મેડમનો ચોરાયેલો મોબાઈલ અને ભેદી તાંત્રિક !

આજનો કિસ્સો એ જમાનાનો છે જ્યારે દેશમાં મોબાઈલો સાવ નવા નવા હતા. તે વખતે બ્લેક એન્ડ વ્હાઈટ મોબાઈલની કિંમત પણ સાત-આઠ હજારની હતી, ઉપરથી કોલિંગ પણ મોંઘું હતું. (અમુક વરસો સુધુ તો સામેથી કોઈનો ફોન આવે એનો પણ ચાર્જ લાગતો હતો !)

આ કિસ્સો વડોદરાની એક ઇંગ્લીશ મિડીયમ સ્કુલની ગર્લ્સ હોસ્ટેલનો છે. આ સ્કુલ ખાસ્સી જાણીતી, એટલે માત્ર ગુજરાતમાંથી જ નહીં, પણ ગુજરાત બહારની છોકરીઓ પણ અહીં હોસ્ટેલમાં રહીને ભણતી.

પરંતુ એ હોસ્ટેલની વોર્ડન ? તોબા.. તોબા ! એક તો એ સાઉથ ઇન્ડિયન હતી, એમાંય ૪૦ વરસની ઉંમર સુધી એમના લગ્ન નહીં થયેલાં, ઉપરથી સ્વભાવ જુઓ તો શેરથાનું મરચું !

મિસ થોમસ (એમનું નામ તો સ્મિતા હતું) શિસ્તનાં એટલાં ચુસ્ત આગ્રહી કે સાંજે સાડા સાત પછી કોઈ છોકરી હોસ્ટેલની બહારથી આવે તો એને કમ્પાઉન્ડમાં જ રાત ગુજારવી પડે ! રાત્રે દસ વાગ્યા પછી જો કોઈના રૂમની લાઈટ ચાલુ દેખાય તો એ થોમસ મેડમ જઈને આખી હોસ્ટેલનો ફ્યુઝ જ કાઢી નાંખે !

હોસ્ટેલની છોકરીઓ આ બધું તો સહન કરી લે, પણ થોમસ મેડમની આદતથી એમને ખુબ જ ત્રાસ થતો હતો. આદત એવી કે છોકરીઓના ઘરેથી ફોન આવે તો એ જાણ જ ના કરે ! ઉપરથી ફોન કરનારને ખખડાવી નાંખે : 

‘આપ કો કિતની બાર બોલા ? ફોન કોલિંગ ટાઇમ ઇઝ વોન્લી સિક્સ પીએમ ટુ સેવન પીએમ !’

અચ્છા, એ જમાનામાં તો સૌ લેન્ડલાઈન ફોન જ વાપરતા હતા, એમાંય ગર્લ્સ હોસ્ટેલનો કોમન ફોન હકીકતમાં તો એક પબ્લિક ફોનનું ડબલું હતું ! જેમાં વાત કરતાં કરતાં તમારે રૂપિયા-રૂપિયાના સિક્કા નાંખતા રહેવુ પડે !

એમાંય ઉપાધી એવી કે એ પબ્લિક ફોનનું ડબલું હોસ્ટેલની ગેલેરીમાં નહીં, પણ થોમસ મેડમની કેબિનમાં મુકાવેલું ! બિચારી છોકરીઓ સિક્કા નાંખીને ફોન કરતી હોય ત્યારે થોમસ મેડમ સમડીની માફક આજુબાજુ મંડરાતી હોય ! (ખાતરી કરવા માટે કે છોકરી કોઈ બોયફ્રેન્ડ જોડે તો વાત નથી કરતી ને ?)

એ તો ઠીક, છોકરી હજી વાત કરવાનું શરૂ કરે ત્યાં જ આસપાસ આંટા મારીને બોલતી રહે : ‘ફીનીશ ઇટ ફાસ્ટ ! જલ્દી કરો !’ એમાંય જેવી ત્રણ મિનિટ થાય કે તરત એ હાથમાંથી રિસિવર છીનવીને ફોન કટ કરી નાંખે !

બિચારી છોકરીઓ કંટાળેલી, પણ શું થાય ? એવામાં એક દીપા મેકવાન નામની છોકરીને ચાન્સ મળી ગયો ! દીપા કંઈ કામસર રવિવારની બપોરે થોમસ મેડમની કેબિનમાં ગઈ હતી. એ દરમ્યાન હોસ્ટેલના ઝાંપા આગળ કોઈ રીક્ષાવાળાએ ઝગડો ચાલુ કર્યો હતો કે અહીંની એક છોકરી પૈસા ચૂકવ્યા વિના અંદર જતી રહી છે. એને બોલાવો !

આ રકઝકમાં થોમસ મેડમ પેલા રીક્ષાવાળાને તતડાવવા માટે બહાર ગયાં ત્યારે આ દીપા મેકવાને જોયું કે મેડમનો પેલો સાત હજારવાળો મોબાઈલ ફોન ટેબલ પર જ રહી ગયો છે ! એણે તરત જ ફોન ઉપાડ્યો અને મેડમની જ કેબિન સાથે જોડાયેલું જે વેસ્ટર્ન ટોઈલેટ હતું એના કમોડમાં નાંખી દીધો ! લે, લેતી જા!

આ પરાક્રમ કર્યા પછી દીપા તો ત્યાંથી સરકી ગઈ, પણ પછી જ્યારે થોમસ મેડમ પાછાં આવ્યા અને એકાદ ફોન કરવાની જરૂર પડી ત્યારે ખ્યાલ આવ્યો કે મોબાઈલ તો ગાયબ છે !

પહેલાં તો મેડમે લેન્ડ લાઈનના ડબલાથી પોતાના મોબાઈલ પર રીંગ મારી. પણ એ જમાનામાં જ્યાં જરીક અમથો ભેજ લાગી જાય એમાં તો ફોન 'મરી' જતો હતો ( યાદ છે? ચોમાસામાં ફોનને પ્લાસ્ટિકની કોથળીમાં રાખવો પડતો હતો !) તો અહીં રીંગ જાય જ ક્યાંથી ?

હવે મેડમનો પિત્તો ગયો ! એમણે હોસ્ટેલની ચાલીસે ચાલીસ છોકરીઓને બોલાવીને લાઈનમાં ઊભી રાખી ! બધાંને મોટા અવાજે વોર્નિંગ આપી : ‘મ્યેરે કો માલુમ હઈ કિ તુમ મેં સે કિસી ને મ્યેરી ફોન ચુરાયી ! અબી બોલ દો, વરના જબ તક ફોન નંઇ મિલેંગી… તબ તક ઇધર સે કોઈ નહીં હિલેંગી !’

બિચારી છોકરીઓ ફફડે, કરગરે, હાથ જોડીને વિનંતી કરે પણ થોમસ મેડમ માનવા જ તૈયાર નહીં ! એમને ખાતરી હતી કે હોસ્ટેલની કોઈ છોકરીનું જ આ કારસ્તાન છે ! એમણે નવી ધમકી આપી : 

‘જિસ ને બી ફોન ચૂરાઈ વો બોલ દે, વરના આજ લંચ, ડીનર, બ્રેકફાસ્ટ, ટી… એવરીથિંગ કેન્સિલ !’

પેલી દીપા મેકવાને એની બે ચાર ખાસ બહેનપણીઓને પોતાના આ પરાક્રમની વાત કરી હતી. (કરે જ ને ? આ જ તો એમનો ‘રિવેન્જ’ હતો !) એ બહેનપણીઓ પણ ધ્રૂજી રહી હતી કે આ વાત ક્યાંક બીજી છોકરીઓએ સાંભળી હશે, અને જો એમનું મોં ખુલશે તો આવી બનવાની !

પરંતુ એ પછી જે બન્યું તે બિલકુલ અણધાર્યું હતું ! થોમસ મેડમે દક્ષિણ ભારતમાં કોઈ ગામડામાં રહેતા એના પિતાજીને લેન્ડલાઈનથી કોલ લગાડ્યો ! તમે પૂછશો કે આમાં એના પિતાજી શું કરવાના હતા ?

તો વાત એમ હતી કે થોમસ મેડમના પિતાજી એક પ્રકારના તાંત્રિક હતા ! એટલું જ નહીં, આ રીતની ખોવાયેલી ચીજ કે ગુમ થયેલી વ્યક્તિ ક્યાં છે.. તે એમની વિદ્યા વડે જાણીને કહી શકતા હતા !

આ ચાલીસ છોકરીઓને એમ કે ‘જાવ જાવ, એ છેક હજાર માઈલ દૂર બેઠેલો તાંત્રિક શું કરી લેવાનો હતો ?’

પરંતુ ખરેખર ચમત્કાર થયો ! થોમસ મેડમના પિતાએ એમની સાધના વિધી વગેરે કર્યા પછી ફોન કરીને કીધું કે ‘તારો ફોન એક છીછરા પાણીમાં છે ! અને એની આસપાસ સફેદ સફેદ છે !’

આ સાંભળતાં જ થોમસ મેડમે પટાવાળાઓને સૂચના આપી ‘ફાઈન્ડ આઉટ કરો ! મ્યેરી ફોન કીધર તો પાની મેં હઈ… ઔર ઉસ કી આજુબાજુ વ્હાઈટ વ્હાઈટ હઈ !’

દીપા મેકવાન અને એની બહેનપણીઓને હવે ધ્રાસ્કો પડ્યો !

પેલી બાજુ પટાવાળાઓ હોસ્ટેલની ટાંકીઓ, બગીચાના નળો, પાઈપો અને ખાબોચિયાં અને ફૂવારામાં તપાસવા લાગ્યા !

આ બાજુ દીપા મેકવાન અને એની બહેનપણીઓ થથરે, કે આટલી બધી તપાસ પછી છેલ્લે મેડમનું જ ટોઈલેટ ‘રડાર’માં આવશે ત્યારે ? કેમકે મેડમના પિતાજીના શબ્દો હતા ‘આજુબાજુ વ્હાઈટ-વ્હાઈટ હઈ !’

પટાવાળાઓ જ્યારે અડધો પોણ કલાકની તપાસ પછી ખાલી હાથે પાછા આવ્યા ત્યારે પેલા થોમસ મેડમનો જે મલયાલી કારકૂન હતો એને બત્તી થઈ ! ‘મેડમ, ફોન કે આજુબાજુ વ્હાઈટ-વ્હાઈટ હઈ, તો બાથરૂમ કા ટાઈલ્સ ભી હો સકતા ના ?’

પત્યું ! હવે પટાવાળાઓ વછૂટ્યા છોકરીઓનાં કોમન બાથરૂમોની તલાશી માટે ! બસ, હવે એ લોકો ખાલી હાથે પાછા આવે ત્યારે તો એક જ બાથરૂમ બાકી બચેલો હશે ! અને તે આ થોમસ મેડમનો !

છોકરીઓનું ટેન્શન વધી રહ્યું હતું. જો થોમસ મેડમના ટોઈલેટમાંથી પેલો મોબાઈલ મળી આવશે તો મેડમ જરૂરથી મોટી ‘રાક્ષસી’ બની જશે ! માત્ર દીપાના પરાક્રમને લીધે ચાલીસે ચાલીસ છોકરીઓને શું સજા થશે એની કલ્પના જ કરવાની બાકી હતી !

એ જમાનામાં તો સ્કૂલની છોકરીઓને સોટીઓ મારવાનું કે કલાકો સુધી અંગુઠા પકડાવવાનું કોમન હતું. ડર એ પણ હતો કે ચાલીસ છોકરીઓમાંથી જો કોઈને દીપા મેકવાને પર ‘શક’ હશે તો…?

જોકે એ પછી જે થયું તેવું તો કદાચ ફિલ્મોમાં પણ નહીં થયું હોય…

પેલી તરફથી પટાવાળાઓ ખાલી હાથે પાછા આવી રહ્યા છે… આ તરફ થોમસ મેડમના ટેબલ પર પડેલા કાળા ફોનના ડબલામાં જે રીંગ વાગે છે તે લોંગ ડિસ્ટન્સ કોલની હતી… (જો તમને યાદ હોય તો, લોકલ કોલની રીંગ અડધી-અડધી અને ડબલ વાર વાગતી હતી, જ્યારે બહારગામના કોલની રીંગ લાંબી અને સિંગલ વાગતી હતી.)

થોમસ મેડમને થયું કે આ ફોન એના પિતાજીનો જ હશે ! એ ફોન ઉપાડવા જાય છે ત્યાં જ દીપા મેકવાનની એક ખાસ બહેનપણી ‘મેડમ પોટી ! મેડમ પોટી !’ કરતી દોડીને મેડમના એટેચ્ડ ટોઈલેટમાં ઘૂસી ગઈ !

આ બાજુ ફોનમાં મેડમના પિતાજી કહે છે ‘બેટા, મ્યૈંને દેખા.. તુમેરા ફોન તુમારા બિલકુલ પાસ મેં જો વ્હાઈટ ટાઈલ્સવાલ રૂમ હઈ… ઉધર હોનાં !’

ફોન મુકતાં જ થોમસ મેડમ પોતાના બાથરૂમ તરફ ધસી ગયાં ! પણ દરવાજો અંદરથી બંધ હતો !

થોડીવારે જ્યારે દીપાની ફ્રેન્ડ બહાર આવી ત્યારે અંદર ધસી ગયેલા મેડમને પેલો મોબાઈલ ફોન મળ્યો જ નહીં ! કેમકે તે પેલી છોકરીએ હાથ વડે બહાર કાઢીને પોતાના આંતરવસ્ત્રમાં સંતાડી દીધો હતો !

મેડમને જ્યારે બાથરૂમમાં કંઈ ન મળ્યું ત્યારે પેલા મલયાલી કારકૂને ખુલાસો-કમ દિલાસો આપતા કહ્યું કે ‘ફ્લશ કરવાને કારણે મોબાઈલ પાઈપ વડે ગટરમાં જતો રહ્યો હશે. બાકી તમારા પિતાજીનુ કહ્યું ખોટું તો ન જ પડે !’

એ પછી તાત્કાલિક મેડમે ખાસ માણસો બોલાવીને ટોઈલેટની પાઈપો અને ગટરલાઈન પણ ખોલાવી હતી !

આખરે જ્યારે બે દિવસની માથાકૂટ પછી પણ પેલો મોંઘેરો મોબાઈલ ન મળ્યો ત્યારે થોમસ મેડમે ફરી લોંગ ડિસ્ટન્સ કોલ લગાડીને એમના પિતાજીને પૂછેલું, ત્યારે જવાબ મળેલો કે ‘અબી વો ફોન બો’ત બડા તાલાબ મેં હઈ !’

જી હા, વડોદરાના એ બો’ત બડા તાલાબનું નામ ‘સુરસાગર’ છે ! તમે પણ જાણો છો.

*** 

(કથાબીજ : મનીષા મેકવાન - ભરૂચ)

વાચક મિત્રો, આપના ધ્યાનમાં આ પ્રકારના રમૂજી કિસ્સા હોય તો તે પત્ર દ્વારા અથવા ઈમેલ કરીને મોકલી શકો છો.

ઇમેઇલ : havamagolibar@gujaratsamachar.com
પત્ર માટે : ગુજરાત સમાચાર કાર્યાલય, ખાનપુર, અમદાવાદ-૧

અથવા ડાયરેકટ મને મોકલી શકો છો.
E-mail : mannu41955@gmail.com

Comments

  1. અનંતભાઈ પટેલ20 May 2025 at 17:00

    મઝા આવી ગઇ.. આભાર સાથે અભિનંદન

    ReplyDelete

Post a Comment