ડિલીટેડ મેસેજનું સસ્પેન્સ !

વોટ્સએપમાં આ એક બહુ જ ખતરનાક સિસ્ટમ છે. તમે ભૂલથી કોઈ મેસેજ લખો, અને પછી એને ડિલીટ કરી નાંખો….
તો એની ‘સાબિતી’ ત્યાં જ પડી રહે છે ! ત્યાં લખ્યું હોય છે : ‘ધીસ મેસેજ વોઝ ડિલીટેડ’

આમાં સામેવાળી પાર્ટી સતત ડાઉટમાં રહે છે કે ‘એવું તે શું લખ્યું હતું કે ડિલીટ કરી નાંખ્યું ? જરૂર સાલાએ મારા વિશે કંઈ ખરાબ લખ્યું હશે !’

અમુક લોકો તો ફોન કરીને પૂછે છે ‘તમે શું લખેલું ? ના ના, આ તો જસ્ટ જાણવા ખાતર…’

અલ્યા, નહોતું જણાવવાનું એટલે તો ડિલીટ કર્યું ! હવે મોંમાં આંગળાં નાંખીને શું કામ બોલાવડાવે છે ?

આમાં સૌથી કફોડી હાલત બહેનોની થાય છે. જે મેસેજ પિયરના ગ્રુપમાં મુકવાનો હતો એ ભૂલથી સાસરીયાંના ગ્રુપમાં મુકાઈ જાય (પાછું મેસેજમાં કશુંય એવું ‘બદબોઈ’ જેવું ના હોય…. દાખલા તરીકે ‘ચંપામાસી તમે તમારો આ નવો ડ્રેસ ક્યાંથી લીધો ?’ એટલું જ લખ્યું હોય !) તો પણ ડિલીટ તો કરવો જ પડે ને ?

હવે જો ડિલીટ કર્યો કે તરત સાસરિયાંના ગ્રુપમાં બધાનાં નાક સળવળી ઊઠે છે ! 

‘એ ચાંપલીએ શું લખ્યું હશે ? જરૂર મીનાકાકીની નવી વાનગીના ફોટા વિશે કંઈ ફાલતુ કોમેન્ટ કરી હશે… નહિતર મારી બેટી ડિલીટ શેની કરી નાંખે, ફટાફટ ?’

આમાં મેસેજ મુકનારીને તો ફોન કરી ના શકાય ! એટલે અંદરો અંદર પંચાત ચાલે : ‘જોયું ? પેલીએ કંઈક લખ્યું, ને પછી ડિલીટ કરી નાંખ્યું ! અલી, બે મિનિટ લગી તો ગ્રુપમાં રહ્યું હશે ને ? તમે વાંચેલું ? એ મૂઈ છે જ એવી….’ વગેરે.

અમારી વોટ્સએપના માલિક ઝુકરબર્ગને ખાસ વિનંતી છે કે ભૈશાબ, મેસેજ ડિલીટ કર્યા પછી ‘એ ડિલીટ થયો છે’ એવા ઢંઢેરા પીટવાની શી જરૂર છે ? ડિલીટ એટલે ડિલીટ બાપા ! ત્યાં કશું હોવું જ ના જોઈએ !

અમે ક્યાંકથી ઝુકરબર્ગનો નંબર શોધીને આવો મેસેજ ઠોકી પણ દીધો ! પછી શું થયું ખબર છે ?

ઝુકરબર્ગનો રિપ્લાય પણ આવ્યો ! હજી અમે ખોલીને વાંચવા જઈએ છીએ ત્યાં લખેલું આવ્યું : ‘ધીસ મેસેજ વોઝ ડિલીટેડ !’

***

- મન્નુ શેખચલ્લી

Comments