ઉપરવાળો જે રીતે ધોમધખતા ઉનાળામાં વચ્ચે વચ્ચે મિની-ચોમાસાં જેવા ભજીયાં મુકે છે એ રીતે સિરિયસ સમાચારોમાં પણ હળવા ભજીયાં જરૂરી છે !
***
વડાપ્રધાનશ્રી કહે છે કે ‘મારી નસોમાં ગરમ લોહી નહીં, પણ સિંદૂર વહે છે…’
- જોયું ? એમણે જ્યારે કીધેલું કે હું ‘નોન-બાયોલોજીકલ’ જીવ છું, ત્યારે તમે માનતા નહોતા ! પણ હવે તો માનશો ને ?
***
‘ઓપરેશન સિંદૂર’ માટે ભારતનો પ્રચાર કરવા માટે શશી થરૂર અમેરિકા ગયા છે તે કોંગ્રેસને જરાય ગમ્યું નથી.
- ના જ ગમે ને ? બિચારા રાહુલ ગાંધી વારંવાર અમેરિકા જઈને ભારતની ઈમેજ બગાડવામાં આટલી બધી મહેનત કરે છે, અને આ શશીભાઈ અઘરું અઘરું અંગ્રેજી બોલીને આખી મહેનત પર પાણી ફેરવી નાંખ, તે કેમ ચાલે ?
***
ગુરુગ્રામમાં એક દરદીના પિત્તાશયમાંથી ૮,૧૨૫ પથરી નીકળી ! આનું ઓપરેશન એક કલાકમાં પતી ગયેલું, પણ પથરીઓ ગણવામાં ૬ કલાક થયા !
‘ઓપરેશન સિંદૂર’નું પણ આવું જ છે ! એ ઓપરેશન સાડા ત્રણ દિવસમાં પતી ગયું, પણ એની પંચાતો સાડા ત્રણ વરસ લગી ચાલતી રહેવાની !
***
૨૩ મે ‘કાચબા દિવસ’ હતો !
- આ દિવસને ‘ભારતીય ન્યાયતંત્ર દિવસ’ તરીકે પણ ઉજવવો જોઈએ !
***
સલમાન ખાનના ઘરમાં ઘૂસતાં બે જણા પકડાઈ ગયા.
- સારું થયું કે એ બાંગ્લાદેશી નહોતા, નહિતર બુલડોઝર વડે એમને બહાર કાઢવામાં ૩૦ વરસ લાગી ગયાં હોત !
***
દાહોદમાં ૭૧ કરોડના મનરેગા કૌભાંડમાં મંત્રીશ્રી બચુ ખાબડ કહે છે કે મારા દિકરાએ તો માત્ર મટિરીયલ સપ્લાય કરેલું !
- તો એ મટિરીયલ ક્યાં ગયું ? એ પણ ‘કાગળ’માં જ ઓગળી ગયું ?
(અગાઉ કહેતા હતા કે ‘ધરતી માર્ગ આપે તો સારું’.. આજે કહી શકાય કે ‘કાગળમાં જ માર્ગ થઈ જાય તો સારું !’)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment