદો કરીને ‘યુદ્ધ માટે શસ્ત્રો’ આપવાનો યુ-ટર્ન મારી દીધો !

*** 

બીજો યુ-ટર્ન ઓવૈસીનો છે ! જે જનાબ ‘ભારત માતા કી જય’ બોલવાની ના પાડતા હતા એ આજકાલ કોઈ મોટા દેશભક્તની જેમ પાકિસ્તાનને ખરી-ખોટી સંભળાવી રહ્યા છે !

*** 

એમ તો કર્ણાટકના એક મંત્રી, જનાબ ઝમીર અહેમદે કહ્યું છે કે ‘મને આત્મઘાતી બોમ્બ આપો ! હું પાકિસ્તાનમાં જઈને હુમલો કરીશ !’ જોકે આ જનાબને તો ખરેખર હવે જ યુ-ટર્ન મારીને પાછા વળવા માટે સમજાવવાની જરૂર છે !

*** 

પરંતુ નેશનલ લેવલનો સૌથી મોટો યુ-ટર્ન મોદી સાહેબે માર્યો છે! અત્યાર સુધી જેને હિન્દુઓના ભાગલા પાડવાનું ષડયંત્ર ગણાવતા હતા એ જ ‘જાતિવાદી વસ્તી ગણત્રી’ કરાવવાની જાહેરાત કરી દીધી છે !

જોકે ભક્તો આને ‘માસ્ટર-સ્ટ્રોક’ કહી રહ્યા છે !

*** 

મુંબઈમાં ‘વેવ્સ’ ડિજિટલ સમિટમાં શાહરુખ ખાનને ટ્યુબલાઈટ થઈ છે ! તે કહે છે કે બોલીવૂડે હવે નાનાં શહેરોનાં સિંગલ સ્ક્રીન માટે ફિલ્મો બનાવવી જોઈએ !

વાહ બોલીવૂડ વાહ ! પહેલાં પોતે જ નાનાં થિયેટરોને ખતમ કર્યાં, હવે ‘યુ-ટર્ન’ મારવાના ફાંફાં શોધી રહ્યા છે.

*** 

બાકી સૌથી આશ્ચર્યજનક ‘યુ-ટર્ન’ ચંડોળા તળાવમાં ડિમોલિશન કરનારા આખા સૈન્ય જેવા કાફલાનો છે ! શી ખબર શું થયું, તે દોઢ લાખ ચોરસ મીટરની કામગીરી પછી બધા જ વાહનો ‘યુ-ટર્ન’ મારીને પાછાં જતાં રહ્યાં ?

***

- મન્નુ શેખચલ્લી

Comments