આતંકવાદની જુની-નવી વ્યાખ્યાઓ !

એક સમયે જ્યારે આખા દેશમાં ઠેર ઠેર આતંકવાદી ઘટનામાં સેંકડો નિર્દોષ નાગરિકો મરી રહ્યા હતા, ત્યારે….

- વાજપેયીજી ‘સમજૌતા એક્સ્પ્રેસ’ અને પાકિસ્તાન સાથે ‘ફ્રેન્ડશીપ ક્રિકેટ સિરીઝ’ ચલાવી રહ્યા હતા.

- મનમોહનજી ચાર ચાર વરસ લગી મુશર્રફ સાથે ‘શાંતિ મંત્રણા’ કરતાં રહ્યાં…

- ભારત સરકાર પાકિસ્તાનને બબ્બે વરસ લગી ૨૬/૧૧ હુમલાના ‘પુરાવા’ આપતી રહી…

- દરમ્યાનમાં ‘અમન કી આશા’ ટાઈપના સંગીત સમારોહો ચાલતા રહ્યા…

પરંતુ હવે જ્યારે આતંકવાદ કાશ્મીર પુરતો જ રહી ગયો છે અને આતંકવાદી ઘટનાઓ ૨૭૬થી ઘટીને ૪૬ સુધી પહોંચી ગઈ છે ત્યારે…

- અચાનક ‘યુદ્ધની નોબત’ આવી ગઈ છે !! નવાઈની વાત છે ને?

જોકે સાથેસાથે આતંકવાદની વ્યાખ્યાઓ પણ બદલાતી રહી છે !

*** 

જુની વ્યાખ્યાઓ :
(૧) આતંકવાદને કોઈ ‘ધર્મ’ નથી હોતો. (પણ હા, વચ્ચે ‘ભગવા આતંકવાદ’ જરૂર હતો !)

(૨) આતંકવાદીઓ ‘આખરે’ તો માનવી હોય છે. (જાણે કે મરનારા નિર્દોષો તો મર્યા પછી પણ ‘માનવી’ નથી હોતા !!)

(૩) આતંકવાદીઓ હકીકતમાં ‘કાયર’ હોય છે. (જાણે બોમ્બ અને ગોળીઓ શિકાર થનારા નિર્દોષો તો ‘બહાદૂર’ હોય!)

(૪) આતંકવાદીઓને ‘માનવ અધિકાર’નો હક્ક છે. (કેમકે મરનારાઓના તો ‘પશુ-અધિકાર’ પણ ક્યાં હોય છે ?)

(૫) બિચારા આતંકવાદીઓ તો ‘દિશા ભૂલેલા’ યુવાનો છે. (જાણે નિર્દોષ નાગરિકો તો ‘મરવાની દિશા’ નક્કી કરીને જ જન્મ્યા હતા !)

*** 

પણ હવે નવી બે વ્યાખ્યાઓ આવી છે :

(૧) આતંકવાદ એ ‘ડર્ટી બિઝનેસ’ છે.
(પાકિસ્તાની રક્ષામંત્રીએ હમણાં જ કબુલ કર્યું કે છેલ્લાં ૩૦ વરસથી તેઓ આ ગંદો ધંધો કરી રહ્યા છે !)

*** 

(૨) આતંકવાદ એ ‘સહકારી’ પ્રવૃત્તિ છે !
(અમેરિકન ઉપ-રાષ્ટ્રપતિએ કહ્યું છે કે પાકિસ્તાને આતંકવાદનો અંત લાવવા માટે ભારતને ‘સહકાર’ આપવાની જરૂર છે ! બોલો.)

***

- મન્નુ શેખચલ્લી

Comments