અમને તો સમજાતું જ નથી કે ફ્રાન્સમાં જે ‘કાન’ નામનો ફેસ્ટિવલ થાય છે તે ફિલ્મ ફેસ્ટિવલ છે કે ગાઉન ફેસ્ટિવલ ? આ સિવાય પણ બીજા અઘરા સવાલો થઈ રહ્યા છે ! જેમકે –
***
ત્યાંની ગાલા ઈવેન્ટમાં પુરુષોએ ફરજિયાત રીતે ગળું કસોકસ બંધ થાય એવી ટાઈ પહેરવી પડે છે, તો શું મહિલાઓ માટે ખભા ‘ઉઘાડા’ રાખવાના ફરજિયાત છે ? પૂછતા હૈ ઇન્ડિયા…
***
બોલીવૂડની હિરોઈનો એના દરજીને જ્યારે કહેતી હશે કે ‘ભૈયા, ગાઉન કે લિયે કિતના કપડા મંગાયેં ?’ તો દરજી શું કહેતો હશે ? ‘મેડમ, ચાર-પાંચ તાકા મંગાવી લો ને !’
***
સવાલ એ નથી કે આ હિરોઈનો પોતાનો અઢી તાકા જેવડો લાંબો ગાઉન ભોંય પર ‘ઢસડી’ને શા માટે ચાલતી હશે ? સવાલ એ છે કે અંદર હોલમાં ગયા પછી એ ખુરશીમાં બેસતી શી રીતે હશે ?
ગાઉનનું પિલ્લું વાળીને ? એની ઉપર ?
***
અચ્છા, કોઈ ગાઉનનો મોટા પતંગિયા જેવો શેપ હોય છે, તો કોઈનો હંસલાની પાંખો જેવો, તો કોઈનો માછલીની પૂંછડી જેવો શેપ હોય છે. આવો શેપ ફિક્સ રહે એટલા ખાતર અંદર વાયરો, પિનો, પાતળા સળિયા, ક્લિપો એવં બધું નાખતા હોય છે…
સવાલ એ છે કે અંદર હોલમાં બેસે ત્યારે એ બધું ‘ખૂંચે’ નહીં ?
***
અચ્છા, આ હિરોઈનો પેલી સાડા ત્રણ મર્સિડીસ ભેગી કરી હોય એવી લાંબી કારમાં બેસીને કેમ આવે છે, ખબર છે ?
કેમકે એક ખૂણામાં પોતે બેસે છે અને બાકીના પચ્ચીસ ચોરસમીટરમાં એનો ગાઉન ફેલાયેલો હોય છે !
***
જોકે, પેલેસ્ટાઈનથી કોઈ હિરોઈન આવેલી નહોતી, બાકી એ તો ગાઉનને બદલે રેફ્યુજી કેમ્પના તંબૂમાં જ આવી હોત !
***
અને છેલ્લો સવાલ : આ હિરોઈનો સેઈમ ગાઉન બીજી કોઈ ઈવેન્ટમાં તો ફરીથી પહેરવાની નથી… તો એ બધા ગાઉનનું શું થતું હશે ?
જવાબ છે : ‘પ્યાલા બૈણીઈઈઈઈ !’
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment