ન્યૂઝ પર નુક્તેચિની !

ઉર્દૂમાં ‘નુકતા’ એટલે અમુક અક્ષરોની નીચે જે ‘ટપકું’ મુકવામાં આવે છે ને, તે ! એ જ રીતે ‘નુક્તેચિની’નું સાદું ગુજરાતી થાય… ભજીયું !

*** 

ન્યુઝ : લાલુ યાદવના સુપુત્ર તેજ પ્રતાપે અનુષ્કા નામની છોકરી સાથે ૧૨ વરસથી સંબંધો હોવાની જાહેરાત કરતાંની સાથે લાલુજીએ એને પાર્ટીમાંથી અને ઘરમાંથી કાઢી મુ્કયો !

નુક્તેચિની :
‘એમાં એવું છે કે ‘મુહોબ્બત કી દુકાન’ બધી પાર્ટીમાં ચાલતી નથી ! ભલે ને એ ‘સહયોગી’ પાર્ટી હોય ?’

*** 

ન્યુઝ : યુદ્ધમાં સજ્જડ માર ખાવા છતાં પાકિસ્તાન હાર સ્વીકારવાને બદલે પોતે જીત્યા છે એવો ઢોલ પીટે છે !

નુક્તેચિની :
‘… પડ્યા પછી ટંગડી ઊંચી’ એ કહેવત કંઈ એમ ને એમ થોડી પડી છે ?

*** 

ન્યુઝ : મોદીજીએ ગુજરાતમાં આવીને ૫૩,૪૦૦ કરોડના વિકાસ કાર્યોનાં લોકાર્પણ તથા શિલાયન્સ કર્યા.

નુક્તેચિની :
ભેગાભેગું પેલા દાહોદ જિલ્લામાં કાગળ ઉપર બનેલા ૭૧ કરોડના મનરેગા રોડનું પણ ઉદ્‌ઘાટન કરાવી લેવાનું હતું ને !

*** 

ન્યુઝ : ટ્રમ્પ કહે છે કે પુતિન પાગલ થઈ ગયા છે !

નુક્તેચિની :
પોતાની માનસિક સ્થિતિ વિશે ટ્રમ્પને પોતાને જ ખબર લાગતી નથી !

*** 

ન્યુઝ : બાંગ્લાદેશમાં ચૂંટણી બાબતે ખેંચતાણ ચાલી રહી છે. આર્મી ચીફ કહે છે કે ડિસેમ્બરમાં કરાવી નાંખો. મોહમ્મદ યુનુસ કહે છે કે જુલાઈ, ૨૦૨૬ પહેલાં ના થાય !

નુક્તેચિની :
એમને કહો કે જરા અમિતભાઈને સોંપી દો. ભારતના ઈવીએમ મોકલીને બે મહિનામાં ફેંસલો લાવી દેશે !

*** 

ન્યુઝ : રાહુલ ગાંધી કહે છે કે ભારતે પાકિસ્તાન પર હૂમલો કરતાં પહેલાં એમને ‘જાણ’ કરી હતી !

નુક્તેચિની :
રાહુલબાબા, એને ‘જાણ’ નહીં ‘ચેતવણી’ કહેવાય ! એ પણ જાહેરસભામાં જ આપેલી !

*** 

ન્યુઝ : મોદી સાહેબે ડી-૯૦૦૦ નામના એક રેલ્વે એન્જિનને લીલી ઝંડી આપી.

નુક્તેચિની :
આ ચિટીંગ છે, હોં સાહેબ ? વાતો તો તમે ‘ડબલ એન્જિન’ની કરતા હો છો..

***

- મન્નુ શેખચલ્લી

Comments